મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ટેરિફ ટેન્શન વચ્ચે રોકાણકારોએ રૂપિયા 6 લાખ કરોડ ગુમાવ્યા, સેન્સેક્સ 849 પોઈન્ટ-નિફ્ટી 24712 પર બંધ 

વૈશ્વિક બજારોમાંથી મળેલા સુસ્ત સંકેતો વચ્ચે મંગળવારે ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ

ટેરિફ ટેન્શન વચ્ચે રોકાણકારોએ રૂપિયા 6 લાખ કરોડ ગુમાવ્યા, સેન્સેક્સ 849 પોઈન્ટ-નિફ્ટી 24712 પર બંધ 

વૈશ્વિક બજારોમાંથી મળેલા સુસ્ત સંકેતો વચ્ચે મંગળવારે ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું. અમેરિકા દ્વારા ભારતમાંથી થતી આયાત પર ટેરિફ લાદવાની સત્તાવાર સૂચના જારી કરવામાં આવતા બજારમાં વેચવાલી નોંધાઈ હતી. ટેરિફની અસર અંગે વધતી ચિંતાઓ અને તેમાં ઘટાડો કે મુલતવી રાખવાની આશાઓ ઘટી જવાથી રોકાણકારોને મોટો ફટકો પડ્યો.

૩૦ શેરોવાળો બીએસઈ સેન્સેક્સ 2૦૦ થી વધુ પોઈન્ટ ઘટીને 81377.39  પર ખુલ્યો. ટ્રેડિંગ બાદ 849.37 પોઈન્ટ અથવા 1.04 ટકા ઘટીને 80786.54 પર બંધ થયો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી-50 પણ 24,899 ના ઘટાડા સાથે ખુલ્યા પછી ઇન્ડેક્સમાં વેચાણનો દબદબો રહ્યો. અંતે, તે 255.70 પોઈન્ટ અથવા 1.02 ટકા ઘટીને 24,712 ના સ્તરે બંધ થયો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 935 પોઇન્ટ ઘટીને 56766 પર બંધ થયો.

ખરેખર, ટ્રમ્પ ટેરિફ લાગુ થયા પહેલા બજારમાં દબાણ હતું. આ જ કારણ હતું કે મંગળવારે બજારમાં ચારે બાજુ વેચવાલી જોવા મળી હતી. છેલ્લા 3 મહિનામાં બજારમાં આ પહેલી વાર આટલી મોટી વેચવાલી છે. નિફ્ટીના 50 માંથી 40 શેર લાલ નિશાનમાં બંધ થયા. આમાં 4% સુધીનો ઘટાડો જોવા મળ્યો.

અમેરિકા દ્વારા જારી કરાયેલી નોટિસ પર રોકાણકારોએ આજે ​​પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ ભારતમાંથી આયાત પર કુલ 50 ટકા ટેરિફ લાદવા માટે સત્તાવાર સૂચના જારી કરી છે. આ નવો ટેરિફ 27 ઓગસ્ટ, 2025 ના રોજ રાત્રે 12:01 (EST) થી અમલમાં આવશે. યુએસ વહીવટીતંત્રનો દાવો છે કે રશિયા પાસેથી તેલ ખરીદીને, ભારત યુક્રેન યુદ્ધમાં મોસ્કોને પરોક્ષ રીતે નાણાકીય મદદ કરી રહ્યું છે. 

અમેરિકા દ્વારા 27 ઓગસ્ટથી 50 ટકા ટેરિફ અમલીને પગલે ભારતની 87 અબજ ડોલર (લગભગ 7.3 લાખ કરોડ રૂપિયા) ની યુએસ નિકાસ પર અસર પડી શકે છે. કાપડ, હીરા અને જ્વેલરી, ચામડું, દરિયાઈ ઉત્પાદનો, રસાયણો અને ઓટો સેક્ટર જેવા ઉદ્યોગો સૌથી વધુ પ્રભાવિત થશે. જોકે, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ અને ઉર્જા સંસાધનો જેવી કેટલીક મહત્વપૂર્ણ શ્રેણીઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ટોપ ગેનર્સ અને લૂઝર્સ

સેન્સેક્સની કંપનીઓમાં સન ફાર્માના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો, આ શેરમાં 3.15 ટકાન ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત ટાટા સ્ટીલ, ટ્રેન્ટ, બદાદ ફાઇનાન્સ, બજાજ ફીન સર્વ, રિલાયન્સ, ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, અદાણી પોર્ટ્સ, ટાઇટન, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને મહીન્દ્રા એન્ડ મહીન્દ્રાનો શેર ઘટ્યા હતાં. બજારમાં ઘટાડાનો માહોલ છતાં હિન્દુસ્તાન યુનિલિવરનો શેર 2.35% વધ્યો. મારુતિ, આઇટીસી, ટીસીએસ, અલ્ટ્રા સિમેન્ટના શેર લીલા નિશાનમાં રહ્યા.

નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1.62 ટકા અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 2.03 ટકા ઘટ્યો હતો. ક્ષેત્રીય મોરચે નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ સૌથી મોટો ઘટાડો હતો, જેમાં 2.24 ટકાનો ઘટાડો થયો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 1.67 ટકા, નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 1.66 ટકા અને નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 1.87 ટકા ઘટ્યો. ફક્ત નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 0.91 ટકાના વધારા સાથે બંધ થયો.

રોકાણકારોએ 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
ટ્રમ્પ ટેરિફને કારણે બજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને 6 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને 4,49,38,732 કરોડ રૂપિયા થયું. સોમવારે તે 4,55,41,312 કરોડ રૂપિયા હતું. આમ, રોકાણકારોની સંપત્તિમાં 6,02,579 કરોડ રૂપિયાનો ઘટાડો થયો.

ક્યા શેરોમાં એક્શન જોવા મળી

દવાઓના ભાવમાં ટ્રમ્પે ઘટાડો કર્યો હોવાના સમાચારો આવતા મંગળવારે ફાર્મા શેરોમાં વેચવાલી જોવા મળી હતી. જીએસટીના દરમાં ઘટાડાની અપેક્ષાએ એફએમસીજી શેરોમાં ખરીદી જોવા મળી હતી. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ આ ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતો સ્ટોક હતો. મૂડી બજાર સંબંધિત શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો. વોડાફોન આઈડિયા લગભગ 9 ટકા ઘટીને બંધ થયો. સરકારે આ કંપનીને કોઈ રાહત પેકેજ આપવાનો ઇનકાર કર્યો છે. મારુતિ સુઝુકી 1 ટકા ઘટીને બંધ થયો. બાઇક પર જીએસટીના દરમાં ઘટાડાની અપેક્ષાએ આઇશર મોટર્સ 3 ટકા વધીને બંધ થયો.

બજારમાં ઘટાડાના કારણો
(1) અમેરિકાના ટેરિફ પહેલા બજારમાં નકારાત્મક વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમેરિકા ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર 25% ટેરિફ લાદશે. આ ઉપરાંત, 25% વધારાની ડ્યુટી પણ લાદવામાં આવશે. ટ્રમ્પનો 50% ટેરિફ પણ 27 ઓગસ્ટથી લાગુ થઈ શકે છે.
(2) અમેરિકાના વેપાર વાટાઘાટકારોની ભારત મુલાકાત રદઃ- 25-29 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીની અમેરિકન વેપાર વાટાઘાટકારોની પ્રસ્તાવિત મુલાકાત રદ કરવામાં આવી છે. આનાથી ટેરિફ ઘટાડા અથવા સ્થગિત થવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. 50 ટકા ટેરિફનો અર્થ એ થશે કે, ભારતીય માલ પર અમેરિકામાં સૌથી વધુ ટેરિફ લાગશે. આનાથી વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા પ્રાદેશિક સ્પર્ધકોની તુલનામાં ભારતીય માલને નોંધપાત્ર નુકસાન થશે.
(3) નબળા વૈશ્વિક સંકેતો - એશિયન બજારો લાલ નિશાનમાં બંધ થયા હતાં. ગઈકાલે યુએસ બજારો પણ નીચા સ્તરે બંધ થયા, વાયદામાં નબળાઈ ચાલુ રહી. ઉભરતા બજારો (ઇમર્જિંગ માર્કેટ્સ) પર દબાણ વધ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફેડરલ રિઝર્વ વચ્ચે વધતા તણાવ વચ્ચે મોટાભાગના એશિયન ઇક્વિટી બેન્ચમાર્ક ડોલરની સાથે ઘટ્યા. જાપાનના નિક્કી (1.09 ટકા ઘટ્યા) અને દક્ષિણ કોરિયાના કોસ્પી (૦.86 ટકા ઘટ્યા) માં થયેલા ઘટાડાને કારણે એમએસસીઆઈ એસી એશિયા પેસિફિક ઇન્ડેક્સ ૦.7 ટકા ઘટ્યો.
(4) એફઆઇઆઇનું વેચાણ - સોમવારે, એફઆઇઆઇએ રૂપિયા 2,466 કરોડના શેર વેચ્યા. સતત આઉટફ્લોને કારણે સેન્ટિમેન્ટ અને લિક્વિડિટી પર દબાણ આવ્યું.
(5) રૂપિયો નબળો પડ્યો- રૂપિયો 22 પૈસા ઘટીને 87.78 થયો. આયાતકારો તરફથી ડોલરની માંગ અને ટેરિફ અનિશ્ચિતતાએ દબાણ વધાર્યું.
(6) વોલેટિલિટી ઇન્ડેક્સ- ઇન્ડિયા વીઆઇએક્સ  5 ટકાથી વધુ વધીને 12.38 પર પહોંચ્યો છે. રોકાણકારોમાં જોખમની ધારણા વધી છે.

આ સમાચાર શેર કરો