ક્રૂડમાં ઘટાડાની રાહત છતાં IT શેરોની વેચવાલી ભારે પડી: સેન્સેક્સ 330 અને નિફ્ટી 85 પોઇન્ટ તૂટ્યા

શેરબજારમાં ક્યારેક કલાકોની મહેનત, રિસર્ચ અને વ્યૂહરચના પર એક જ વૈશ્વિક સમાચાર ભારે પડી જતો હોય છે. મંગળવારે ભારતીય શેરબજારમાં કંઈક આવો જ માહોલ જોવા મળ્યો હતો. સવારથી સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે અસ્થિરતા વચ્ચે ઉતાર-ચઢાવ ચાલુ રહ્યો હતો. આઇટી (IT) શેરોની સતત વેચવાલી બજારને નબળું પાડી રહી હતી, ત્યાં જ ઈરાન સાથે જોડાયેલા એક અહેવાલ બાદ માત્ર ૨૦ મિનિટમાં ક્રૂડથી લઈને એરલાઇન્સ શેરો સુધીનું ચિત્ર બદલાઈ ગયું હતું. જોકે, આ રાહત છતાં બજાર ગ્રીન ઝોનમાં બંધ રહી શક્યું નહોતું, પરંતુ સેન્સેક્સ અને નિફ્ટી દિવસના નીચલા સ્તરેથી રિકવર જરૂર થયા હતા.
સવારે ક્રૂડ ઓઇલે આપી હતી રાહત
બજાર ખૂલતાં પહેલાં વૈશ્વિક સંકેતો પ્રમાણમાં અનુકૂળ હતા. બ્રેન્ટ ક્રૂડ છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનથી નરમ પડી રહ્યું હતું અને અમેરિકા-ઈરાન વચ્ચે સંભવિત મંત્રણાની આશા જાગી હતી. ક્રૂડ ઓઇલમાં ઘટાડો ભારત માટે હંમેશાં હકારાત્મક ગણાય છે, કારણ કે ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું કાચું તેલ આયાત કરે છે. પરિણામે ઇમ્પોર્ટ બિલ, મોંઘવારી અને રૂપિયા પરનું દબાણ હળવું થવાની સંભાવના રહે છે. આ કારણોસર સવારે બજાર સંભળાયેલું જોવા મળ્યું હતું, પરંતુ આ રાહત ક્ષણિક સાબિત થઈ.
IT શેરો અને પ્રોફિટ બુકિંગથી બજાર પર દબાણ
ટ્રેડિંગ સત્ર આગળ વધતાં જ આઇટી કંપનીઓના શેરોમાં આક્રમક વેચવાલી શરૂ થઈ ગઈ હતી. પરિણામે નિફ્ટી આઇટી દિવસનો સૌથી વધુ તૂટેલો સેક્ટોરલ ઇન્ડેક્સ બન્યો હતો. મુખ્ય ઇન્ડેક્સમાં આઇટી હેવીવેઇટ્સનું વજન વધારે હોવાથી તેની સીધી અસર સેન્સેક્સ અને નિફ્ટી પર જોવા મળી. ટાટા ગ્રૂપના મોટાભાગના શેરોમાં પણ ૩ ટકા સુધીનો કડાકો બોલાયો હતો. આ સાથે જ છેલ્લા ચાર સેશનથી નફામાં બેઠેલા રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ શરૂ કરી દેતાં બપોર સુધીમાં સેન્સેક્સ અને નિફ્ટી દિવસના તળિયે પહોંચી ગયા હતા.
ઈરાન સંબંધિત સમાચારે ૨૦ મિનિટમાં માહોલ પલટ્યો
બજારની નજર મિડલ ઇસ્ટના ડેવલપમેન્ટ પર ટકેલી હતી. તેવામાં ઈરાન તરફથી સમાચાર આવ્યા કે તે કેટલીક શરતોને આધીન ૭ દિવસની અંદર ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ફરી ખોલવા અંગે વિચારી શકે છે, જેના બદલામાં અમેરિકાએ સૈન્ય દબાણ ઘટાડવાની શરૂઆત કરવી પડશે.
