વિશ્વ બજારમાં તીવ્ર કડાકો, સ્થાનિક સોના-ચાંદી બજાર પર પણ અસર
ટ્રમ્પે ચીન સાથે હળવાશના સંકેતો આપતાં વિશ્વબજારમાં આજે સોનામાં તીવ્ર કડાકો બોલી જતા

ટ્રમ્પે ચીન સાથે હળવાશના સંકેતો આપતાં વિશ્વબજારમાં આજે સોનામાં તીવ્ર કડાકો બોલી જતા તેની સીધી અસર સ્થાનિક સોના-ચાંદી બજાર પર થતાં બંને કિંમતી ધાતુઓમાં ટોચ પરથી ઝડપી પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો અને તેના પગલે બજારમાં ધનતેરસની માગ અપેક્ષાથી સારી રહી હતી તથા હવે દિવાળીના દિવસે પણ માગ સારી રહેવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ધનતરેસના દિવસે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ ઝડપી રૂ.1500 તૂટી ગયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ ઝડપી રૂ.5000 ગબડયા હતા.
વિશ્વબજારમાં તીવ્ર કડાકો
વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના 4307થી 4308 ડોલર વાળા ઉંચામાં 4378થી 4379 ડોલર થયા પછી ભાવમાં તીવ્ર કડાકો બોલાતાં નીચામાં ભાવ 4186થી 4187 થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે 4251થી 4252 ડોલર રહ્યાના નિર્દેશો હતા.
દરમિયાન, વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના 53.87થી 53.88 વાળા ઉંચામાં ભાવ 54.46થી 54.47 થઈ ગયા પછી ભાવ તૂટી નીચામાં 50.62થી 50.63 થઈ છેલ્લે ભાવ 51.92થી 51.93 ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના 1620 ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ 1465 ડોલર રહ્યા હતા.
ધનતેરસ પર અમદાવાદમાં સોના ચાંદીના ભાવ તૂટ્યા
વિશ્વબજારના સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકાની અમુક બેન્કોમાં બેડલોન વધી ગયાના અને બેન્કોની ધિરાણ સ્થિતિ નબળી પડયાના નિર્દેશો વચ્ચે વિશ્વબજારમાં સોનાના ભાવ ઉછળી ઉંચામાં 4378થી 4379 ડોલર સુધી ગયા હતા પરંતુ ત્યારબાદ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ચીન સાથે તણાવ ઘટશે એવા સંકેતો આપતાં વિશ્વબજારમાં સોનાના ભાવ ટોચ પરથી ઉંધા માથે પટકાયા હતા. અમદાવાદ બજારમાં ધનતેરસના દિવસે સોનાના ભાવ તૂટી 995ના રૂ.1,32,700 તથા 999ના રૂ.1,33,000 બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ઘટી રૂ.1,70,000 રહ્યા હતા.






