VIDEO: શું હવે 2,000 થી વધુના UPI પેમેન્ટ પર ગ્રાહકોને ફટકો પડશે? વિપક્ષી સાંસદના નિવેદનથી કેન્દ્ર સરકાર સામે ખળભળાટ!
યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે રાજકીય વિરોધ તેજ બન્યો છે. રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી (RSP)ના સાંસદ એન.કે. પ્રેમચંદ્રને આ નિર્ણયને ‘જનવિરોધી’ ગણાવતા ચેતવણી આપી છે કે આખરે આનો આર્થિક બોજ સામાન્ય ગ્રાહકો પર જ આવીને પડશે. તેમણે આ નિર્ણયની પુનઃસમીક્ષા કરી તેને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે.
ગ્રાહકો પર પરોક્ષ બોજ વધશે: પ્રેમચંદ્રનનો દાવો
સરકાર એવી દલીલ કરી રહી છે કે આ ચાર્જ સામાન્ય ગ્રાહકો પાસેથી નહીં પરંતુ વેપારીઓ પાસેથી લેવામાં આવશે. જોકે, સાંસદ એન.કે. પ્રેમચંદ્રને આ દાવાને નકારી કાઢતા જણાવ્યું હતું કે કોઈ પણ વેપારી આ ખર્ચ પોતાના નફામાંથી ભોગવવાનો નથી. વેપારીઓ આ વધારાનો બોજ સીધો જ ગ્રાહકો પર ટ્રાન્સફર કરશે. ₹2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા ચાર્જ (જે મહત્તમ ₹ 300 પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદિત છે) આખરે સામાન્ય ગ્રાહકના ખિસ્સા પર જ બોજ નાખશે.
સરકારની નીતિમાં વિરોધાભાસ
પ્રેમચંદ્રને કેન્દ્ર સરકારની બેવડી નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, એક તરફ સરકાર દેશમાં ડિજિટલ પેમેન્ટ અને કેશલેસ ઇકોનોમીને જોરશોરથી પ્રોત્સાહન આપી રહી છે, જ્યારે બીજી તરફ જે પ્લેટફોર્મ દેશની કરોડરજ્જુ બની ગયું છે તેના પર જ ચાર્જ લાદવામાં આવી રહ્યો છે. આ બંને બાબતો એકબીજાથી સંપૂર્ણ વિરોધાભાસી છે. આ પ્રકારના પગલાંથી લોકો ફરીથી રોકડ તરફ વળી શકે છે, જે ડિજિટલ ઇન્ડિયાના લક્ષ્યને નુકસાન પહોંચાડશે.
નિર્ણય પાછો ખેંચવાની માંગ
સંસદીય સ્થાયી સમિતિમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. સાંસદે સ્પષ્ટ કર્યું છે કે ડિજિટલ સેવાઓને જનસુલભ રાખવી જરૂરી છે, અને વેપારીઓ પર વસૂલાતો નવો દર પરોક્ષ રીતે મોંઘવારી વધારશે. તેથી સરકારે જનહિતમાં આ નિર્ણયની સમીક્ષા કરીને ૧૫ ઓક્ટોબરથી લાગુ થનારા આ નિયમને તત્કાળ રદ કરવો જોઈએ.

