મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Stock Market: સેન્સેક્સ 278 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 25910 પોઇન્ટની સપાટીએ બંધ

મંગળવારે (18 નવેમ્બર) વૈશ્વિક બજારોના સુસ્ત સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં બંધ

Stock Market: સેન્સેક્સ 278 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 25910 પોઇન્ટની સપાટીએ બંધ

મંગળવારે (18 નવેમ્બર) વૈશ્વિક બજારોના સુસ્ત સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં બંધ થયા હતા. વૈશ્વિક બજારોમાં ઘટાડાની સ્થાનિક બજારો પર પણ અસર પડી, જેના કારણે સાત દિવસની તેજીનો અંત આવ્યો. અમેરિકાના મુખ્ય આર્થિક ડેટા પહેલા રોકાણકારો સાવધ રહ્યા હતા, જે નક્કી કરી શકે છે કે ફેડરલ રિઝર્વ આવતા મહિને વ્યાજ દરમાં ઘટાડો કરશે કે નહી. આઇટી અને મેટલ શેરોમાં વેચવાલીથી પણ બજાર નીચે આવ્યું.

30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ 85,042 પર મજબૂત ખુલ્યો પરંતુ તરત જ ઘટાડામાં સરી પડ્યો. અંતે તે 277.93 પોઈન્ટ અથવા 0.33 ટકા ઘટીને 84,673.02 પર બંધ થયો.

તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો નિફ્ટી 50 26,021 પોઈન્ટ પર થોડો વધારા સાથે ખુલ્યો. જોકે, ખુલ્યા પછી તરત જ તેમાં ઘટાડો થયો. બપોરના કારોબારમાં તે સપાટ રહ્યો, પરંતુ અંતે 103.40 પોઈન્ટ અથવા 0.40 ટકા ઘટીને 25,910 પર બંધ થયો.

જિયોજીત ઇન્વેસ્ટમેન્ટના રીસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, "તાજેતરની તેજી પછી રોકાણકારોએ નફો બુક કરાવ્યો હોવાથી સ્થાનિક શેરબજાર થોડું નીચું બંધ થયું. નબળા વૈશ્વિક સંકેતોનો પણ બજાર પર પ્રભાવ પડ્યો. ડિસેમ્બરમાં યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષાઓ ઓછી થઈ ગઈ છે."

આનાથી સેન્ટિમેન્ટ પર વધુ દબાણ આવ્યું છે. મજબૂત ડોલર વચ્ચે આઇટી, મેટલ અને રિયલ્ટી શેરોમાં ઘટાડો થયો છે, જ્યારે ખાનગી બેંકોએ થોડો ટેકો આપ્યો છે. રોકાણકારો હવે આ અઠવાડિયે જાહેર થનારા યુએસ રોજગાર ડેટા પર નજર રાખી રહ્યા છે, જે ફેડના નીતિ દૃષ્ટિકોણને આગળ વધારવા માટે માર્ગદર્શન આપશે."

તેમણે કહ્યું કે, "આગળ વધતાં, ભારત-યુએસ વેપાર સોદા પર પ્રગતિ અને સ્થાનિક કંપનીઓના સુધારેલા પરિણામો બજારના સેન્ટિમેન્ટને વેગ આપી શકે છે. આનાથી નિફ્ટી50ને 26,000ના સ્તરને ટકાઉ રીતે પાર કરવામાં પણ મદદ મળી શકે છે,"

ટોપ લૂઝર્સ અને ગેનર્સ

સેન્સેક્સના શેરોમાં, ટેક મહિન્દ્રા, એટરનલ, ઇન્ફોસિસ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ અને અદાણી પોર્ટ્સ સૌથી વધુ ઘટ્યા હતા. દરમિયાન ભારતી એરટેલ, એક્સિસ બેંક, એશિયન પેઇન્ટ્સ, પાવર ગ્રીડ અને ટાઇટન ટોચના વધ્યા હતા.

