મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

મોદી સરકારે લોકસભામાં રજૂ કર્યો આર્થિક સર્વે, દેશની GDP વધશે પણ રહી શકે છે આ મોટો પડકાર 

પીએમ મોદીના નેતૃત્ત્વવાળી કેન્દ્ર સરકાર 23 જુલાઈએ 2024-25નું પૂર્ણકાલીન બજેટ રજૂ કરશે અને તે

મોદી સરકારે લોકસભામાં રજૂ કર્યો આર્થિક સર્વે, દેશની GDP વધશે પણ રહી શકે છે આ મોટો પડકાર 

પીએમ મોદીના નેતૃત્ત્વવાળી કેન્દ્ર સરકાર 23 જુલાઈએ 2024-25નું પૂર્ણકાલીન બજેટ રજૂ કરશે અને તે પહેલા સરકારે સંસદમાં દેશનો આર્થિક સર્વે રજૂ કર્યો છે. આર્થિક સર્વે 2023-24 લોકસભામાં બપોરે 12:10 વાગ્યે રજૂ કરવામાં આવ્યો હતો. લોકસભામાં રજૂ કરાયેલા આ આર્થિક સર્વેમાં સરકારનું સંપૂર્ણ ધ્યાન ખાનગી ક્ષેત્ર અને પીપીપી પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મોદી સરકારની ત્રીજી ટર્મના પ્રારંભે રજૂ કરાયેલા આર્થિક સર્વે મુજબ નાણાંકીય વર્ષ FY25માં ભારતના જીડીપીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે દેશની જીડીપી વૃદ્ધિ 6.5થી 7 ટકા રહેવાનો અંદાજ છે.

દેશને આંચકો લાગશે

મોદી સરકાર દ્વારા રજૂ કરાયેલા આર્થિક સર્વેમાં દેશની જીડીપી વૃદ્ધિનો અંદાજ જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે સરકારે આ આર્થિક સર્વેમાં એક મોટા પડકારનો પણ ઉલ્લેખ કર્યો છે. સરકારનું કહેવું છે કે વૈશ્વિક પડકારોને કારણે દેશને નિકાસ મોરચે થોડો આંચકો લાગી શકે છે, પરંતુ સરકાર આ અંગે પણ સંપૂર્ણ રીતે સજાગ છે. વૈશ્વિક કારોબારમાં પડકારોની સંભાવના છે. જણાવી દઈએ કે વૈશ્વિક અનિશ્ચિતતા મૂડી પ્રવાહને અસર કરી શકે છે.

અનેક પડકારો બાદ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિ સાથે આગેકૂચ કરી રહ છે. નાણાકીય વર્ષ 2022-23માં ટકાઉ જીડીપીનો દોર આ નાણાકીય વર્ષ 2023-24માં પણ જારી રહ્યો છે. ચાર ત્રિમાસિકમાંથી ત્રણ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 8 ટકાના દરે વધ્યો છે. આર્થિક સ્થિરતા જાળવવા અમે ખાતરી આપીએ છીએ કે, બાહ્ય પડકારોનો ભારતની અર્થવ્યવસ્થા પર લઘુત્તમ અસર થાય. ઈકોનોમિક સર્વેમાં ચાલુ નાણાકીય વર્ષમાં કોર જીડીપી ગ્રોથ 6.5થી 7 ટકાના દરે વધવાનો લક્ષ્યાંક છે.

કેન્દ્ર સરકારનું બેરોજગારી અને અસમાનતામાં ઘટાડો કરવા પર સતત ફોકસઃ સીતારમણ

નાણા મંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વેમાં નોંધ્યું છે કે, સરકાર બેરોજગારી મુદ્દે નોંધપાત્ર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. તેમજ સરકાર રોજગાર સર્જનમાં વધારો, બિન-ઔપચારિક ક્ષેત્રનું ઔપચારિક ક્ષેત્રમાં એકીકરણ તથા કામના સ્થળે મહિલા શ્રમમાં વધારો કરવા પર ફોકસ કરી રહી છે.

વૈશ્વિક પરિબળો, સપ્લાય ચેઈન પડકારો, અને કમોસમી વરસાદના કારણે ફુગાવામાં વધારો થયો હોવા છતાં વહીવટી અને નાણાકીય નીતિના નિર્ણયો દ્વારા તેના પર અંકુશ મેળવવામાં સફળ રહ્યા છીએ. રિટેલ ફુગાવો FY23માં સરેરાશ 6.7 ટકાથી ઘટી FY24માં 5.4 ટકા થયો હતો.

જણાવી દઈએ કે, આજથી શરૂ થયેલું સંસદ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. તેમાં કુલ 19 બેઠકો યોજાવાની છે. આ સમયગાળા દરમિયાન સરકાર 6 બિલ રજૂ કરે તેવી ધારણા છે. જેમાં 90 વર્ષ જૂના એરક્રાફ્ટ એક્ટને બદલવાનું બિલ અને જમ્મુ-કાશ્મીરના બજેટ માટે સંસદની મંજૂરીનો પણ સમાવેશ થાય છે. બિલની રજૂઆત દરમિયાન વિપક્ષ તરફથી હોબાળો પણ જોવા મળી શકે છે.

આ સમાચાર શેર કરો