Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Impact of Iran war on foreign exchange market, rupee hits historic high against dollar!

ઈરાન યુદ્ધની અસર હુંડિયામણ બજાર પર, ડોલર સામે રૂપિયો ઐતિહાસિક સપાટીએ પટકાયો!

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
ઈરાન યુદ્ધની અસર હુંડિયામણ બજાર પર, ડોલર સામે રૂપિયો ઐતિહાસિક સપાટીએ પટકાયો!
સોર્સ : GSTV

ઇરાન યુદ્ધના પગલે વધી રહેલ વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ક્રૂડ ઓઇલમાં ઉછળકૂદ ચાલુ રહેતાં તેની સીધી અસર આજે હુંડિયામણ બજારમાં રૂપિયા પર જોવા મળી હતી. ડોલર સામે રૂપિયો તૂટીને ઇન્ટ્રા-ડે ૯૫ના તળિયાની નજીક ૯૪.૮૫ના સ્તરે પટકાયા બાદ કામકાજના અંતે બાઉન્સબેક થઈ ૯૪.૭૭ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. પ્રતિકૂળ અહેવાલો પાછળ આજે શેરબજારમાં ચોમેરથી આવેલ વેચવાલીના દબાણ પાછળ ઝડપી પીછેહઠ થવા પામી હતી જેમાં સેન્સેક્સે ૨૦૨૬નો ત્રીજો મોટો એવો ૧૬૯૦ પોઇન્ટનો કડાકો નોંધાવ્યો હતો. જ્યારે નિફ્ટીમાં ૪૮૭ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું. સેન્સેક્સના કડાકાને પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૮.૮૬ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.

App Store

મુંબઈ  કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ તીવ્ર ઉછાળા વચ્ચે રૂ.૯૪ની સપાટી કુદાવી ઉંચામાં ભાવ  રૂ.૯૪.૮૫ સુધી ઉછળતાં રૂપિયો નવા નીચા તળિયે પટકાયો હતો. શેરબજારમાં ઝડપી ઘટાડો તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળી બેરલના ૧૧૦ ડોલર ઉપર ગયાના નિર્દેશો વચ્ચે ઘરઆંગણે રૂપિયો બેકફૂટ પર ધકેલાયો હતો. 

રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૩.૯૮ વાળા આજે સવારે રૂ.૯૪.૧૫ ખુલ્યા પછી ઉંચામાં રૂ.૯૪.૮૫ થઈ રૂ.૯૪.૭૭ રહ્યા હતા. ડોલરના ભાવ ૭૯ પૈસા ઉછળતાં રૂપિયો આજે વધુ ૦.૮૪ ટકા તૂટયો હતો. ડોલર ઉછળતાં દેશમાં આયાત થતા ક્રૂડતેલ, સોના-ચાંદી, કઠોળ, ખાદ્યતેલો વિ. સહિતની વિવિધ ચીજવસ્તુઓ મોંધી થવાની તથા વિદેશ પ્રવાસો અને વિદેશ શિક્ષણ પણ મોંઘું થવાની ગણતરી મૂકાઈ રહી છે. રૂપિયો ગબડતાં દેશના નિકાસકારોને ફાયદો થવાની ગણતરી પણ સૂત્રોએ દર્શાવી હતી. 

ઈરાન યુદ્ધના માહોલમાં ક્રૂડતેલ ઉછળી રહ્યું છે એ જોતાં રૂપિયો વધુ ગબડી નીચામાં રૂ.૯૫ તથા ૯૬ સુધી જતો રહેશે એવી ગણતરી વચ્ચે અમુક વર્ગ હવે રૂ.૧૦૦નું તળિયું જોવા મળશે એવી શક્યતા પણ બતાવતો થયો છે. દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે વધી ૧૦૦ પાર કરી ગયાના સમાચાર મળ્યા હતા.  વોર ઈફેકટ વચ્ચે વૈશ્વિક ડોલરમાં સેફ-હેવન બાઈંગ વધ્યાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ રહી હતી.

દરમિયાન,  બ્રિટીશ પાઉન્ડના ભાવ ૬૫ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૨૬.૩૧ થઈ રૂ.૧૨૬.૧૪ રહ્યા હતા. જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૧૨ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૦૯.૨૬ થઈ રૂ.૧૦૯.૧૬ રહ્યા હતા. રૂપિયા સામે આજે જાપાનની કરન્સી ૦.૫૩ ટકા ઉછળી હતી. ચીનની કરન્સી ૦.૬૫ ટકા ઉછળતાં ડોલર ઉપરાંત વિવિધ કરન્સીઓ સામે રૂપિયો ગબડતો જોવા મળ્યો હતો. 

