મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

સોનું વેચતા પહેલા જાણી લો ટેક્સના આ નિયમો, નહીં તો નફા પર પડશે કાતર

ભારતીય સંસ્કૃતિમાં સોનું માત્ર આભૂષણ નથી, પરંતુ સુરક્ષિત રોકાણનો સૌથી ભરોસાપાત્ર વિક

સોનું વેચતા પહેલા જાણી લો ટેક્સના આ નિયમો, નહીં તો નફા પર પડશે કાતર

ભારતીય સંસ્કૃતિમાં સોનું માત્ર આભૂષણ નથી, પરંતુ સુરક્ષિત રોકાણનો સૌથી ભરોસાપાત્ર વિકલ્પ પણ છે. હાલમાં સોનાના ભાવ રેકોર્ડ સ્તર પર હોવાથી ઘણા રોકાણકારો પોતાનું સોનું વેચીને પ્રોફિટ બુકિંગ કરવા માંગે છે. જોકે, આવકવેરાના નિયમો મુજબ સોનું વેચવાથી થતી કમાણી 'કેપિટલ ગેઈન' (મૂડી નફો) હેઠળ આવે છે અને તેના પર અલગ-અલગ દરે ટેક્સ લાગે છે.

ફિઝિકલ ગોલ્ડ અને જ્વેલરી પર ટેક્સ (Physical Gold & Jewelry)

જ્યારે તમે સોનાના સિક્કા, બાર (લગડી) કે ઘરેણાં વેચો છો, ત્યારે ટેક્સનો દર તમે કેટલા સમય સુધી સોનું તમારી પાસે રાખ્યું છે (હોલ્ડિંગ પિરિયડ) તેના પર નિર્ભર કરે છે:

  • શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન (STCG): જો તમે સોનું ખરીદ્યાના 24 મહિના (2 વર્ષ) ની અંદર વેચો છો, તો તેનાથી થતા નફાને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન કહેવાય છે. આ નફો તમારી કુલ વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવે છે અને તમારાઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગુ પડે છે.

  • લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG): જો સોનું 24 મહિનાથી વધુ સમય માટે રાખ્યા બાદ વેચવામાં આવે, તો તેના પર 12.50% ના ફ્લેટ દરે ટેક્સ લાગે છે. નોંધનીય છે કે નવા નિયમો મુજબ હવે તેમાં ઇન્ડેક્સેશન (મોંઘવારીનો લાભ) મળતો નથી.

ગિફ્ટ કે વારસામાં મળેલા સોના પર ટેક્સ

ભારતમાં લગ્ન કે અન્ય પ્રસંગોએ સોનું ભેટમાં મળવું સામાન્ય છે. તેના નિયમો નીચે મુજબ છે:

  • નજીકના સંબંધીઓ: પતિ-પત્ની, માતા-પિતા, ભાઈ-બહેન કે દાદા-દાદી તરફથી મળેલું સોનું સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે.

  • અન્ય વ્યક્તિઓ: જો અન્ય કોઈ વ્યક્તિ પાસેથી એક વર્ષમાં મળેલા સોનાની કિંમત ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ હોય, તો તે ટેક્સના દાયરામાં આવે છે.

  • વારસામાં મળેલી મિલકત: વસિયત કે વારસામાં મળેલું સોનું મેળવતી વખતે કોઈ ટેક્સ લાગતો નથી. પરંતુ, જ્યારે તમે આ સોનુંવેચો છો, ત્યારે ટેક્સની ગણતરી એ દિવસથી થાય છે જે દિવસે તમારા પૂર્વજોએ તે સોનું ખરીદ્યું હતું.

ગોલ્ડ ETF અને મ્યુચ્યુઅલ ફંડ (Gold ETF & Funds)

ડિજિટલ ગોલ્ડ કે ગોલ્ડ ETF માં રોકાણ કરનારાઓ માટે નિયમો થોડા અલગ છે:

  • ગોલ્ડ ETF માં 1 વર્ષ (12 મહિના) થી વધુ હોલ્ડિંગ હોય તો તેને લોન્ગ ટર્મ માનવામાં આવે છે.

  • જ્યારે ગોલ્ડ સેવિંગ ફંડ્સ (મ્યુચ્યુઅલ ફંડ) માં ફિઝિકલ ગોલ્ડની જેમ જ 24 મહિનાનો નિયમ લાગુ પડે છે.

સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB - Sovereign Gold Bond)

ટેક્સની દ્રષ્ટિએ સોવરેન ગોલ્ડ બોન્ડ સૌથી ફાયદાકારક માનવામાં આવે છે:

  • વ્યાજ: બોન્ડ પર મળતું 2.5 %વ્યાજ તમારી આવકમાં ગણાય છે અને સ્લેબ મુજબ ટેક્સ લાગે છે.

  • મેચ્યોરિટી (8 વર્ષ): જો તમે 8 વર્ષની મેચ્યોરિટી સુધી બોન્ડ રાખો છો, તો તેના પર મળતો તમામ નફો સંપૂર્ણ ટેક્સ ફ્રી છે.

  • વચ્ચે વેચાણ: જો તમે સ્ટોક એક્સચેન્જ પર બોન્ડ વેચો છો, તો ગોલ્ડ ETF મુજબ ટેક્સ લાગશે.

ટેક્સ કેવી રીતે બચાવવો? (કલમ 54F)

જો તમે સોનું વેચીને મોટો નફો કર્યો હોય, તો તમે ઇન્કમ ટેક્સ એક્ટનીકલમ 54F હેઠળ ટેક્સ બચાવી શકો છો. આ માટે તમારે સોનાના વેચાણમાંથી મળેલી પૂરેપૂરી રકમ રહેણાંક મકાન (Residential Property) ખરીદવામાં અથવા બાંધવામાં રોકવી પડે છે. આ રોકાણ સોનું વેચ્યાના 1 વર્ષ પહેલા અથવા 3 વર્ષની અંદર (બાંધકામ માટે ૩ વર્ષ) કરવાનું રહે છે.

સોનાના ભાવમાં ઉછાળો જોઈને ઉતાવળમાં વેચાણ કરવાને બદલે, તમારા હોલ્ડિંગ સમયગાળાની ગણતરી કરો. જો તમારું સોનું 24  મહિનાની નજીક હોય, તો થોડો સમય રાહ જોઈને તમે શોર્ટ ટર્મને બદલે લોન્ગ ટર્મ ટેક્સનો લાભ લઈ ટેક્સ બચાવી શકો છો.

આ સમાચાર શેર કરો