IT સેક્ટરે બજારને સંભાળ્યું: નિફ્ટીમાં મજબૂત કોન્સોલિડેશન બાદ તેજીના સંકેત; સેન્સેક્સ અને નિફ્ટી તેજી સાથે બંધ
મંગળવારે સતત પાંચમા દિવસે ભારતીય શેરબજારમાં તેજી ચાલુ રહી. નિફ્ટી વીકલી એક્સપાયરી સેશનમાં ઘરેલું શેરબજારમાં જોશ જોવા મળ્યો

મંગળવારે સતત પાંચમા દિવસે ભારતીય શેરબજારમાં તેજી ચાલુ રહી. નિફ્ટી વીકલી એક્સપાયરી સેશનમાં ઘરેલું શેરબજારમાં જોશ જોવા મળ્યો હતો. શેરબજાર સતત પાંચમાં કારોબારી સત્રમાં તેજી સાથે બંધ રહ્યું હતું. મીડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ તેજી સાથે બંધ રહ્યા હતાં.IT શેરોમાં તેજીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્ક સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા. ઓટો સેક્ટરની સાથે સાથે ફાર્મા શેરોમાં પણ લેવાલી જોવા મળી હતી બજાર ખૂલતાની સાથે જ બજારમાં મજબૂતિ જોવા મળી હતી અને પ્રત્યેક ઘટાડાની કોશિશ સામે લેવાલી સપોર્ટમાં આવી હતી. આજની તેજી સાથે શેરબજાર બે સપ્તાહના ઉપલા લેવલે બંધ રહેવામાં સફળ રહ્યું હતું. નિફ્ટી 24800ની મહત્ત્વની સપાટી વટાવીને બંધ રહેવામાં રફળ રહ્યો હતો.
30 શેરોવાળો BSE સેન્સેક્સ લગભગ 342 પોઈન્ટ વધીને 81,130 પર ખુલ્યો. દિવસ દરમિયાન, ઇન્ડેક્સ 81,181.37ની ઉચ્ચ રેન્જ અને 80,927.97 ની નીચી રેન્જમાં ટ્રેડ થયો. અંતે, ઇન્ડેક્સ 314 પોઈન્ટ અથવા 0.39% વધીને 81,101.32 પર બંધ થયો.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી50 પણ 91 પોઈન્ટના વધારા સાથે 24,864 પોઈન્ટ પર ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન, ઇન્ડેક્સ 24,891.80 ની ઉચ્ચ રેન્જ અને 24,814 ની નીચી રેન્જમાં ટ્રેડ થયો. અંતે, નિફ્ટી50 95.45 પોઈન્ટ અથવા 0.39% વધીને 24,868.60 પોઈન્ટ પર બંધ થયો.
આજે બજારમાં ગેપ-અપ ઓપનિંગ પછી કોન્સોલિડેશન જોવા મળ્યું અને બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત બિંદુએ બંધ થયા. ઓટો શેરોની સાથે, આઇટી શેરોમાં પણ આજે વધારો જોવા મળ્યો. આઇટી સેક્ટરમાં ઇન્ફોસિસે તેજીનું નેતૃત્વ કર્યું. સેન્સેક્સ 30 શેરોમાં ઇન્ફોસિસ સૌથી વધુ વધ્યો હતો. બાયબેકના સમાચારને કારણે ઇન્ફોસિસનો શેર 5% વધીને રૂ.1,504 પર પહોંચ્યો હતો. આ શેરે જ બીએસઇ બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં 217 પોઇન્ટનો વધારો કર્યો હતો. અન્ય આઇટી શેરોમાં, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક પણ 3% સુધી વધ્યા હતા. ફાર્મા સેક્ટરમાંથી, ડૉ. રેડ્ડીઝ, સન ફાર્મામાં સારી વૃદ્ધિ જોવા મળી હતી. વીમા ક્ષેત્રમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી અને એસબીઆઇ લાઇફ, એચડીએફસી લાઇફ જેવા કાઉન્ટર્સમાં વૃદ્ધિ જોવા મળી હતી.
બીજી તરફ, નિફ્ટી50 ઇન્ડેક્સમાંથી ટ્રેન્ટ, ઇટરનલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ, ઇન્ડિઇન્ડ બેંક, ટાઇટન કંપનીના શેર ઘટાડામાં બંધ થયા.
ઓટો શેરો પર વેચવાલીનું દબાણ
બજાર ખુલતા સમયે ઓટો શેરમાં કોઈ ખાસ વધારો જોવા મળ્યો ન હતો, પરંતુ આઇટી સેક્ટરમાં ખરીદીને કારણે ઓટો શેરમાં પણ જોમ આવ્યું અને ભાવ ઊંચા સ્તરે હોવા છતાં, ઓટો શેરમાં લેવાલી નીકળી. જીયોજિત ઇન્વેસ્ટમેન્ટના રીસર્ચ વિભાગના હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, "ભારતીય શેરબજારો આજે થોડા વધારા સાથે બંધ થયા. ઇન્ફોસિસની બાયબેક જાહેરાત પછી આઇટી શેરોમાં જોરદાર ઉછાળો આવ્યો. જોકે, બજારમાં અન્ય પડકારો યથાવત રહ્યા. બીજી તરફ, તાજેતરના GST સુધારાને કારણે ઓટો શેરોમાં વેચવાલીનું દબાણ આવ્યું."
