મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં મુંઝવણ અનુભવો છો? તો જાણી લો નવી કે જૂની કઈ પદ્ધતિ છે વધુ ફાયદાકારક

આવકવેરા વિભાગે હાલમાં જ ઓનલાઈન રિટર્ન ફાઈલિંગ માટે ITR-1, ITR-2 અને ITR-4 ફોર્મ જારી કર્યા છે. કરદ

ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં મુંઝવણ અનુભવો છો? તો જાણી લો નવી કે જૂની કઈ પદ્ધતિ છે વધુ ફાયદાકારક

આવકવેરા વિભાગે હાલમાં જ ઓનલાઈન રિટર્ન ફાઈલિંગ માટે ITR-1, ITR-2 અને ITR-4 ફોર્મ જારી કર્યા છે. કરદાતાઓ 2023-24 માટે જુલાઈ સુધી ઓનલાઈન કે ઓફલાઈન ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકે છે. જો કે, હાલ કરદાતાઓનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે, નવી ટેક્સ પદ્ધતિ અનુસાર રિટર્ન ફાઈલ કરવું કે જૂની? બંનેમાંથી કઈ પદ્ધતિ (રેઝિમ) તેમના માટે લાભદાયી અને યોગ્ય રહેશે? આવો જાણીએ બંનેમાં શું તફાવત છે અને તે કેવી રીતે ઉપયોગી છે.

નવી પદ્ધતિમાં રૂ. 7.5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં

નાણા મંત્રી નિર્મલા સિતારમણે 2023માં રજૂ કરેલા બજેટમાં આવકવેરાની નવી રેઝિમમાં કર માફીની મર્યાદા રૂ. 2.5 લાખથી વધારી રૂ. 3 લાખ કરી હતી. અર્થાત કોઈ વ્યક્તિની વાર્ષિક આવક રૂ. 3 લાખ કે તેથી ઓછી છે, તો તેઓને કરમાંથી મુક્તિ મળશે. ઉપરાંત, તેમણે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 87A હેઠળ રિબેટ 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરી હતી. નોકરી કરતા લોકોને 50,000 રૂપિયાનું પ્રમાણભૂત કપાત પણ મળે છે. એટલે કે જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 7 લાખ રૂપિયા છે, તો તેણે નવી પદ્ધતિ અનુસાર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

નવી અને જૂની પદ્ધતિ

કરદાતા નવી અને જૂની પદ્ધતિમાંથી કોઈ એક વિકલ્પ અનુસાર ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકે છે, જો કે, ધ્યાનમાં રાખવું પડશે કે, નવી પદ્ધતિમાં વાર્ષિક આવક રૂ. 7 લાખથી વધુ હોવી જોઈએ નહીં, તેમાં કલમ 87A અંતર્ગત રિબેટ ક્લેમ કરી શકો છો. રિબેટની રકમ ઈનકમ ટેક્સના 100 ટકા અથવા રૂ. 25 હજાર સુધી (બંનેમાંથી ઓછી રકમ) લાગૂ થશે.

જૂની પદ્ધતિમાં જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક રૂ. 5 લાખ સુધી છે, તો તેને કલમ 87A હેઠળ રિબેટનો લાભ મળે છે. રિબેટની રકમ ઈનકમ ટેક્સના 100 ટકા અથવા રૂ. 12500 (બંનેમાંથી ઓછી રકમ) લાગૂ થશે.

બંનેમાં કેવી રીતે લાભ મળે છે?

કર નિષ્ણાતના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિ બચત કરતા નથી અને ડિડક્શન તથા કર મુક્તિ માટે દાવો કરતા નથી, તો તેના માટે નવી પદ્ધતિ લાભદાયી છે. જો કોઈ વ્યક્તિ ખાસ કરીને ટેક્સ-સેવિંગ્સ સ્કીમમાં બચત કરે છે, બાળકોની ટ્યુશન ફી ચૂકવી રહ્યા છે, તો તેના માટે જૂની પદ્ધતિ યોગ્ય છે. કલમ 80 C અંતર્ગત ટેક્સ-સેવિંગ્સ ઈન્વેસ્ટમેન્ટ અને બંને બાળકોની ટ્યુશન ફી પેમેન્ટ પર ડિડક્શનનો દાવો કરી શકો છો. જેનાથી ટેક્સ લાયબિલીટીમાં ઘટાડો થાય છે.

જૂની પદ્ધતિમાં અનેક પ્રકારના ડિડક્શન અને કર મુક્તિનો લાભ

નવી ટેક્સ પદ્ધતિમાં ટેક્સ રેટ્સ નીચા છે. પરંતુ મોટાભાગના ડિડક્શન્સ અને કર મુક્તિનો લાભ મળતો નથી. જ્યારે જૂની પદ્ધતિમાં અનેક પ્રકારના ડિડક્શન અને કર મુક્તિનો લાભ મળે છે. જો કે, જૂની પદ્ધતિમાં ટેક્સ રેટ્સ ઉંચા હોય છે. આથી કરદાતાઓએ પોતાના રોકાણો અને પગારના આધારે બંનેમાંથી કોઈ એક પદ્ધતિ અપનાવવી શકે છે.

આ સમાચાર શેર કરો