બજારમાં સતત ચોથા કારોબારી સત્રમાં તેજીઃ કોણ રહ્યું ટોપ ગેમર્સ અને લૂઝર્સ?
સેન્સેક્સ એક્સપાયરી સેશનમાં બજારમાં સતત બીજા કારોબારી સત્રમાં તેજી જોવા મળી હતી. મંગળવારે, બજાર વધારા સા

સેન્સેક્સ એક્સપાયરી સેશનમાં બજારમાં સતત બીજા કારોબારી સત્રમાં તેજી જોવા મળી હતી. મંગળવારે, બજાર વધારા સાથે બંધ થયું અને બ્રોડર માર્કેટમાં આઉટ પર્ફોર્મન્સ જોવા મળ્યું. જોકે, નિફ્ટી ફરી એકવાર ઇન્ટ્રાડે 25,000નું સ્તર જાળવી રાખવામાં નિષ્ફળ રહી. આ સતત બીજું સત્ર હતું જ્યારે નિફ્ટી 25,000ને પાર કર્યા પછી ટકી શકી નહીં.
વૈશ્વિક બજારોમાંથી ઠંડા સંકેતો છતાં, ભારતીય શેરબજારો 19 ઓગસ્ટ, મંગળવારે મજબૂત રીતે બંધ થયા. આ સાથે, મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી-50 અને સેન્સેક્સે સતત ચોથા ટ્રેડિંગ સત્રમાં વધારો નોંધાવ્યો. Jioએ ટેરીફ વધાર્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં તેજી અને અને પસંદગીના ઓટોના શેરોમાં ખરીદીથી બજારને ટેકો મળ્યો. આ દરમિયાન, રોકાણકારો વ્હાઇટ હાઉસ ખાતે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનિયન પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચેની ચર્ચા અને યુરોપિયન નેતાઓ સાથેની વાતચીતનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
કેટલા પોઈન્ટ પર બંધ થયા સેન્સેક્સ અને નિફ્ટી
30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ 100થી વધુ પોઈન્ટના વધારા સાથે 81,319 પર ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે 81,755 પોઈન્ટ પર પહોંચ્યો. અંતે, તે 370.64 પોઈન્ટ અથવા 0.46%ના વધારા સાથે 81,644.39 પર બંધ થયો.
એ જ રીતે, National Stock Exchange (NSE)નો નિફ્ટી-50 પણ 24,891 પર મજબૂત રીતે ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે 25,012 પોઈન્ટની ઊંચી સપાટી અને 24,873 પોઈન્ટની નીચી સપાટીને સ્પર્શ્યો. અંતે, તે 103.70 પોઈન્ટ અથવા 0.42%ના વધારા સાથે 24,980 પર બંધ થયો.
આ સમયગાળા દરમિયાન, બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પાછલા સત્રમાં રૂ. ૪૫૧ લાખ કરોડથી વધીને લગભગ રૂ. ૪૫૫ કરોડ થયું. જેના પરિણામે રોકાણકારોએ એક જ દિવસમાં રૂ. ૪ લાખ કરોડનો નફો મેળવ્યો.
રશિયા અને યુક્રેન પણ છે આનું એક કારણ
જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, "GSTને તર્કસંગત બનાવવાની આશા અને ભારતના ક્રેડિટ રેટિંગમાં તાજેતરના સુધારાને કારણે બજારે નવી ગતિ પકડી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના ભૂ-રાજકીય તણાવ ઓછો થવાના સંકેતોએ પણ આશાવાદને વેગ આપ્યો છે." જેનાથી ટૂંકા ગાળાના દૃષ્ટિકોણને એકત્રીકરણથી વધુ રચનાત્મક બનાવવામાં આવ્યો છે. જો કે, અમેરિકા-ભારત વેપાર વાટાઘાટો પર વધુ સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી આ ઉપરના વલણને પ્રતિકારનો સામનો કરવો પડી શકે છે.
