MDR ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલીશું અથવા રોકડ વ્યવહાર કરીશું : UPIના નવા ચાર્જથી વેપારીઓનો બળાપો

નવી દિલ્હી: ₹2,000થી વધુના UPI (Unified Payments Interface) ટ્રાન્ઝેક્શન પર 0.40 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાની જાહેરાત બાદ દેશમાં વેપારીઓ અને ઉદ્યોગજગતમાં ચર્ચા તેજ બની છે. દુકાનદારો, વેપારીઓ, પેટ્રોલ પંપ ડીલરો, સ્ટોક બ્રોકર્સ સહિતના અનેક વર્ગોએ આ ચાર્જ સામે વાંધો વ્યક્ત કર્યો છે. વેપારીઓનું કહેવું છે કે આ વધારાનો ખર્ચ તેમના નફાના માર્જિનને અસર કરશે અને અંતે તેનો બોજ ગ્રાહકો પર આવી શકે છે. કેટલાક વેપારીઓએ તો ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલવાની અથવા UPIના બદલે રોકડ વ્યવહાર વધારવાની વાત પણ કરી છે.
ડિજિટલ પેમેન્ટ (Digital Payment)ને પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે વેપારીઓ માટે MDRનો વધારાનો ખર્ચ મુશ્કેલી ઊભી કરી શકે છે. વેપારીઓના મતે મોંઘવારી અને બજારમાં વધતી સ્પર્ધા વચ્ચે પહેલેથી જ નફાનું માર્જિન ઓછું છે. આવી સ્થિતિમાં 0.40 ટકા MDR પણ તેમના માટે નોંધપાત્ર ખર્ચ બની શકે છે. તેમનું કહેવું છે કે ચાર્જ સીધો ગ્રાહકો પાસેથી લેવામાં ન આવે તો પણ વેપારના માર્જિન પર તેની અસર પડશે.
એક વેપારીએ GST લાગુ કરાયો તે સમયનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અગાઉ પણ કરનો બોજ અંતે ગ્રાહકો સુધી પહોંચ્યો હતો. તેમનું માનવું છે કે MDRનો ખર્ચ પણ વેપારીઓ લાંબા સમય સુધી પોતે સહન નહીં કરી શકે. જો UPI વ્યવહારો મોંઘા બનશે તો કેટલાક વેપારીઓ ફરીથી રોકડ (Cash) વ્યવહાર તરફ વળી શકે છે. આ સ્થિતિ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના પ્રયાસો માટે પડકારરૂપ બની શકે છે.
એક ફાર્મા કંપનીના ડિરેક્ટર રાહુલ મમ્મને MDRથી કંપની પર થનારી સંભવિત અસર અંગે જણાવ્યું કે ઓછા માર્જિનવાળા વ્યવસાયો માટે આ ચાર્જ મોટો આર્થિક બોજ બની શકે છે. તેમના જણાવ્યા મુજબ, બે-ત્રણ ટકા જેટલું માર્જિન ધરાવતી કંપનીઓ માટે 0.40 ટકા MDRથી કુલ વેપાર પર નોંધપાત્ર અસર થઈ શકે છે. તેમણે દાવો કર્યો કે તેમની કંપની પર વાર્ષિક આશરે રૂ.1.2 કરોડનો વધારાનો બોજ પડી શકે છે. નિયમમાં ફેરફાર નહીં થાય તો કંપની UPI પેમેન્ટ સ્વીકારવાનું મર્યાદિત કરવાનો વિચાર કરી શકે છે.
બીજી તરફ, નાણામંત્રાલયે MDRને કારણે રોકડ વ્યવહાર મોટા પ્રમાણમાં વધી જવાની આશંકાને નકારી કાઢી છે. સરકારના જણાવ્યા મુજબ MDRની અસર UPI ટ્રાન્ઝેક્શનના માત્ર આશરે ચાર ટકા વોલ્યુમ સુધી મર્યાદિત રહેશે. સાથે જ RuPay ડેબિટ કાર્ડ પર કોઈપણ રકમના નાણાકીય વ્યવહાર માટે ચાર્જ નહીં હોવાની વાત પણ જણાવાઈ છે. ગ્રાહકો પર MDRનો બોજ ન પડે તે માટે મોનિટરિંગ મિકેનિઝમ તૈયાર કરવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. આ માટે UPI એપ્સ અને અન્ય હિસ્સેદારો સાથે નાણામંત્રાલયે વાતચીત શરૂ કરી છે.
દરમિયાન નીતિ આયોગના વાઈસ ચેરમેન અશોક કુમાર લાહિડીએ UPI પર MDRના નિર્ણયનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે સરકાર ટેક્સ અને ચાર્જ વિના ચાલી શકે નહીં અને આ મામૂલી ચાર્જ છે. તેમના જણાવ્યા મુજબ, ₹100ના ટ્રાન્ઝેક્શન પર માત્ર 40 પૈસાનો ખર્ચ થાય છે. જોકે, તેમના આ નિવેદન બાદ MDRને લઈને ચાલી રહેલા વિવાદમાં વધુ ચર્ચા શરૂ થઈ છે.

