સોનુ સૂદ, કરીના અને શિલ્પા શેટ્ટીના ઘરે બપ્પાનું આગમન: ગણેશ ઉત્સવમાં લીન થયા ફિલ્મી સિતારાઓ!

ગણેશ ચતુર્થીનો તહેવાર સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સિતારાઓ પણ આ તહેવારને પૂરા ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવે છે. આ વખતે પણ ફિલ્મી સિતારાઓના ઘરે ગણપતિ બપ્પાના આગમનની રોનક જોવા મળી. સોશિયલ મીડિયા પર સિતારાઓએ પોતાના ગણેશ ઉત્સવની તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાં તેમના ઘરના શણગારથી લઈને બાપ્પાના સ્વાગત સુધીની ઝલક જોવા મળી રહી છે.
અનન્યા પાંડેથી લઈને રશ્મિકા મંદાના અને સોનુ સૂદ સુધીના અનેક બોલિવૂડ કલાકારોએ પોતાના ઘરે ગણપતિ બપ્પાનું સ્વાગત કર્યું. કેટલાક સિતારાઓ પરિવાર સાથે પૂજા કરતા નજરે પડ્યા તો કેટલાકે પૂરા પરંપરાગત અંદાજમાં બાપ્પાની સ્થાપના કરી. આ કલાકારોની ગણેશ ઉત્સવની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચામાં રહ્યા. અહીં જાણો આ વખતે કયા-કયા બોલિવૂડ સિતારાઓએ પોતાના ઘરે ગણપતિ બપ્પાનું સ્વાગત કર્યું અને કઈ રીતે આ ખાસ તહેવાર ઉજવ્યો.
સેલેબ્સે કર્યું બપ્પાનું સ્વાગત
સોનુ સૂદે પોતાના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું છે. એક્ટરે પોતાના પૂરા પરિવાર સાથે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરી. સોનુ સૂદે જણાવ્યું કે ભગવાન શ્રી ગણેશ સાથે તેમનો ખૂબ જૂનો સંબંધ છે. તેઓ છેલ્લા 25 વર્ષથી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ પોતાના ઘરે લાવી રહ્યા છે. જ્યારે તેઓ શરૂઆતના દિવસોમાં પંજાબથી આવીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્થાન મેળવવા સંઘર્ષ કરી રહ્યા હતા, તે સમયે તેમણે બપ્પા પાસે માનતા માંગી હતી જે હવે પૂરી થઈ ગઈ છે. બપ્પાએ તેમને આ કાબિલ બનાવ્યા છે કે હવે તેઓ જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યા છે.
કરીના કપૂર ખાને આ વખતે ગણેશ ચતુર્થી કંઈક ખાસ અંદાજમાં ઉજવી. તેમણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઈકો-ફ્રેન્ડલી રીતે ગણપતિ બપ્પાનું સ્વાગત કર્યું. કરીનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી છે.

અનન્યા પાંડેએ પણ પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું. તેણે પોતાના માતા-પિતા ચંકી પાંડે અને ભાવના પાંડે સાથે હાથ જોડીને ગણપતિ બપ્પાના આશીર્વાદ લીધા. આ દરમિયાન ત્રણેય કેમેરા સામે પોઝ આપતા નજરે પડ્યા હતા. તો બીજી તરફ, રાજકુમાર રાવે પત્ની પત્રલેખા સાથે મળીને ઘરે જ ઈકો-ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવી હતી.
શર્વરીએ દર વર્ષની જેમ આ વખતે પણ મહારાષ્ટ્રના મોરગાંવ સ્થિત પોતાના પૈતૃક ઘરે ગણેશ ચતુર્થી ઉજવી. એક્ટ્રેસે પરિવાર સાથેની ઉજવણીની કેટલીક સુંદર તસવીરો શેર કરી. તેણે ઘરવાપસી કરીને પરિવાર સાથે પ્રેમ અને સકારાત્મકતાથી ભરેલા આ ખાસ તહેવારને ઉજવવાની ખુશી પણ વ્યક્ત કરી.
સુનીલ શેટ્ટીએ પણ પોતાના ઘરે ગણપતિ બપ્પાનું સ્વાગત કર્યું અને સેલિબ્રેશનની ઝલક ફેન્સ સાથે શેર કરી. તેણે બપ્પાની તસવીર પોસ્ટ કરીને લખ્યું કે તેમના આવવાથી બધું જ વધુ રોશન અને સુંદર અનુભવાય છે. એક્ટરે તમામ લોકોને પ્રેમ, ખુશીઓ અને પોતાના સ્વજનો સાથે મળીને ગણેશ ચતુર્થી ઉજવવાની શુભકામનાઓ આપી.
તો બીજી તરફ, રિતેશ દેશમુખ, જેનિલિયા ડિસૂઝા અને તેમના બંને પુત્રો પણ ગણપતિ બપ્પા સાથે નજરે પડ્યા. પૂરા પરિવારે મળીને ઘરે બપ્પાનું સ્વાગત કર્યું અને આ ખાસ પ્રસંગે સાથે તસવીરો પણ ખેંચાવી.
આ સિવાય રશ્મિકા મંદાનાએ પણ ફેન્સને ઈન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરીને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી છે. કાજોલ પણ ગણપતિ બપ્પાની ભક્તિમાં લીન જોવા મળી હતી.
શિલ્પા શેટ્ટીએ પણ દર વર્ષની જેમ આ વખતે પણ બપ્પાનું ખૂબ જ ગ્રાન્ડ લેવલે પોતાના ઘરે સ્વાગત કર્યું છે. એક્ટ્રેસે કૅપ્શનમાં લખ્યું – ‘તેઓ ફરી પાછા આવી ગયા છે... ગણપતિ બપ્પા મોરિયા’. તસવીરોમાં શિલ્પા તેના પતિ રાજ અને બંને બાળકો સાથે જોવા મળી રહી છે.
આ જ રીતે અન્ય ઘણા સ્ટાર્સે પણ ગણપતિ બપ્પાનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું છે અને ફેન્સને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી છે.

