ભારત ત્રીજા સ્થાને પહોંચ્યું, ગયા મહિને ખરીદ્યું રૂ.722 કરોડનું સોનું
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના સોનાના ભંડારમાં ઝડપથી વધારો થયો છે. તેનું મુખ્ય કારણ હ

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના સોનાના ભંડારમાં ઝડપથી વધારો થયો છે. તેનું મુખ્ય કારણ હાલના સમયમાં સોનાની વધેલી ખરીદી છે. સોનાની ખરીદીનો આ ટ્રેક રેકોર્ડ હજુ પણ અકબંધ છે અને મે મહિના દરમિયાન પણ જંગી માત્રામાં સોનાની ખરીદી કરવામાં આવી છે.
માત્ર એક મહિનામાં આટલું સોનું ખરીદ્યું
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર, મે મહિના દરમિયાન ભારત વિશ્વમાં સોનાના ત્રીજા સૌથી મોટા ખરીદદાર તરીકે ઉભરી આવ્યું હતું. ગયા મહિને ભારતે 722 કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું હતું. જથ્થાના હિસાબે આ ખરીદી 45.9 ટન જેટલી થાય છે. આ દર્શાવે છે કે, ભારત હજુ પણ તેના સોનાના ભંડારને વધારવા માટે આક્રમક વલણ અપનાવી રહ્યું છે.
ભારત કરતાં આ દેશોએ ખરીદ્યું વધુ સોનું
ગયા મહિને સોનાની ખરીદીના મામલામાં માત્ર બે જ દેશ ભારતથી આગળ હતા. 312.4 ટન સોનું ખરીદીને સ્વિટ્ઝર્લેન્ડ પહેલા ક્રમે છે. મૂલ્યમાં આ ખરીદી રૂ. 2,461 કરોડ થાય છે. જ્યારે પાડોશી દેશ ચીન 2,109 કરોડ રૂપિયામાં 86.8 ટન સોનું ખરીદીને બીજા ક્રમે છે.
5 વર્ષમાં સોનાના ભંડારમાં થયો આટલો વધારો
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના સોનાના ભંડારમાં નોંધપાત્ર વધારો થયો છે. માર્ચ 2019માં ભારત પાસે 618.2 ટન સોનાનો ભંડાર હતો. માર્ચ 2014 સુધીમાં આ સ્ટોક વધીને 822.1 ટન થયો હતો. એટલે કે, છેલ્લા 5 વર્ષમાં ભારતના સોનાના ભંડારમાં 33 ટકાનો વધારો થયો છે.
રિઝર્વ બેંકના ગવર્નરે આપ્યું કારણ
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં કહ્યું હતું કે, દેશના વિદેશી મુદ્રા ભંડારને સ્થિરતા પ્રદાન કરવા અને પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવવા માટે વધુ સોનું ખરીદવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ડૉલરની અસ્થિરતાને કારણે રિઝર્વ બેંકે સોનાના ભંડારમાં વધારો કરવાની જરૂર અનુભવી હતી.
આ કારણે રોકાણકારો પસંદ કરે છે સોનું
સોનું પ્રાચીન સમયથી રોકાણકારો દ્વારા પસંદ કરવામાં આવે છે. આજના સમયમાં, સોનાને અનિશ્ચિત વાતાવરણમાં સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. આ જ કારણ છે કે જ્યારે પણ વિશ્વમાં ભૂ-રાજકીય તણાવની સ્થિતિ આવે છે ત્યારે સોનાની માગ વધે છે અને તેની કિંમત વધવા લાગે છે. રિઝર્વ બેંક સહિત અન્ય ઘણા દેશોની સેન્ટ્રલ બેંકો સોનાની સૌથી મોટી ખરીદદાર છે.








