Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Sensex today: Market fell due to decline in IT shares, Sensex closed 375 points lower; Nifty fell 100 points

Sensex today: IT શેરોમાં ઘટાડાને કારણે બજાર ઘટ્યું, સેન્સેક્સ 375 પોઈન્ટ ઘટીને બંધ થયો; નિફ્ટી 100 પોઈન્ટ ઘટ્યો 

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Sensex today: IT શેરોમાં ઘટાડાને કારણે બજાર ઘટ્યું, સેન્સેક્સ 375 પોઈન્ટ ઘટીને બંધ થયો; નિફ્ટી 100 પોઈન્ટ ઘટ્યો 
સોર્સ : gstv

Sensex today:  ગુરુવારે (17 જુલાઈ) એશિયન બજારોમાં મિશ્ર વલણો વચ્ચે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં બંધ થયા. આઇટી કંપનીઓના એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો અપેક્ષા કરતા નબળા આવવાને કારણે રોકાણકારોની ભાવનાઓ પર અસર પડી. આ કારણે આજે આઇટી શેરોમાં 3 ટકા સુધીનો ઘટાડો થયો હતો. ઉપરાંત, ભારત-અમેરિકા વેપાર સોદા પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીઓ વચ્ચે રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના કાર્યકાળ અંગેની અનિશ્ચિતતાએ બજારના સેન્ટિમેન્ટને અસર કરી હતી.

App Store

નિફ્ટી વીકલી એક્સપાયરીના દિવસે આજે 30 શેરો વાળા બીએસઇ સેન્સેક્સ 88 પોઈન્ટના નજીવા વધારા સાથે 82,753.53 પોઈન્ટ પર ખુલ્યો. ખુલતાની સાથે જ તેમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. ટ્રેડિંગ દરમિયાન તે 82,219 પોઈન્ટ પર સરકી ગયો. અંતે, તે 375.24 પોઈન્ટ અથવા 0.45 ટકાના ઘટાડા સાથે 82,259 પર બંધ થયો.

તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો નિફ્ટી-50 આજે ફ્લેટ શરૂઆત કરી હતી. તે 25,230.75 પોઈન્ટ પર થોડો વધારો સાથે ખુલ્યો હતો. જોકે, અંતે તે 100.60 પોઈન્ટ અથવા 0.40 ટકાના ઘટાડા સાથે 25,111 પર બંધ થયો હતો.

જોકે, ઘટાડા છતાં મિડ અને સ્મોલકેપ સેગમેન્ટ્સે સારું પ્રદર્શન કર્યું. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં 0.07 ટકાનો નજીવો વધારો જોવા મળ્યો અને બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.30 ટકાનો વધારો જોવા મળ્યો.

જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “ભારતીય ઇક્વિટી બજારો નજીવા ઘટાડા સાથે બંધ થયા કારણ કે રોકાણકારો Q1ના નબળા પરિણામોની જાહેરાતો (ખાસ કરીને ટેકનોલોજી અને બેંકિંગ ક્ષેત્રો) વચ્ચે સાવધ રહ્યા. અમેરિકા-ભારત વેપાર સોદા અંગે અનિશ્ચિતતાને કારણે લાર્જ-કેપ શેરોના ઊંચા મૂલ્યાંકન અને FII વેચવાલીથી સુસ્તી જોવા મળી હતી."

કોઈપણ સકારાત્મક વિકાસ બજારની ભાવનાને મજબૂત બનાવી શકે છે," તેમણે ઉમેર્યું કે, નરમ માહોલ છતાં મજબૂત ઘરેલું લિક્વિડિટી અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં નીકળેલી લેવાલીના કારણે વધુ ઘટાડો અટક્યો હતો. આનાથી બજાર વ્યાપક શ્રેણી-બાઉન્ડ રહ્યું. જીડીપી વૃદ્ધિ અને સ્થિર ફુગાવાના વલણ જેવા સ્થાનિક મેક્રો ફંડામેન્ટલ્સ મધ્યમથી લાંબા ગાળા માટે સહાયક બનેલા છે.”

ટોપ ગેનર્સ અને લૂઝર્સ

સેન્સેક્સ કંપનીઓમાં, ટેક મહિન્દ્રા સૌથી વધુ ઘટાડા સાથે બંધ થયો. પ્રથમ ક્વાર્ટરના નબળા પરિણામોને કારણે, શેર 2.76 ટકા ઘટ્યો. આ સાથે, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ઇટરનલ, એલ એન્ડ ટી, ટીસીએસ, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, રિલાયન્સ અને મારુતિના શેરમાં ઘટાડો રહ્યો. બીજી તરફ ટાટા સ્ટીલ 1.62 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. આ ઉપરાંત, ટ્રેન્ટ લિમિટેડ, ટાઇટન, ટાટા મોટર્સ, અલ્ટ્રા સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ અને સનફર્ના લીલા નિશાનમાં રહ્યા.

નિફ્ટી-50ના ટોપ ગેઇનર્સની વાત કરીએ તો, ટાટા કન્ઝ્યુમરનો શેર ટોચ પર હતો, જેમાં 2.25 ટકાનો વધારો જોવા મળ્યો. આ પછી, ટાટા સ્ટીલમાં 1.64 ટકા, હિન્ડાલ્કોમાં 1.17 ટકા, ટ્રેન્ટમાં ૦.66 ટકા અને ટાઇટન કંપનીમાં ૦.47 ટકાનો વધારો જોવા મળ્યો.

