VIDEO: યુદ્ધના માહોલ વચ્ચે પુત્રી સાથે દુબઈમાં ફસાઈ Lara Dutta, રડતા-રડતા સંભળાવી આપવીતી
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે દુબઈમાં અનેક ભારતીયો ફસાયેલ


અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે દુબઈમાં અનેક ભારતીયો ફસાયેલા છે. અભિનેત્રી લારા દત્તાએ પોતાની દીકરી સાથે દુબઈમાં યુદ્ધ જેવી સ્થિતિમાં વિતાવેલા તણાવપૂર્ણ અનુભવો શેર કર્યા છે.
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે, જેની અસર વિશ્વભરના હવાઈ પ્રવાસ પર પડી રહી છે. યુદ્ધના આ માહોલ વચ્ચે અનેક ભારતીયો દુબઈમાં ફસાયા છે. અભિનેત્રી લારા દત્તા પણ દીકરી સાથે દુબઈમાં છે અને તેણે રડતા-રડતા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.
લારા દત્તાએ વ્યક્ત કરી વેદના
લારા દત્તા હાલમાં તેની દીકરી સાયરા સાથે દુબઈમાં છે. ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા તેણે જણાવ્યું કે, તે બ્રાન્ડ કમિટમેન્ટ માટે દુબઈ ગઈ હતી, જે છેલ્લા ત્રણ વર્ષથી તેનું ઘર છે. ત્યારે જ આ સંઘર્ષ શરૂ થયો. તેણે સ્ટુડિયોમાં વિસ્ફોટોના અવાજો સાંભળ્યા અને મિસાઇલોને હવામાં તોડી પાડવામાં આવતી જોઈ હોવાની વાત કહી.
લારાએ કહ્યું, "અમે ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની શરૂઆતથી જ દુબઈમાં છીએ. UAE અને દુબઈ છેલ્લા ત્રણ વર્ષથી મારું ઘર છે. 28 તારીખે હું દુબઈના એક સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહી હતી, ત્યારે ઉપરથી ધડાકાના અવાજો આવવા લાગ્યા. અમે સ્ટુડિયોની બહાર ભાગ્યા અને મિસાઇલો ઇન્ટરસેપ્ટ થતી જોઈ. છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ તણાવપૂર્ણ રહ્યા છે. મારી દીકરી મારી સાથે છે, મહેશ કામ અર્થે બહાર હતા, નસીબજોગે તેઓ દુબઈમાં નહોતા."
તે વધુમાં જણાવે છે કે, "અમે નર્વસ છીએ અને આ ખૂબ જ ડરામણું છે. ઘણા ફાઈટર જેટ્સ ઉપર ઉડી રહ્યા છે, તેજ વિસ્ફોટો થઈ રહ્યા છે. અમે વિલામાં રહીએ છીએ, જે સુરક્ષિત વિસ્તારમાં છે, તેમ છતાં બારીઓ હલી જાય છે, ઘર અને દરવાજા ધ્રૂજે છે. આ ડરામણું છે, પરંતુ એક ક્ષણ માટે પણ અસુરક્ષિત અનુભવ્યું નથી."
સરકારની પ્રશંસા કરી
લારાએ UAE સરકારના વખાણ કર્યા છે. લારાએ કહ્યું- "UAE સરકારે અદ્ભુત કામ કર્યું છે. તેમણે દરેક વ્યક્તિની કાળજી લીધી છે, પછી ભલે તે ગમે તે દેશનો હોય." વીડિયોના અંતમાં લારાની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું કે, "મને તે સામાન્ય લોકો માટે ઘણું સન્માન છે, જેઓ બહાર જવાનો કોઈ વિકલ્પ ન હોવા છતાં પણ દેશને ચલાવી રહ્યા છે."
અભિનેત્રીએ એમ પણ જણાવ્યું કે તે જલ્દી ભારત પરત ફરવાનો પ્રયાસ કરી રહી છે.








