શેરબજારમાં સતત ત્રીજા કારોબારી સત્રમાં તેજી, સેન્સેક્સમાં 598 પોઇન્ટનો ઉછાળો
વૈશ્વિક બજારના મજબૂત વલણો અને બેન્કિંગ, મેટલ અને ઓઇલ કંપનીઓના શેરમાં વધારા

વૈશ્વિક બજારના મજબૂત વલણો અને બેન્કિંગ, મેટલ અને ઓઇલ કંપનીઓના શેરમાં વધારા વચ્ચે ભારતીય શેરબજારમાં મંગળવારે સતત ત્રીજા સત્રમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો.
બીએસઇના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 597.67 પોઈન્ટ અથવા 0.74 ટકાના વધારા સાથે 80,845.758 ના સ્તર પર બંધ થયા છે. સેન્સેક્સ આજે 80,244.78 અને 80,949.10ની રેન્જમાં ટ્રેડ થયો હતો.
બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી 50 181.10 પોઈન્ટ અથવા 0.75 ટકા મજબૂત થઈને 24,457.15 પર બંધ થયો. આજે નિફ્ટીએ 24,280.00 અને 24,481.35ની રેન્જમાં ટ્રેડિંગ કર્યું હતું.
સેન્સેક્સના ટોપ ગેઇનર્સ
સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા.
અદાણી પોર્ટ્સ, એનટીપીસી, એક્સિસ બેન્ક, એસબીઆઈ અને એલએન્ડટી સેન્સેક્સમાં ટોપ-5 ગેઇનર હતા. આ સિવાય અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ, એચડીએફસી બેન્ક, રિલાયન્સ, એચસીએલ ટેક, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, ટીસીએસ, ટાઇટન, જેએસડબલ્યુ સ્ટીલ, પાવર ગ્રીડ, ઇન્ફોસિસ, એમએન્ડએમ, બજાજ ફાઇનાન્સ, નેસ્લે ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેન્ક, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, મારુતિના એચયુએલ શેર પણ નફામાં રહ્યા હતા. એ જ રીતે નિફ્ટી 50ના 41 શેરોમાં ઉછાળો જોવા મળ્યો, જ્યારે 9 શેરો ઘટાડા સાથે બંધ થયા.
સેન્સેક્સના ટોપ લૂઝર્સ
બીજી તરફ સેન્સેક્સના 30 શેરોમાંથી 5 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. ભારતી એરટેલ, આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા અને કોટક બેન્ક સેન્સેક્સના ટોપ 5 લુઝર હતા.
નિફ્ટી એફએમસીજી અને ફાર્મા સિવાયના તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં તેજી
વ્યાપક બજારોમાં, નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 સૂચકાંકો અનુક્રમે 0.89 ટકા અને 0.84 ટકા વધીને બંધ થયા છે. નિફ્ટી એફએમસીજી અને ફાર્મા સિવાય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે.
નિફ્ટી પીએસયુ બેન્ક અને મીડિયા ઈન્ડેક્સ 2 ટકાથી વધુના વધારા સાથે બંધ થયા છે. આ પછી બેન્ક નિફ્ટી, ઓએમસી અને મેટલ સૂચકાંકો હતા, જે તમામ 1 ટકાના વધારા સાથે બંધ થયા હતા.
છેલ્લા સેશનમાં બજાર કેવું હતું?
છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે સોમવારે ભારતીય શેરબજારો સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ અને એચડીએફસી બેન્ક જેવી બ્લુ ચિપ કંપનીઓના શેરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી.
બીએસઇ સેન્સેક્સ 445.29 પોઈન્ટ અથવા 0.56 ટકાના વધારા સાથે 80,248.08 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 50 પણ 144.95 પોઈન્ટ અથવા 0.6 ટકાના વધારા સાથે 24,276.05 પર બંધ થયો હતો.