નિફ્ટી-50ના ટોપ લૂઝર્સની વાત કરવામાં આવે તો એમાં સૌથી વધારે નુકસાન ટેક મહીન્દ્રાના શેરને થયું હતું અને તેમાં પોણા ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ પછી, ઇન્ડસઇન્ડ બેંક 1.67 ટકા, ઇન્ફોસિસ 1.52 ટકા, એસબીઆઇ લાઇફ 1.44 ટકા અને એચસીએલ ટેક 1.21 ટકા ઘટ્યા હતા.

બ્રોડર માર્કેટની વાત કરીએ તો, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.27 ટકા ઘટ્યો અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.18 ટકા ઘટ્યો. ક્ષેત્રીય મોરચે, નિફ્ટી આઇટી સૌથી મોટો ઘટાડો રહ્યો, જેમાં 1.39 ટકાનો ઘટાડો થયો. ઇન્ડેક્સ શેરોમાં, એલટીઆઇ માઇન્ડટ્રી, ટેક મહિન્દ્રા, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, ઇન્ફોસિસ, વિપ્રો, એમ્ફેસિસ, કોફોર્જ અને એચસીએલ ટેક દરેકમાં 1 ટકાથી વધુનો ઘટાડો થયો.

આ ઉપરાંત, નિફ્ટી બેંક, ઓટો, ફાઇનાન્શિયલ સર્વિસીસ, મીડિયા અને ઓઇલ એન્ડ ગેસ બધા લાલ નિશાનમાં બંધ થયા. બીજી તરફ, નિફ્ટી રિયલ્ટીમાં 1.24 ટકાનો વધારો નોંધાયો. આ પછી, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, એફએમસીજી, એનર્જી અને ફાર્મામાં પણ વધારો નોંધાયો.

વૈશ્વિક સંકેતો

આજે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.46 ટકા ઘટ્યો છે. જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ સ્થિર રહ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.79 ટકા ઘટ્યો અને ઓસ્ટ્રેલિયાનો ASX 200 0.54 ટકા વધ્યો.

યુએસ માર્કેટ ફ્યુચર્સ ઘટ્યા. એસએન્ડપી 500 ફ્યુચર્સ 0.17 ટકા, નાસ્ડેક 100 ફ્યુચર્સ 0.18 ટકા અને ડાઉ જોન્સ ફ્યુચર્સ લગભગ 80 પોઈન્ટ અથવા 0.18 ટકા ઘટ્યા. જોકે, બુધવારે યુએસ બજારો થોડા વધારા સાથે બંધ થયા. એસ એન્ડપી 500માં 0.32 ટકા, ડાઉ જોન્સમાં 0.53 ટકા અને નાસ્ડેકમાં 0.26 ટકાની તેજી નોંધાઇ હતી. નાસ્ડેક સતત નવમા દિવસે રેકોર્ડ બંધ રહ્યો.

જાપાનના નબળા વેપાર ડેટા અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોએ રોકાણકારોને સાવધ બનાવ્યા. જૂનમાં સતત બીજા મહિને જાપાનની નિકાસ પ્રવૃત્તિ નબળી રહી. જૂન મહિનામાં, વાર્ષિક ધોરણે નિકાસમાં 0.5 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે વિશ્લેષકોએ વધારાની અપેક્ષા રાખી હતી. ચીનમાં નિકાસમાં 4.7 ટકા અને અમેરિકામાં 11.4 ટકાનો ઘટાડો થયો હતો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે વૈશ્વિક માંગ હજુ પણ નબળી છે. આ વૈશ્વિક સંકેતોની અસર એશિયન બજારો પર જોવા મળી હતી.

અમેરિકા-જાપાન વેપાર સોદા પર કટોકટી

આ દરમિયાન, ટ્રમ્પે ફેડના ચેરમેન જેરોમ પોવેલને હટાવવાના સમાચાર અંગે વિરોધાભાસી નિવેદનો આપ્યા. પહેલા તેમણે કહ્યું કે હાલમાં આવી કોઈ યોજના નથી, પરંતુ તે જ સમયે તેમણે એમ પણ ઉમેર્યું કે તેઓ કોઈ શક્યતાને નકારી કાઢતા નથી. ટ્રમ્પે એમ પણ કહ્યું કે જાપાની માલ પર 25 ટકા ટેરિફ લાદવાનો ઈરાદો અકબંધ છે, જેના કારણે જાપાન સાથે વેપાર કરાર હાલમાં મુશ્કેલ લાગે છે.

હવે રોકાણકારોની નજર અમેરિકામાં જૂન મહિનામાં છૂટક વેચાણ, વેપારના આંકડા અને બેરોજગારી સંબંધિત નવીનતમ ડેટા પર છે. આ ઉપરાંત, યુરોપના ફુગાવા અને મુખ્ય ફુગાવાના આંકડા પણ આજે જાહેર કરવામાં આવશે, જે વૈશ્વિક બજારના સેન્ટિમેન્ટને અસર કરી શકે છે.