શેરબજારમાં ઉથલપાથલ/ સેન્સેક્સ- નિફ્ટીમાં ગાબડાંથી રોકાણકારોના 4 લાખ કરોડ ધોવાયા
શુક્રવારે શેરબજાર ભારે અફડાતફડીના અંતે ઘટાડે બંધ રહ્યું હતું. સેન્સેક્સ 733 પોઇન

શુક્રવારે શેરબજાર ભારે અફડાતફડીના અંતે ઘટાડે બંધ રહ્યું હતું. સેન્સેક્સ 733 પોઇન્ટ ઘટીને 73878ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 172 પોઇન્ટ ઘટીને 22476 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. શુક્રવારે શેરબજારની કામગીરીમાં નિફ્ટીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટીના ફાર્મા ઇન્ડેક્સમાં થોડો વધારો નોંધાયો છે. શુક્રવારે શેરબજારની નબળાઈને કારણે રોકાણકારોને 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ચાલુ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. શેરબજારના ટ્રેડિંગના અંતે ઓએનજીસી, ઇન્ફોસિસ અને આઇસીઆઇસીઆઇ બેન્કના શેર નજીવા ઊંચા સ્તરે બંધ થયા હતા, જ્યારે વિપ્રો, બીઇએલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, એચસીએલ ટેક, એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, એશિયન પેઇન્ટ્સ અને લાર્સન એન્ડ ટુબ્રોના શેર નરમાઇ સાથે બંધ થયા હતા.
શેરબજારના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો કોલ ઈન્ડિયા, ગ્રાસિમ, ઓએનજીસી, ડૉ. રેડ્ડીઝ, હિન્દાલ્કો, અપોલો હોસ્પિટલ અને બજાજ ફિનસર્વના શેરમાં તેજી રહી હતી. જ્યારે લાર્સન, મારુતિ સુઝુકી, નેસ્લે, રિલાયન્સ, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા અને એચડીએફસી બેંકના શેરમાં તેજી રહી હતી.
ચાર લાખ કરોડનું નુકસાન
શુક્રવારે શેરબજારની નબળાઈને કારણે રોકાણકારોને 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આજે સવારે નિફ્ટીએ 22795 પઇન્ટની નવી સપાટી બનાવી અને જોત જોતામાં આ લેવલે વેચવાલીનું જોરદાર પ્રેશર આવ્યું હતું, જે દિવસના અંતે 22348ની નીચલી સપાટી પર આવી ગયો હતો. નિફ્ટી પોતાની ટોચેથી 447 પોઇન્ટ ગગડી ગયો હતો. છેલ્લા ઘણા દિવસોથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય બજારો ઊંચા વેલ્યુએશન પર કામ કરી રહ્યા છે. આટલા ઉછાળા પછી બજારોને આગળ વધવા માટે કોઈ ટ્રિગર બાકી નહોતું, તેથી ઘણા નિષ્ણાતોએ ઊંચા સ્તરેથી પ્રોફિટ બુકિંગની શક્યતા વ્યક્ત કરી હતી.
અમેરિકામાં ફેડની બેઠક દરમિયાન દર ઘટાડા અંગે તાત્કાલિક કોઈ રાહત ન મળવાને કારણે બેન્કિંગ સેક્ટરમાં ઉદાસી જોવા મળી હતી. માર્કેટમાં કરેક્શન બાકી હતું. બેંકિંગ શેરો ઘટાડા માટે ટ્રિગર શોધી રહ્યા હતા, જે તેમને શુક્રવારે મળી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંક જેવા મોટા શેરોમાં વેચવાલીથી બજારમાં ગભરાટ શરૂ થઇ હતી. ભારતીય બજારમાં ઊંચા સ્તરેથી પ્રોફિટ બુકિંગના કારણે શેરબજારમાં નબળાઈ નોંધાઈ હતી. અમેરિકામાં ફેડરલ રિઝર્વની બેઠક દરમિયાન વ્યાજદરમાં ઘટાડા અંગે કોઈ સ્પષ્ટ સંકેત ન મળવાને કારણે ભારતીય શેરબજારમાં કરેક્શન આવવાનું નિશ્ચિત હતું.








