VIDEO: તહેવારો પહેલાં BISનો મોટો નિર્ણય; હોલમાર્કિંગ ચાર્જમાં 67%નો વધારો, ગ્રાહકો પર શું અસર થશે?
તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં જ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા હોલમાર્કિંગ ચાર્જમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આ ચાર્જમાં 67 ટકા જેટલો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે હવે પચાસ રૂપિયાથી વધારીને હોલમાર્કિંગ ચાર્જ 75 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. અગાઉ આ ચાર્જ 45 રૂપિયા હતો.
ગ્રાહકો પર શું થશે અસર?
સરકારી નોટિફિકેશન મુજબ, આ ચાર્જ સીધા ગ્રાહકો પાસેથી લેવાનો રહેતો નથી અને તે માત્ર સોની (જ્વેલર્સ) દ્વારા જ ચૂકવવામાં આવે છે. તેથી, સામાન્ય ગ્રાહકો પર તેની સીધી કોઈ અસર પડતી નથી. 75 રૂપિયાની આ ફીસ જ્વેલર્સ દ્વારા હોલમાર્કિંગ સેન્ટર્સને ચૂકવવામાં આવે છે.
ગ્રાહકો પાસેથી કેવી રીતે વસૂલી શકે ચાર્જ?
જો જ્વેલર્સ ઈચ્છે તો આ 30 રૂપિયાનો વધારાનો ખર્ચ પોતાની મેળે લઈ શકે છે અથવા તો તેને દાગીનાના મેકિંગ ચાર્જ તથા ઓવરઓલ પ્રાઇસિંગમાં જોડીને ગ્રાહકો પાસેથી વસૂલી શકે છે.
બીઆઈએસ (BIS)ને કેટલી રકમ મળશે?
સરકારી નોટિફિકેશનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હોલમાર્કિંગ સેન્ટર્સ દ્વારા સોનાના પ્રતિ આર્ટિકલ પર 7.50 રૂપિયા (કંસાઈનમેન્ટ દીઠ ઓછામાં ઓછા 20 રૂપિયા) અને ચાંદીના પ્રતિ આર્ટિકલ પર 3.50 રૂપિયા (કંસાઈનમેન્ટ દીઠ ઓછામાં ઓછા 15 રૂપિયા) બીઆઈએસને ચૂકવવા પડશે, જેમાં ટેક્સ અલગથી લાગુ થશે.
કયા નિયમોમાં નથી કરાયો ફેરફાર?
આ નવા ફેરફારો વચ્ચે સોનાના કંસાઈનમેન્ટની લઘુત્તમ ફી 200 રૂપિયા જ યથાવત રાખવામાં આવી છે, એટલે કે એક કંસાઈનમેન્ટ પર ઓછામાં ઓછા 200 રૂપિયા જ ચૂકવવા પડશે. આ ઉપરાંત, ચાંદીના નિયમોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ચાંદીની વસ્તુઓ માટે હોલમાર્કિંગ ફી પ્રતિ આર્ટિકલ 35 રૂપિયા સ્થિર રાખવામાં આવી છે અને તેના માટેનું કંસાઈનમેન્ટ ચાર્જ 150 રૂપિયા જ છે.