નિફ્ટી 50ની કંપનીઓમાં સૌથી વધારે તેજી હીરો મોટો કોર્પમાં જોવા મળી હતી. તેમાં 1.76 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ પછી, એક્સિસ બેંકમાં 1.27 ટકા, એશિયન પેઇન્ટ્સમાં 0.63 ટકા, મારુતિ સુઝુકીમાં 0.33 ટકા, શ્રીરામ ફાઇનાન્સમાં 0.29 ટકાનો વધારો જોવા મળ્યો.

નિફ્ટી 50 કંપનીઓમાં સૌથી વધારે નુકસાન ઇન્ટરગ્લોબને થયું હતું, તેમાં 2.28 ટકાનું નુકસાન જોવા મળ્યું હતું.  આ પછી, ટેક મહિન્દ્રા 2.13 ટકા, ટાટા કન્ઝ્યુમર 2.11 ટકા, જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ 1.94 ટકા, બજાજ ફિનસર્વ 1.42 ટકા ઘટ્યા.

બ્રોડર માર્કેટ્સમાં નિફ્ટી મીડ કેપ ઇન્ડેક્સ 0.59 ટકા અને નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ 1.05 ટકા ઘટીને બંધ રહ્યો હતો. ક્ષેત્રીય મોરચે, બધા ક્ષેત્રો લાલ નિશાનમાં બંધ થયા. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 1.91% ઘટ્યો. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 1.1% ઘટ્યો, જ્યારે મેટલ ઇન્ડેક્સ 1.07% ઘટ્યો. 

મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટ્સે બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરતાં નબળો દેખાવ કર્યો. બીએસઇ મિડકેપમાં 0.70 ટકાનો ઘટાડો થયો, જ્યારે બીએસઇ સ્મોલકેપમાં 0.85 ટકાનો વધારો થયો. 

ટ્રેડ ડીલના પ્રથમ તબક્કાને આખરી ઓપ અપાઇ રહ્યો છે

ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારનો પ્રથમ તબક્કો "લગભગ અંતિમ સ્વરૂપ" પામ્યો છે, એમ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તે વોશિંગ્ટન દ્વારા અનેક ભારતીય ઉત્પાદનો પર લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફના મુદ્દાને પણ સંબોધશે.

અમેરિકી પ્રશાસને ઓગસ્ટમાં કેટલીયે ભારતીય વસ્તુઓ પર 50 ટકાનું ભારે શૂલ્ક લગાવ્યું છે. આમાં રશિયન તેલની ખરીદી પર 25 ટકા દંડાત્મક ટેરિફનો સમાવેશ થતો હતો. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત કરારથી ભારત પર 25 ટકા દંડનો મુદ્દો ઉકેલાઈ જશે તેવી અપેક્ષા છે. નહિંતર, કરાર અર્થહીન રહેશે.

વૈશ્વિક બજારો

અમેરિકી બજારો સોમવારે ઘટાડા પર બંધ રહ્યા હતાં. ટેકનોલોજી શેરોમાં નરમાઇના કારણે બ્રોડર ઇન્ડેક્સ દબાણમાં આવ્યા હતાં. રોકાણકારો આ અઠવાડિયાના અંતમાં આવનારા એનવિડિયા કમાણી અને રોજગાર ડેટાની રાહ જોઈ રહ્યા છે. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ (ડીજેઆઇએ) 1.18 ટકા ઘટ્યો, એસ&પી 500 પણ 0.92 ટકા ઘટ્યો, અને નાસ્ડેક  0.84 ટકા ઘટ્યો.

એશિયાઇ બજારોમાં પણ વોલ સ્ટ્રીટના ટ્રેન્ડ પાછળ જાપાનનો નિક્કી 2.06 ટકા ઘટ્યો હતો. ચીનનો સીએસઆઈ 300 ઈન્ડેક્સ 0.15 ટકા ઘટ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ 0.85 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.33 ટકા ઘટ્યો હતો.

આ સમાચાર શેર કરો