પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર મહિને કરો કમાણી, જાણો સ્કીમની વિગતો
આજે પણ દેશમાં એવા ઘણા લોકો છે જે શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં રોકાણ કરવાને બ

આજે પણ દેશમાં એવા ઘણા લોકો છે જે શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં રોકાણ કરવાને બદલે સરકારી યોજનાઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જો તમે પણ પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરીને દર મહિને ગેરેન્ટેડ રિટર્ન મેળવવા માગો છો, તો અમે તમને આવી જ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ. મંથલી ઈનકમ સ્કીમ (MIS) પોસ્ટ ઓફિસની લોકપ્રિય યોજનાઓમાંની એક છે. આ એક એવી સ્કીમ છે જેમાં તમે એકસાથે રકમનું રોકાણ કરીને દર મહિને ગેરેન્ટેડ રિટર્ન મેળવી શકો છો.
માત્ર 1 હજાર રૂપિયામાં ખોલાવી શકો છો એકાઉન્ટ
આ સ્કીમ હેઠળ તમે માત્ર 1 હજાર રૂપિયામાં તમારું એકાઉન્ટ ખોલાવી શકો છો. આ સ્કીમમાં તમે સિંગલ અને જોઈન્ટ બંને પ્રકારના એકાઉન્ટ ખોલાવી શકો છો. એક એકાઉન્ટમાં કુલ 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. જ્યારે જોઈન્ટ એકાઉન્ટમાં રોકાણની મર્યાદા 15 લાખ રૂપિયા છે. જો તમે સિંગલ એકાઉન્ટમાં 9 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને દર મહિને 5,500 રૂપિયાની કમાણી થશે. જો તમે જોઈન્ટ એકાઉન્ટમાં વધુમાં વધુ રૂ. 15 લાખનું રોકાણ કરો છો, તો દર મહિને રૂ. 9,250ની ગરેન્ટેડ ઈનકમ થશે. MISમાં રોકાણ દ્વારા માસિક કમાણી વિશે વાત કરીએ તો, આ સ્કીમમાં તમને એકાઉન્ટ ખોલવાની તારીખથી એક મહિનો પૂરો થયા પછી વ્યાજનો લાભ મળવાનું શરૂ થઈ જાય છે. એટલે કે એકાઉન્ટ ખોલવાની તારીખે દર મહિને તમારા હાથમાં વ્યાજના પૈસા હશે.
5 વર્ષનો છે આ સ્કીમનો લોક-ઇન પીરિયડ
આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં લોક-ઇન પીરિયડ પાંચ વર્ષનો છે, પરંતુ તે પૂર્ણ થયા પછી, તમને તેને આગામી પાંચ વર્ષ સુધી વધારવાની સુવિધા પણ આપવામાં આવે છે. આ યોજનાની લોકપ્રિયતાને કારણે, સરકારે તાજેતરમાં તેના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. પહેલા આના પર મળતો વ્યાજ દર સાત ટકાથી નીચે હતો, પરંતુ હવે તેને 7.4 ટકા કરી દેવામાં આવ્યો છે. મંથલી ઈનકમ સ્કીમ હેઠળ રોકાણ કરવા માટે પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરી શકે છે.
એકાઉન્ટ બંધ કરવાની પણ સુવિધા
આ સ્કીમની બીજી ખાસ વાત એ છે કે તમે એક વર્ષ પછી જ તમારું એકાઉન્ટ બંધ કરી શકો છો. જોકે, આ માટે તમારી જમા રકમમાંથી અમુક રકમ કાપવામાં આવશે. એમઆઈએસ સ્કીમ હેઠળ, જો તમે 1 વર્ષ પછી અને એકાઉન્ટ ખોલવાની તારીખથી 3 વર્ષ પહેલાં એકાઉન્ટ બંધ કરો છો, તો જમા રકમમાંથી 2 ટકા બાદ કરીને બાકીની રકમ ચૂકવવામાં આવશે. જો તમે 3 વર્ષ પછી અને ખોલવાની તારીખથી 5 વર્ષ પહેલાં એકાઉન્ટ બંધ કરો છો, તો મૂળ રકમમાંથી 1 ટકા જેટલી રકમ બાદ કરવામાં આવશે અને બાકીની રકમ પરત કરવામાં આવશે.






