જન્માષ્ટમી પર સોના-ચાંદીના ખરીદદારો માટે લોટરી! ભાવમાં અચાનક બોલી ગયો મોટો કડાકો

ગુરુવારે જોવા મળેલી શાનદાર તેજી બાદ ભારતીય કોમોડિટી માર્કેટમાં જન્માષ્ટમીના પાવન પર્વે સોના અને ચાંદીના ભાવમાં અચાનક કડાકો બોલી ગયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં ₹1,200 થી વધુનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદી પણ ₹1,600 જેટલી સસ્તી થઈ છે.
MCX પર કડાકો: સોના અને ચાંદીના તાજા ભાવ
શુક્રવારે કારોબાર દરમિયાન વાયદા બજાર (MCX) પર કિંમતી ધાતુઓમાં નરમાઈ જોવા મળી હતી.
સોનું : MCX પર સોનું આશરે ₹1,200 ઘટીને ₹1,54,605 પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયું હતું.
ચાંદી : એક કિલો ચાંદીનો ભાવ ₹1,600 તૂટીને ₹2,39,525 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે સ્થાનિક તેમજ વૈશ્વિક બજારમાં સોના-ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ શુક્રવારે વેચવાલીનું દબાણ વધતાં ભાવ નીચે સરકી ગયા હતા.
શા માટે અચાનક ઘટ્યા ભાવ? 4 મુખ્ય કારણો
અમેરિકી ડૉલરની મજબૂતી: આંતરરાષ્ટ્રીય કરન્સી બાસ્કેટમાં યુએસ ડૉલર મજબૂત થતાં સોના-ચાંદી પર દબાણ વધ્યું છે. ડૉલર મજબૂત થાય ત્યારે અન્ય કરન્સી ધારકો માટે સોનું મોંઘું બનતાં માંગ ઘટે છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો વધવાને કારણે બજારમાં મોંઘવારી અને લિક્વિડિટીની ચિંતાઓ વધી છે.
અમેરિકાના અનએમ્પ્લોયમેન્ટ ડેટા : આજે અમેરિકાના રોજગારી સંબંધી મહત્વપૂર્ણ ડેટા જાહેર થવાના છે. આ ડેટા આવ્યા પહેલાં મોટા રોકાણકારોએ સાવચેતીના ભાગરૂપે પ્રોફિટ બુકિંગ કર્યું છે.
ફેડરલ રિઝર્વના વ્યાજદરની અટકળો: અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ આગળ જતાં વ્યાજદરમાં કેટલો કાપ મૂકશે તેનો અંદાજ આ જોબ ડેટા પરથી લગાવવામાં આવશે. અનિશ્ચિતતાના કારણે ટ્રેડર્સે નફો બાંધી લેવાનું પસંદ કર્યું છે.
ગ્લોબલ માર્કેટમાં પણ નરમાઈ
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીના ભાવ દબાણ હેઠળ ટ્રેડ થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 4,518 ડૉલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું છે. ચાંદીની કિંમત 67.286 ડૉલર પ્રતિ ઔંસ ની આસપાસ નોંધાઈ છે.

