માત્ર ₹6000થી શરૂ કરી સફર, આજે 40 દેશોમાં ફેલાયેલો છે બિઝનેસ! વાંચો GRB ડેરીના ફાઉન્ડરની પ્રેરણાદાયી કહાની

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે માત્ર મહેનત તમારી સફળતાની ગેરંટી નથી, પરંતુ ઉત્તમ પ્લાનિંગ પણ જરૂરી છે. આ બે વસ્તુઓના સહારે કોઈ પણ મોટામાં મોટો લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. આવી જ ઘણી બધી કારોબારીઓની રસપ્રદ કહાનીઓ અસ્તિત્વમાં છે, જે બીજાઓ માટે પણ ખૂબ પ્રેરણાદાયી છે.
આમાંથી એક કહાની છે GRB ડેરી ફૂડ્સ (GRB Dairy Foods)ના ફાઉન્ડર જીઆર બાલાસુબ્રમણ્યમ (GR Balasubramaniam Success Story) ની. બાલાસુબ્રમણ્યમની કહાની એટલા માટે રસપ્રદ છે કારણ કે તેમણે આર્થિક તંગી વેઠી, શાળાનો અભ્યાસ વચ્ચેથી છોડ્યો, સાઇકલ પર માખણ વેચ્યું અને પછી એક એવી કંપની બનાવી, જેનો કારોબાર આજે 40 દેશોમાં ફેલાયેલો છે. અહીં જાણો તેમની સંઘર્ષભરેલી કહાની વિસ્તારથી.
નાના એવા ગામમાં થયો જન્મ
બાલાસુબ્રમણ્યમની સક્સેસ સ્ટોરીની વાત કરીએ તો GRB ડેરીની શરૂઆત પહેલા જ તેમની કહાની શરૂ થઈ ગઈ હતી. તેમનો જન્મ તામિલનાડુના પલાનીમાં આવેલા નાના એવા ગામ ચિન્ના કરાટ્ટુપટ્ટીમાં થયો હતો. તેમના માતા-પિતાને કુલ 6 બાળકો હતા આર્થિક તંગીના કારણે બાલાસુબ્રમણ્યમે 13 વર્ષની ઉંમરે શાળા છોડી દીધી અને કમાણી કરવા માટે તેમણે બેંગલુરુ જવું પડ્યું.
બનેવીની દુકાન પર નોકરી
બેંગલુરુમાં બાલાસુબ્રમણ્યમે આશરે 14 વર્ષ સુધી નોકરી કરી. તેમણે પોતાના બનેવીની દુકાન પર જ નોકરી કરવી પડી, જે માખણનું કામ કરતા હતા. બાલાસુબ્રમણ્યમને હંમેશાં કંઈક નવું કરવાનો વિચાર આવતો હતો. તેથી તેમણે નોકરી છોડી દીધી અને પોતાનો માખણનો કારોબાર શરૂ કર્યો. જ્યારે તેમણે પોતાનો કારોબાર શરૂ કર્યો ત્યારે તેમની પાસે માત્ર 6000 રૂપિયા હતા. આ જ બચત અને કારોબારથી GRB Dairy Foods નો પાયો નંખાયો.
માહિતીનો બહોળો ઉપયોગ
ખાસ વાત એ છે કે પોતાના બનેવી સાથે માખણનો બિઝનેસ કરતી વખતે બાલાસુબ્રમણ્યમે આ બિઝનેસની તમામ નાની-મોટી માહિતી મેળવી લીધી હતી. આ જ માહિતીનો ઉપયોગ તેમણે પોતાના કારોબારને આગળ વધારવામાં કર્યો. બાલાસુબ્રમણ્યમે નાના ઉત્પાદકો પાસેથી માખણ ખરીદ્યું અને તેને બેંગલુરુમાં વેચવાનું શરૂ કર્યું.
માખણને ઘીમાં બદલ્યું
માખણના કારોબારમાં સફળતા મળતાં બાલાસુબ્રમણ્યમે માખણને ઘીમાં કન્વર્ટ કરીને પેકેટમાં વેચવાનું શરૂ કર્યું. આ સાથે જ તેમણે પોતાની પહેલી પ્રોડક્ટ બજારમાં લોન્ચ કરી. તેમની શરૂઆત નાની હતી, જે માત્ર એક રૂમથી શરૂ થઈ હતી. કારોબારને આગળ વધારવા માટે બાલાસુબ્રમણ્યમને પૈસાની જરૂર હતી. એટલા માટે બાલાસુબ્રમણ્યમે એક ચિટ ફંડ કંપની શરૂ કરી. આ પણ તેમણે પોતાના બનેવી સાથે કામ કરતી વખતે જ શીખ્યું હતું.
ઓળખીતા લોકો પાસેથી એકઠા કર્યા પૈસા
બાલાસુબ્રમણ્યમે પોતાના ઓળખીતા લોકોને ચિટ ફંડ મોડલ સમજાવ્યું અને એક ગ્રુપ બનાવવામાં સફળ રહ્યા. જે પૈસા આ લોકો પાસેથી એકઠા કર્યા, તેને માખણના કારોબારમાં લગાવ્યા. પરંતુ ત્યારે એક નવી સમસ્યા આવી ગઈ. આ સમસ્યા હતી માખણના જલ્દી ખરાબ થઈ જવાની. એટલા માટે તેમણે ઘી બનાવીને બજારમાં ઉતાર્યું. જેમ-જેમ કારોબાર વધ્યો, કમાણી પણ વધી અને તેમણે વધુ લોકોને કામ પર રાખ્યા.
આ શહેરમાં હતી પહેલી ફેક્ટરી
બાલાસુબ્રમણ્યમે પહેલી ફેક્ટરી બેંગલુરુમાં નાખી. આજે તેમનો કારોબાર 40 દેશોમાં ફેલાયેલો છે. પહેલી ફેક્ટરી 1991માં નાખ્યા બાદ તેમણે ડિંડીગુલ અને હોસૂરમાં પણ પ્લાન્ટ લગાવ્યા. પેકેજ્ડ ઘી પછી તેમણે અનેક ડેરી પ્રોડક્ટ્સ રજૂ કર્યા.
આજની તારીખમાં કંપનીનું રેવેન્યુ 1000 કરોડ રૂપિયાથી વધુનું છે. તો વળી તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં 70થી વધુ ડેરી ઉત્પાદનો છે.

