2026માં 190થી વધુ કંપનીઓ IPO માટે લાઈનમાં, આમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ, ફોનપે પણ સામેલ

દેશનું પ્રાઇમરી માર્કેટ 2026માં ફરી એક વખત વ્યસ્ત રહેનાર છે. કારણ કે, ઘણી મોટી અને હાઇ-પ્રોફાઈલ કંપનીઓ શેરબજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. લગભગ 84 કંપનીઓને સેબીની મંજૂરી મળી ગઈ છે અને તેઓ અંદાજે ₹1.14 લાખ કરોડ એકત્ર કરવા માટે તૈયાર છે.
દરમિયાન, 108 કંપનીઓ હજુ પણ નિયમનકારી મંજૂરીની રાહ જોઈ રહી છે અને આશરે ₹1.46 લાખ કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. કુલ મળીને, 190થી વધુ કંપનીઓને કાં તો મંજૂરી મળી ગઈ છે અથવા મંજૂરી માટે પાઇપલાઇનમાં છે, જેમાં ₹2.5 લાખ કરોડથી વધુ ભંડોળ એકત્ર કરવાની સંભાવના છે. ચાલો 2026 માં અપેક્ષિત 10 મુખ્ય આઇપીઓ વિશે જાણીએ.
રિલાયન્સ જિયો
રિલાયન્સ જિયો 2026 માં સૌથી મોટી લિસ્ટિંગમાંની એક હોઈ શકે છે. તેનું મૂલ્યાંકન ₹11 લાખ કરોડથી ₹12 લાખ કરોડની વચ્ચે રહેવાની ધારણા છે. જો આ આઇપીઓ સાકાર થાય છે, તો તે ભારતનો સૌથી મોટો આઇપીઓ હશે અને બજાર પર તેની અસર મહિનાઓ સુધી રહેશે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ
નેશનલ સ્ટોક એક્સચેન્જના આઇપીઓની પણ લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. એક્સચેન્જે કેટલાક પડતર મુદ્દાઓ ઉકેલવા માટે રૂપિયા 1,300 કરોડ અલગ રાખ્યા છે. સેબીની મંજૂરી ટૂંક સમયમાં મળવાની અપેક્ષા છે, જેનાથી લિસ્ટિંગ થઈ શકે છે.
ફ્લીપ કાર્ટ
ફ્લિપકાર્ટ પણ 2026 માં લિસ્ટ થવાની તૈયારી કરી રહ્યું છે. તેનું અંદાજિત મૂલ્ય ડોલર 60થી ડોલર 70 બિલિયન છે. વોલમાર્ટની માલિકીની આ ઈ-કોમર્સ કંપની તેના મજબૂત બ્રાન્ડ અને ગ્રાહક આધારને કારણે ભારતની સૌથી મોટી ટેક લિસ્ટિંગમાંની એક બની શકે છે.
ફોન પે
પેમેન્ટ્સ કંપની ફોનપેએ સેબી પાસે ડોલર 1.5 બિલિયનના પ્રારંભિક જાહેર ઓફર (આઇપીઓ) માટે ડ્રાફ્ટ ફાઇલ કર્યા છે. તેનું મૂલ્યાંકન આશરે ડોલર 15 બિલિયન હોવાનો અંદાજ છે. આ આઇપીઓ ભારતના ફિનટેક ક્ષેત્ર માટે નોંધપાત્ર પ્રોત્સાહન હશે.
હોસ્પિટાલિટી પ્લેટફોર્મ ઓયો પણ આઈપીઓ માટે તૈયારી કરી રહ્યું છે. કંપની ડોલર 800 મિલિયન સુધીનું ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે. ઓયો સૌ પ્રથમ વ્યવસાય સ્થિરતા અને નફાકારકતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ
એસબીઆઇ ફંડ્સ મેનેજમેન્ટ 2026 ના પહેલા ભાગમાં ડોલર 1.2 બિલિયન સુધીનું ભંડોળ એકત્ર કરવાનું વિચારી રહ્યું છે. એસબીઆઇ ભારતની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ મેનેજિંગ કંપની છે. આનાથી રોકાણકારોને ઝડપથી વિકસતા મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં રોકાણ કરવાની તક મળશે.
હીરો ફિનકોર્પ તેના આઇપીઓ દ્વારા ₹3,668.13 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આમાં નવા ઇશ્યૂ દ્વારા ₹2,100 કરોડ અને હાલના શેરધારકો દ્વારા વેચાણ દ્વારા બાકીના ભંડોળનો સમાવેશ થશે. રોકાણકારો કંપનીના પ્રદર્શન પર નજીકથી નજર રાખશે.
સચિન બંસલની કંપની નવી ટેક્નોલોજીસ નાણાકીય વર્ષ 26 ના બીજા ભાગમાં લિસ્ટિંગનું લક્ષ્ય ધરાવે છે. કંપની વ્યક્તિગત લોન, હોમ લોન અને વીમામાં વિસ્તરણ કરી રહી છે. તેનો આઇપીઓ સ્થાપક-આગેવાની હેઠળની ફિનટેક કંપનીઓમાં એક મુખ્ય લિસ્ટિંગ માનવામાં આવશે.
ક્વિક-કોમર્સ કંપની ઝેપ્ટો તેના ડ્રાફ્ટ પેપર્સ ફરીથી ફાઈલ કરવાની તૈયારી કરી રહી છે. તે ડોલર 450-500 મિલિયન (આશરે રૂ. 4,000-4,440 કરોડ) એકત્ર કરવા માંગે છે. આમાં ફ્રેશ ઇક્વિટી અને રોકાણકારોના એક્ઝિટ બંનેનો સમાવેશ થશે.
બોટ
કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ boAt એ આઈસીઆઈસીઆઈ, ગોલ્ડમેન સૅક્સ અને નોમુડાને બેંકર્સ તરીકે અંતિમ સ્વરૂપ આપ્યું છે. કંપનીનો ઉદ્દેશ ડોલર 300-500 મિલિયન એકત્ર કરવાનો છે. તેનું અંદાજિત મૂલ્ય ડોલર 1.5 બિલિયનથી વધુ હોઈ શકે છે.

