મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

માત્ર બે કલાકમાં ચેકના નાણાં મેળવવાનો નિર્ણય સરકારે રાખ્યો મુલતવી, જાણો કારણ

RBI ની 8 ઓગસ્ટ, 2024માં કરેલી જાહેરાત મુજબ પહેલી જાન્યુઆરી 2025થી બેન્કમાં આપેલા ચેકના નાણાં

માત્ર બે કલાકમાં ચેકના નાણાં મેળવવાનો નિર્ણય સરકારે રાખ્યો મુલતવી, જાણો કારણ

RBI ની 8 ઓગસ્ટ, 2024માં કરેલી જાહેરાત મુજબ પહેલી જાન્યુઆરી 2025થી બેન્કમાં આપેલા ચેકના નાણાંની ક્રેડિટ બે જ કલાકમાં મળી જવાની ખાતરી આપતી સિસ્ટમનો અમલ સરકારે મુલતવી રાખી દીધો છે. આઠમી ઓગસ્ટની આ જાહેરાત રિઝર્વ બેન્કના ગવર્નરે કરી તે પછી ડિજિટલ ઈકોનોમિ એટલે કે મોબાઈલ પેમેન્ટ કે પછી ઓનલાઈન પેમેન્ટની વ્યવસ્થા પર બ્રેક લાગી જવાનો ભયો હતો. પરિણામે સંભવતઃ બે કલાકમાં ચેકના નાણાંની ક્રેડિટ કે ડેબિટ થવાની સિસ્ટમનો અમલ મુલતવી રાખવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો: અદાણીને મોટો ઝટકો, તમિલનાડુ સરકારે સ્માર્ટ મીટરનું ટેન્ડર રદ કર્યું; જાણો કારણ

બેન્કોને નથી મળી ગાઇડલાઈન

બે કલાકમાં નાણાં જમા આપી દેવાની વ્યવસ્થા કરી દેવા માટે ઓગસ્ટ 2024 પછી બેન્કોને અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાને સૂચના પણ આપી દેવામાં આવી હતી. પરંતુ, પહેલી જાન્યુઆરી 2025 પહેલા રિઝર્વ બેન્ક તરફથી આ માટેની ગાઈડલાઈન્સ જ બેન્કોને આપવામાં આવી નથી. આમ સમગ્ર આયોજનનું ટાંય ટાંય ફીસ થઈ ગયું છે. 

રિઝર્વ બેન્કની નવી સૂચનાની રાહ

જોકે ઓગસ્ટ 2024માં કરવામાં આવેલી જાહેરાત હેઠળ પહેલી જાન્યુઆરી 2025થી કન્ટિન્યુઅસ ક્લિયરિંગ સિસ્ટમ ચાલુ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન હેઠળ બેન્કમાં ક્લિયરિંગ માટે જમા આપેલા ચેકની રકમ બે કલાકમાં ખાતેદારના ખાતામાં જમા મળી જાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. પરિણામે કોઈપણ ખાતેદારે ખાતામાં બેલેન્સ ન હોય તો ચેક ઈશ્યૂ ન કરવો તેવી ચેતવણી પણ આપવાની શરૂ કરી દેવામાં આવી હતી. જેથી લોકોએ એટલે કે બેન્કના ખાતેદારોએ પણ આ માટેની માનસિક તૈયારી કરવા માંડી હતી. સહકારી બેન્કિંગના ક્ષેત્રની એપેક્સ બેન્કે સહકારી બેન્કોની સૂચના આપી છે કે, રિઝર્વ બેન્ક નવી સૂચના ન આપે ત્યાં સુધી બે કલાકમાં ચેક ક્લિયર કરીને નાણાં જમા આપવાની સિસ્ટમ લાગુ પડશે નહીં.

આ પણ વાંચો: નવા વર્ષની શરૂઆત રોકાણ સાથે કરો, સરકારી ગેરંટી સાથે મળશે નિશ્ચિત વળતર

જોકે, પહેલી જાન્યુઆરીથી આ સિસ્ટમ લાગુ કરી દેવા માટેની ગાઈડલાઈન્સ રિઝર્વ બેન્ક તરફથી હજી સુધી આપવામાં જ નથી આવી. પરિણામે સહકારી બેન્કોને પણ બે કલાકમાં ચેક ક્લિયર કરવાની વ્યવસ્થાનો પહેલી જાન્યુઆરીખી અમલ ચાલુ કરવાની સૂચના મળી જ નથી. આ સંજોગોમાં બે કલાકમાં ચેકના નાણાં ક્લિયર કરી આપવાની વ્યવસ્થાના અમલમાં પહેલાં પગલે જ અવરોધ આવ્યો છે. પરંતુ, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં નવી વ્યવસ્થાને કારણે બ્રેક લાગી જવાની દહેશત ઉભી થતાં આ નિર્ણયનો અમલ મુલતવી રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ જ કારણસર રિઝર્વ બેન્ક તરફથી ગાઇડલાઈન્સ જાહેર ન કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. 

આ સમાચાર શેર કરો