વિશ્વના લગભગ ૨૦ ટકા ક્રૂડ ઓઇલ અને એલએનજી (LNG)નો વેપાર આ દરિયાઈ માર્ગેથી પસાર થતો હોવાથી, સપ્લાય અટકવાનો ભય તુરંત હળવો થયો. આ અહેવાલ વહેતા થતાં જ બ્રેન્ટ ક્રૂડ ઝડપથી ઘટીને પ્રતિ બેરલ ૯૯ ડોલરની નીચે સરકી ગયું હતું. ક્રૂડમાં ઘટાડા સાથે જ એરલાઇન સહિત ક્રૂડ-સેન્સિટિવ શેરોમાં બાઇંગ જોવા મળ્યું અને ઇન્ડિગોનો શેર ૨ ટકા સુધી ઉછળ્યો હતો. જોકે, આ માત્ર વાતચીતની શક્યતા હોવાથી અને તણાવ સંપૂર્ણ દૂર ન થયો હોવાથી બજારની રિકવરી મર્યાદિત રહી હતી.
ચાર દિવસની તેજી પર બ્રેક: બજાર ઘટાડે બંધ
સસ્તું ક્રૂડ બજારને સપોર્ટ આપી રહ્યું હતું, ત્યારે સામે પક્ષે આઇટી અને ટાટા ગ્રૂપના દિગ્ગજ શેરોની વેચવાલીએ બજારને લીલા નિશાનમાં આવવા દીધું નહીં. દિવસના અંતે:
નિફ્ટી ૫૦: ૮૫ પોઇન્ટ ઘટીને ૨૩,૩૨૯ પર બંધ
સેન્સેક્સ: ૩૩૦ પોઇન્ટના ઘટાડા સાથે ૭૪,૫૨૯ પર બંધ
બેંક નિફ્ટી: ૨૫૫ પોઇન્ટ ઘટીને ૫૬,૨૧૫ પર બંધ
મિડકેપ ઇન્ડેક્સ: ૫૦ પોઇન્ટ ઘટીને ૬૧,૯૬૩ પર બંધ
આ સાથે જ બજારની સતત ચાર દિવસની તેજી અટકી ગઈ હતી.
ચર્ચાસ્પદ અને તેજી દર્શાવનારા શેરો
કોલ ઇન્ડિયા: મોર્ગન સ્ટેનલી દ્વારા રેટિંગ અપગ્રેડ કરાતાં શેર ૩ ટકાથી વધુ ઊછળીને નિફ્ટીનો ટોપ ગેઇનર બન્યો.
મીશો: યુબીએસ (UBS) દ્વારા ટાર્ગેટ પ્રાઇસ વધારવામાં આવતાં શેરમાં આશરે ૧૦ ટકાની તેજી જોવા મળી.
ઓપ્ટીમસ ઇન્ફ્રાકોમ: ‘સીએમએફ બાય નથિંગ’ સાથે પાર્ટનરશિપ વિસ્તારતાં શેર ૨૦ ટકાની અપર સર્કિટ પર બંધ રહ્યો.
ટ્રાન્સરેલ લાઇનિંગ: કેપેસિટી એક્સપાન્શન યોજનાના પગલે શેરમાં ૧૫ ટકાનો ઉછાળો રહ્યો.
પેસ ડિજિટેક: નવો બિઝનેસ ઓર્ડર મળતાં ૭ ટકા વધ્યો.
પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ: ભારતમાં વિકસિત પ્રથમ ઇન્સેક્ટિસાઇડનું રજિસ્ટ્રેશન મળતાં શેરમાં ૩ ટકાનો સુધારો નોંધાયો.
ઓગમોન્ટ અને સિમ્બાયોટેક: નબળા ત્રિમાસિક પરિણામોને પગલે બંને શેરોમાં ૩ ટકાથી વધુનો કડાકો બોલાયો.
બજારના પ્રવાહ પર નિષ્ણાતનો મત
એસબીઆઈ સિક્યોરિટીઝના ફંડામેન્ટલ રિસર્ચ હેડ સની અગ્રવાલના જણાવ્યા અનુસાર, "નિફ્ટી વીકલી એક્સપાયરી દરમિયાન અત્યંત વોલેટાઇલ ટ્રેડિંગ બાદ બજાર નરમાઈ સાથે બંધ રહ્યું હતું. જોકે, આઇટી શેરોમાં નીચલા સ્તરેથી જોવા મળેલા આંશિક સુધારાથી નિફ્ટી ૨૩,૨૮૬ના દિવસના તળિયેથી રિકવર થવામાં સફળ રહ્યો હતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને કારણે બિઝનેસ પર પડનારી લાંબાગાળાની અસરની ચિંતા વચ્ચે આઇટી ઇન્ડેક્સ ૧ ટકા ઘટીને બંધ રહ્યો હતો."