તેમણે જણાવ્યું કે, બજારનું સેન્ટિમેન્ટ વૈશ્વિક વ્યાપારના માહોલને પગલે રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતા છે. જોકે, ફેડ વ્યાજ દરમાં ઘટાડાની વધતી સંભાવનાઓ અને સ્થાનિક મેક્રો સંકેતોના ટેકાથી ટૂંકા ગાળામાં બજારમાં તેજી જળવાઇ શકે છે.
રૂપિયો 88ની નીચે 25 પૈસા મજબૂત થઈને ખુલ્યો, ડોલર નબળો પડ્યો હતો. ડોલર સામે ભારતીય રૂપિયો 88ની નીચે મજબૂત ટ્રેડિંગ કરતો જોવા મળ્યો. એશિયન બજારોમાં ઉછાળા અને ડોલર ઇન્ડેક્સમાં ઘટાડાને કારણે સ્થાનિક ચલણમાં ઉછાળો નોંધાયો હતો.
મંગળવારે રૂપિયો 25 પૈસાના વધારા સાથે 88.01 પર ખુલ્યો. નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય બજારોમાં ડોલરની નબળાઈ અને એશિયન કરન્સીમાં વધારાને કારણે રૂપિયો મજબૂત થયો. આ તેજી વચ્ચે, રોકાણકારો આગામી આર્થિક ડેટા અને વૈશ્વિક સંકેતો પર નજર રાખી રહ્યા છે.
નિફ્ટીમાં કોન્સોલિડેશન બાદ ક્યું લેવલ આવશે?
મંગળવારના ટ્રેડિંગમાં નિફ્ટીમાં કોન્સોલિડેશન જોવા મળ્યું હતું અને સારા સ્પોટ પર બંધ પણ રહ્યો. નિફ્ટીનું 24850નું લેવલ જળવાઇ રહ્યું તે એક સારો સંકેત છે. હવે નિફ્ટી 25000ના લેવલ તરફ આગળ વધી શકે છે. નીચલા લેવલ પર નિફટી માટે 24800નું લેવલ સપોર્ટ લેવલની માફક કામ કરશે. નિફ્ટીએ જે રીતે મંગળવારના ટ્રેડિંગ સેશનમાં 24850નું લેવલ વટાવીને બંધ આપ્યો છે, તેના પરથી આગળ ઉપર તેજીનો સંકેત મળી રહ્યો છે.
એશિયન બજારોમાં મિશ્ર વલણ
આજે એશિયન બજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. ચીનનો CSI 300 ઇન્ડેક્સ 0.19% ઘટ્યો, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ 0.3% વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ 0.49%ના વધારા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો.
જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.9% વધીને રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો. આ સતત બીજો દિવસ છે જ્યારે નિક્કી વધ્યો છે. વડા પ્રધાન શિગેરુ ઇશિબાના રાજીનામાની જાહેરાત પછી બજારમાં મજબૂતી જોવા મળી.
વોલ સ્ટ્રીટ પર ટેક શેરો ચમક્યા
સોમવારે યુએસ બજારો વધારા સાથે બંધ થયા. ડાઉ જોન્સ 0.25%, નાસ્ડેક 0.45% અને S&P 500 ઇન્ડેક્સ 0.21% વધ્યા. નાસ્ડેકે નવો રેકોર્ડ બનાવ્યો. ટેક શેરોમાં તીવ્ર વધારો થયો. રોકાણકારોને આશા છે કે યુએસ ફેડરલ રિઝર્વ આવતા અઠવાડિયે વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.
સોનાનો ભાવ પહેલી વાર $3,600 ને પાર કરી ગયો
કોમોડિટી માર્કેટમાં સોનાની તેજી ચાલુ છે. સોમવારે, સોનાનો ભાવ પહેલી વાર $3,600 પ્રતિ ઔંસથી ઉપર ગયો.
MSCI ઇમર્જિંગ માર્કેટ્સ ઇન્ડેક્સમાં ભારતનું વજન લગભગ બે વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયું છે. સ્થાનિક શેરબજારોના નબળા પ્રદર્શનને કારણે આ ઘટાડો નોંધવામાં આવ્યો છે. એમએસસીઆઇ ઇન્ડેક્સ વૈશ્વિક રોકાણકારો માટે એક મહત્ત્વપૂર્ણ બેન્ચમાર્ક છે.