નાના અને મધ્યમ કદની કંપનીઓના શેરોએ વધુ સારું પ્રદર્શન કર્યું. ઓટો શેરોમાં સૌથી વધુ ઉછાળો આવ્યો, જેની આશા હતી કે, ચીન દુર્લભ પૃથ્વી ધાતુઓ (રેર અર્થ મેટલ) સંબંધિત પુરવઠાની ચિંતાઓને દૂર કરી શકશે.
ટોપ ગેમર્સ અને લૂઝર્સ
સેન્સેક્સના શેરોમાં ટાટા મોટર્સ 3.5%ની તેજી સાથે સૌથી ઉપર રહ્યો હતો. અદાણી પોર્ટ્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ 3-3%નો વધારો થયો હતો. ઇન્ડેક્સ યોગદાનની દ્રષ્ટિએ, સેન્સેક્સના દિવસના વધારામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એકલા 229 પોઈન્ટનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત, એટરનલ, ટેક મહિન્દ્રા, કોટક બેંક અને હિન્દુસ્તાન યુનિલિવર પણ લીડમાં રહ્યા.
બીજી તરફ, બજાજ ફિનસર્વના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો. આ સાથે પાવર ગ્રીડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચસીએલ ટેક, ભારત ઇલેક્ટ્રોનિક્સ, એચડીએફસી બેંક અને એલ એન્ડ ટીના શેરમાં ઘટાડો જોવા મળ્યો.
નિફટી 50ની કંપનીઓમાં સૌથી વધારે ફાયદો ટાટા મોટર્સને થયો હતો અને તેમાં 3.59%ની તેજી જોવા મળી હતી. આ પછી, અદાણી પોર્ટ્સમાં 3.18%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 2.78%, હીરો મોટોકોર્પમાં 2.70%, બજાજ ઓટોમાં 2.41%નો વધારો જોવા મળ્યો.
નિફ્ટી-50 કંપનીઓમાં, ડૉ. રેડ્ડીઝના શેર સૌથી વધુ ઘટ્યા, જેમાં ૧.૪૭ ટકાનો ઘટાડો થયો. આ પછી, બજાજ ફિનસર્વ 1.07%, હિન્દાલ્કો 1.05%, સિપ્લા 1.05%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 0.87% ઘટ્યા.
બ્રોડર માર્કેટમાં બેન્ચ માર્ક બીએસઇ સેન્સેક્સે સારું પ્રદર્શન કર્યું હતું. બીએસઇ મીડ કેપ અને સ્મોલ કેપ બંને ઇન્ડેક્સ એક એક ટકાના સુધારા સાથે બંધ રહ્યા હતાં. ક્ષેત્રીય મોરચે, બીએસઇ ઓટો, એનર્જી, ઓઇલ અને ગેસ અને ટેલિકોમ સૂચકાંકોમાં 1%થી વધુનો ઉછાળો જોવા મળ્યો, જ્યારે બીએસઇ આઇપીઓ ઇન્ડેક્સમાં 2%થી વધુનો વધારો થયો અને ઘણા શેરો ઓલ ટાઇમ હાઇ એટલે કે સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા.
રશિયા અને ઝેલેન્સકી વચ્ચે મુલાકાત થઈ શકે છે
વ્હાઇટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી અને યુરોપીયન નેતાઓની સાથે બેઠક બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેમણે યુક્રેનમાં રશિયાના યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ કરવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઝેલેન્સકી વચ્ચે બેઠક ગોઠવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
વ્હાઇટ હાઉસની વાતચીત પછી, ઝેલેન્સકીએ કહ્યું કે, તેઓ તેમના દેશ સામે ચાલી રહેલા આક્રમણને રોકવા માટે સીધા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા તૈયાર છે.
વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?
મંગળવારે એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.33%, હોંગકોંગનો હેંગ સેંગ 0.04% અને જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.08% ઘટ્યો. સોમવારે યુએસ શેરબજાર સ્થિર રહ્યું હતું. રોકાણકારો રિટેલ કંપનીઓના અહેવાલો અને જેક્સન હોલ સમિટમાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના નિવેદનની રાહ જોઈ રહ્યા છે. S&P 500 લગભગ સ્થિર બંધ થયો જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.07% ઘટ્યો હતો.








