UPI પેમેન્ટ બન્યું વેપારીઓ માટે માથાનો દુખાવો, ₹450ના નફામાંથી ₹120 ટેક્સમાં જશે!

અમદાવાદના વેપારીઓમાં UPI પેમેન્ટ પર લાગનારા ચાર્જને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે. ખાસ કરીને FMCG હોલસેલર્સનું કહેવું છે કે ઓછા માર્જિનમાં ધંધો કરતા વેપારીઓ માટે 0.4%નો ચાર્જ પણ નફાને સીધી અસર કરશે. વેપારીઓના જણાવ્યા મુજબ, ₹30 હજારના UPI પેમેન્ટમાં આશરે ₹450નું માર્જિન મળે છે. જો તેના પર 0.4%ના દરે ₹120નો ચાર્જ/GST ગણવામાં આવે તો વેપારી પાસે માત્ર ₹330 જેટલું માર્જિન બચે છે.
ઓછા માર્જિનમાં વેપારીઓની મુશ્કેલી વધશે
FMCG હોલસેલર્સના જણાવ્યા પ્રમાણે તેમનો વ્યવસાય આશરે 5%ના ગ્રોસ માર્જિન પર ચાલે છે. તેમાં પગાર, ડિલિવરી સહિતના ખર્ચ બાદ લગભગ દોઢ ટકા જેટલી રકમ બચતી હોવાનું વેપારીઓ કહે છે. આવી સ્થિતિમાં UPI પેમેન્ટ પર વધારાનો ચાર્જ લાગવાથી ચોખ્ખા નફા પર સીધી અસર પડી શકે છે.
વેપારીઓનું કહેવું છે કે જો હોલસેલર પાસે પોતાનું ગોડાઉન ન હોય અને ભાડે જગ્યા લઈને વેપાર કરતો હોય તો ખર્ચ વધુ વધી જાય છે. આવી સ્થિતિમાં UPI વ્યવહાર પરનો વધારાનો ખર્ચ તેમના માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે.
‘ટેક્સ ઉપર ટેક્સ’ લગાવવાનો વેપારીઓનો આક્ષેપ
શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠન સાથે જોડાયેલા વેપારીઓનો આક્ષેપ છે કે UPI પેમેન્ટમાં GST સહિતની રકમ પહેલેથી સામેલ હોય છે. તેમ છતાં કુલ પેમેન્ટ પર 0.4%ના દરે ચાર્જ લાગવાથી ટેક્સના ભાર અંગે વેપારીઓમાં નારાજગી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, ₹75 હજારના પેમેન્ટ પર મહત્તમ ₹300 જેટલો ચાર્જ બની શકે છે, જે ઓછા માર્જિનવાળા વ્યવસાયમાં નોંધપાત્ર રકમ છે.
ડિજિટલ પેમેન્ટને બદલે રોકડ તરફ વળવાની ભીતિ
વેપારીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં રોકડનો ઉપયોગ ઘટ્યો છે અને ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધ્યો છે. UPI વ્યવહારોનો રેકોર્ડ ઉપલબ્ધ રહેતો હોવાથી વેપારની આવકનો અંદાજ લગાવવામાં પણ સરળતા રહે છે. પરંતુ જો ડિજિટલ પેમેન્ટ પર વધારાનો ખર્ચ વેપારીઓ માટે ભારરૂપ બનશે તો કેટલાક વેપારીઓ ફરી રોકડ વ્યવહાર તરફ વળી શકે છે.
વેપારીઓનો દાવો છે કે આવા સંજોગોમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને અસર થઈ શકે છે. હાલ UPI ચાર્જને લઈને અમદાવાદના વેપારી વર્ગમાં ચર્ચા અને વિરોધ બંને જોવા મળી રહ્યા છે.

