નિફ્ટી 40,000 સુધી પહોંચશે? CLSAએ આપ્યો 34% વળતરનો અંદાજ

નિફ્ટી 40,000 સુધી પહોંચશે? CLSAએ આપ્યો 34% વળતરનો અંદાજ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભારતીય શેરબજારમાં આગામી સમયમાં ઐતિહાસિક તેજી જોવા મળી શકે છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ CLSAના જાણીતા ચાર્ટિસ્ટ લોરેન્સ બેલેન્કોના ટેકનિકલ વિશ્લેષણ (Technical Analysis) અનુસાર, જો બજારમાં વર્તમાન તેજી જળવાઈ રહેશે તો નિફ્ટી 50 ઇન્ડેક્સ ટૂંકા ગાળામાં 26,300નું સ્તર પાર કરી શકે છે. જ્યારે લાંબા ગાળે નિફ્ટી 31,000થી 40,000ના સ્તર સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નિફ્ટી 25,500ની સપાટી પર રહેશે નિર્ણાયક

બજારના વિશ્લેષણ મુજબ નવેમ્બરના અંતિમ સપ્તાહ દરમિયાન નિફ્ટીની ચાલ મહત્ત્વપૂર્ણ રહેશે. જો નિફ્ટી 25,500ની સપાટીથી ઉપર બંધ આપવામાં સફળ રહેશે તો ઓગસ્ટ 2020 પછી પહેલીવાર લાંબા ગાળાના ખરીદીના સંકેત (Long-Term Buy Signal) સક્રિય થઈ શકે છે. CLSAના વિશ્લેષણ અનુસાર, વર્ષ 1993થી અત્યાર સુધીના ઇતિહાસમાં આ પ્રકારનો દુર્લભ સંકેત માત્ર 12 વખત જોવા મળ્યો છે. આવા સંકેત મળ્યા બાદના 12 મહિનામાં નિફ્ટીએ સરેરાશ 34 ટકા જેટલું વળતર આપ્યું છે. આ જ પેટર્ન ફરી જોવા મળે તો રોકાણકારો માટે બજારમાં મોટી તેજીની શક્યતા ઊભી થઈ શકે છે.

જાહેરાત

બેન્કિંગ અને IT સેક્ટર તેજીને આપશે વેગ

આ સંભવિત તેજીમાં બેન્કિંગ સેક્ટરની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીથી મર્યાદિત દાયરામાં રહેલો બેન્ક નિફ્ટી હવે બ્રેકઆઉટ (Breakout)ના સંકેતો આપી રહ્યો છે. વિશ્લેષણ મુજબ તેમાં વર્તમાન સ્તરેથી આશરે 20 ટકાની વૃદ્ધિ થઈ શકે છે અને તે 70,000ની સપાટી સુધી પહોંચી શકે છે. બેન્કિંગ શેરોમાં ICICI બેન્ક આગેવાની લઈ શકે છે. આ શેર માટે ₹1,900થી ₹2,000નો સંભવિત લક્ષ્યાંક દર્શાવવામાં આવ્યો છે. બીજી તરફ, HDFC બેન્કમાં હાલ સુસ્તી જોવા મળી રહી છે. IT ઇન્ડેક્સમાં પણ નવો બેઝ તૈયાર થયો હોવાથી તે 40,000ના સ્તર તરફ આગળ વધી શકે છે.

મેટલ અને FMCGમાં નબળાઈના સંકેતો

CLSAના અહેવાલ મુજબ, વર્ષના પ્રથમ છ મહિનામાં સારું પ્રદર્શન કરનારા મેટલ અને કોમોડિટી સેક્ટરમાં હવે નબળાઈ જોવા મળી રહી છે. FMCG સેક્ટર પણ છેલ્લા ત્રણ વર્ષથી બજારની સરખામણીએ નબળું પ્રદર્શન કરી રહ્યું છે. બીજી તરફ, MCX અને BSE જેવી એક્સચેન્જ કંપનીઓના શેરોમાં ફરી તેજીના સંકેતો મળી રહ્યા છે.

વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ

વૈશ્વિક બજારોની વાત કરીએ તો અમેરિકાના નાસ્ડેક ઇન્ડેક્સમાં નબળાઈને કારણે તે 23,800 સુધી ઘટી શકે છે. કોરિયા અને તાઇવાન જેવા એશિયાઈ બજારો પર પણ દબાણ રહેવાની શક્યતા છે. કોમોડિટી માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 97 ડોલરથી નીચે જાય તો 90 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટી શકે છે. જ્યારે સોનું 4,000 ડોલરની સપાટીએ મજબૂત ટેકો મેળવીને આગળ 4,500 ડોલરને પાર કરી શકે છે. ચાંદીમાં નવી ખરીદી માટે હાલ રાહ જોવાની નીતિ અપનાવવાની સલાહ આપવામાં આવી છે. નોંધ: આ તમામ અંદાજો CLSAના ટેકનિકલ વિશ્લેષણ પર આધારિત છે. શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલાં પ્રમાણિત નાણાકીય નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત