Sensex today: છેલ્લી 16 મિનિટમાં અચાનક શેરબજાર ઉપરથી નીચે આવી ગયુંઃ સેન્સેક્સ 77 અને નિફ્ટી 32 પોઈન્ટના સુધારા સાથે બંધ

Sensex today: સોમવાર, 8 સપ્ટેમ્બર, 2025ના રોજ, ભારતીય શેરબજાર સતત ચોથા સત્રમાં તેજી સાથે ટ્રેડ કરી રહ્યું હતું, પરંતુ અચાનક આખું વાતાવરણ બદલાઈ ગયું. બપોરે 3 વાગ્યા પછી શેરબજારમાં તેજી જોવા મળી, પરંતુ 3:14 વાગ્યે બજાર ઉપરથી નીચે આવી ગયું. આજે બજાર લીલા નિશાન પર બંધ થયા હતા પરંતુ ઈન્ટ્રાડે ઊંચાઈથી નીચે ઉતર્યા હતા. આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે ઓટો અને મેટલ્સે બજારને ટેકો આપ્યો હતો.
ઓટો શેરોમાં સતત તેજી અને મેટલ શેરોમાં લેવાલીના દમ પર ભારતીય શેરબજારમાં સપ્તાહના પહેલા કારોબારી સત્રમાં સુધારા સાથે બજારો બંધ રહ્યા હતાં. જોકે, છેલ્લા કેટલાક કલાકોમાં બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ તેમના મોટાભાગનો સુધારો ગુમાવ્યો હતો.
નબળા યુએસ લેબર ડેટાએ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ વધારી હતી. આનો બજારના સેન્ટિમેન્ટ પર સકારાત્મક પ્રભાવ પડ્યો હતો. ઉપરાંત, ભારત સરકારના જીએસટી ટેક્સમાં ઘટાડો કરવાના નિર્ણયથી પણ બજારના સેન્ટિમેન્ટ મજબૂત થયા હતા. 30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટ વધીને 80,904 પર ખુલ્યો. દિવસ દરમિયાન, ઈન્ડેક્સ 81,171ની ઉચ્ચ રેન્જ અને 80,733ની નીચી રેન્જમાં ટ્રેડ થયો. અંતે, ઇન્ડેક્સ 76.54 પોઈન્ટ અથવા 0.09 ટકાના નજીવા વધારા સાથે 80,787.30 પર બંધ થયો.
એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નો નિફ્ટી-50 પણ 24,802.60 પોઈન્ટ પર મજબૂત રીતે ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન, આ ઈન્ડેક્સ 24,885 ની ઉચ્ચ રેન્જ અને 24,751ની નીચી રેન્જમાં ટ્રેડ થયો. અંતે, નિફ્ટી50 32.15 પોઈન્ટ અથવા 0.13% વધીને 24,773.15 પર બંધ થયો. વ્યાપક બજારોમાં, નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 0.50 ટકાના વધારા સાથે અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 0.16 ટકાના વધારા સાથે બંધ થયો.
ઓટો શેરોમાં તેજી
ઓટો શેરોએ વ્યાપક બજારો કરતાં વધુ સારો દેખાવ કર્યો અને નિફ્ટી ઓટો ઈન્ડેક્સમાં 3 ટકાનો વધારો થયો, જેનું નેતૃત્વ ભારત ફોર્જ, અશોક લેલેન્ડ, મધરસન સુમી અને ટાટા મોટર્સે કર્યું. બીજી તરફ, નિફ્ટી આઇટી સેક્ટરનો ઇન્ડેક્સ 0.94 ટકાના ઘટાડા સાથે બંધ થયો. આ ક્ષેત્રમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, LTI માઇન્ડટ્રી અને ટેક મહિન્દ્રા સૌથી મોટા નુકસાનમાં હતા.
બજાર શરૂઆતના ઉછાળાને જાળવી શક્યું નહીં
જિયોજિત ઈન્વેસ્ટમેન્ટના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ઘરેલું શેરબજારો પોતાના શરૂઆતી ઉછાળાને જાળવી શક્યા ન હતાં, કારણ કે સત્રના અંતમાં વેચવાલીએ ઘટાડે ખરીદો અને ઉછાળે વેચોની વ્યૂહરચના અપનાવી હતી અને રોકાણકારોએ તેમના સાવચેત વલણનો પરિચય આપ્યો હતો. જીએસટી દરમાં ઘટાડા બાદ માંગમાં સુધારો થવાની આશાએ ઓટો અને આનુષંગિક શેરોમાં તેજી ચાલુ રહી, જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે આઇટી ક્ષેત્ર નબળું રહ્યું."
તેમણે આગળ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તર પર અમેરિકાના શ્રમ રોજગારના આંકડા નબળાં આવતા ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં ઘટાડાની આશા બળવત્તર બની ગઇ છે. જોકે, રશિયન તેલ પર નવા પ્રતિબંધોની ચિંતાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો, અને વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓને કારણે સલામત-આશ્રય વિકલ્પોની માંગ હોવાથી સોનામાં પણ વધારો ચાલુ રહ્યો હતો.