આ વર્ષે રૂપિયો આશરે પાંચ ટકા તૂટયો છે. ઈરાન યુદ્ધ શરૂ થયા પછીના ગાળામાં રૂપિયો ૪ ટકા ગબડયો છે. ૨૦૨૫-૨૬ના નાણાંવર્ષમાં રૂપિયો ૧૧ ટકા તૂટયો છે. રૂપિયામાં આવો વાર્ષિક કડાકો છેલ્લે ૨૦૧૧-૧૨માં જોવા મળ્યો હતો, અને એ વખતે રૂપિયો ૧૪ ટકા ગબડયો હતો. 

દરમિયાન, મુંબઈ કરન્સી  બજારમાં રૂપિયો ગબડી રહ્યો હતો ત્યારે રિઝર્વ બેન્ક તથા વિવિધ સરકારી બેન્કોની બજારમાં હાજરી તથા સક્રિયતા પાંખી રહી હતી અને તેના પગલે રૂપિયામાં ધોવાણ વધ્યું હતું.  

ક્રૂડતેલના ભાવ ઉછળતાં વિશ્વના વિવિધ દેશોમાં ફુગાવો તથા મોંઘવારી વધ્યા છે અને આવા માહોલમાં હવે વૈશ્વિક સ્તરે  વ્યાજના દરમાં ઘટાડો થવાના બદલે વ્યાજના દરમાં વૃદ્ધિ થવાની શક્યતા વધતી જોવા મળી છે અને તેની અસર પણ આગળ ઉપર કરન્સી બજાર પર દેખાવાની ગણતરી તજજ્ઞો બતાવી રહ્યા હતા.

વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ક્રૂડ ઓઇલમાં ઉછળકૂદ ચાલુ રહેતાં ભારતીય શેરબજારમાં કામકાજના પ્રારંભથી જ ગભરાટભરી વેચવાલીનું દબાણ આવતા શેરોની જાતેજાતમાં ગાબડા નોંધાયા હતા. જેના પગલે કામકાજના અંતે સેન્સેક્સ ૧૬૯૦.૨૩ પોઇન્ટના કડાકા સાથે ૭૩,૫૮૩.૨૨ના મથાળે ઉતરી આવ્યો હતો જેમાં ઇન્ટ્રા-ડે સેન્સેક્સમાં ૧૭૩૯ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું. અને નિફ્ટી ૪૮૬.૮૫ પોઇન્ટ તૂટીને ૨૨,૮૧૯.૬૦ની સપાટીએ ઉતરી આવ્યો હતો. સેન્સેક્સના કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૮.૮૬ લાખ કરોડનું ધોવાણ થતા અંતે રૂ. ૪૨૨.૧૫ લાખ કરોડ રહી હતી.

ડાઉ જોન્સમાં 465 પોઈન્ટનું ગાબડું

અમદાવાદ : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઉર્જા માળખા પર સંભવિત હુમલાની સમયમર્યાદા વધુ ૧૦ દિવસ લંબાવી હોવા છતાં પ્રતિકૂળ અહેવાલો પાછળ અમેરિકી શેરબજારમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સમાં ૪૬૫ પોઈન્ટનું ગાબડું નોંઘાયું હતું.

ઈરાન પર હુમલાની સમયમર્યાદા લંબાવી હોવા છતાં વૈશ્વિક અસ્થિરતા વધવા સાથે  તણાવ ચાલુ રહેતાં ક્રૂડ ઓઇલના ભાવ વધીને ૧૧૧ ડોલર પહોંચ્યા હતા. ટ્રમ્પનું આ પગલું બજારોને શાંત કરવામાં નિષ્ફળ ગયું અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો જોવાયો હતો.

આ અહેવાલો પાછળ અમેરિકી શેરબજારમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સમાં ૪૬૫ પોઈન્ટનું ગાબડું નોંઘાતા તે ૪૫,૪૯૪ પર કાર્યરત હતો. જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ ૨૭૯ પોઈન્ટ તુટીને ૨૧,૧૨૮ પર કાર્યરત હતો.