LICએ IRCTCમાં વધાર્યો પોતાનો હિસ્સો, 1.61 કરોડ શેર ખરીદીને હવે આટલો થયો હિસ્સો
ભારતીય જીવન વીમા નિગમે (LIC) ભારતીય રેલવે કંપની IRCTCમાં પોત

ભારતીય જીવન વીમા નિગમે (LIC) ભારતીય રેલવે કંપની IRCTCમાં પોતાનો હિસ્સો વધાર્યો છે. હવે IRCTCમાં LICની ભાગીદારી વધીને 9.3 ટકા થઈ ગઈ છે. શેરબજારને આપેલી માહિતીમાં જાહેર ક્ષેત્રની વીમા કંપનીએ જણાવ્યું હતું કે, 16 ડિસેમ્બર, 2022થી 11 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનમાં કંપનીનો હિસ્સો 2.02 ટકા વધ્યો છે.
શેરમાં વધારો થયો 2 ટકાનો
વીમા કંપનીએ જણાવ્યું હતું કે, 'LIC એ IRCTCના ઇક્વિટી શેર્સમાં તેનો હિસ્સો 5,82,22,948 શેર્સ (7.28 ટકા)થી વધારીને 7,43,79,924 શેર્સ (9.29 ટકા) કર્યો છે.' LICએ કહ્યું કે, તેણે 16 ડિસેમ્બર, 2022 અને સપ્ટેમ્બર 11, 2024 દરમિયાન રેલ્વેની નાની સરકારી કંપની (મિની રત્ન)માં તેનો હિસ્સો 2.02% વધાર્યો છે. આ હિસ્સો તેણે ઓપન માર્કેટમાંથી શેર ખરીદીને વધાર્યો છે.
પ્રમોટર્સનો હિસ્સો 62.4 ટકા
IRCTCની શેરહોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો, પ્રમોટર્સનો હિસ્સો 62.4 ટકા છે. આ સિવાય પબ્લિક શેરહોલ્ડિંગ 37.60 ટકા છે. કંપનીના પ્રમોટર ભારતના રાષ્ટ્રપતિ પાસે 62.4 ટકા શેર એટલે કે કુલ 49,91,72,170 શેર છે. ઉલ્લેખનીય છે કે, IRCT મિનીરત્ન કંપની છે. આ કંપનીને દેશભરના રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં ઓનલાઈન રેલવે ટિકિટ બુકિંગ અને કેટરિંગ સેવાઓનું સંચાલન કરવાનો અધિકાર છે.
શેરની સ્થિતિ
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (LIC)નો શેર બીએસઈમાં એક દિવસ અગાઉની સરખામણીએ રૂ. 18.35 (1.81%) વધીને રૂ. 1,031.45 પર બંધ થયો હતો. શેરનું 52-સપ્તાહનું નીચલું સ્તર રૂ. 597.65 અને ઉચ્ચ સ્તર રૂ. 1,221.50 છે. આ સાથે LICનું માર્કેટ કેપ 6,52,391 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ સિવાય IRCTCના શેરમાં પણ ઉછાળો જોવા મળ્યો અને તે લગભગ એક ટકા વધીને રૂ. 931 થયો.






