સરકારી તિજોરી છલોછલ, સતત ચોથા મહિને જીએસટી આવક રૂ. બે લાખ કરોડને પાર પહોંચી

સરકારી તિજોરી છલોછલ, સતત ચોથા મહિને જીએસટી આવક રૂ. બે લાખ કરોડને પાર પહોંચી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

તહેવારોની મોસમમાં સરકારના ખજાનામાં પણ ધન વર્ષા થઈ રહી છે. ઓક્ટોબર મહિનામાં સરકારની તિજોરી છલકાઈ છે. સરકારને જીએસટી કલેક્શન સ્વરૂપે કુલ રૂ. ૨.૩૧ લાખ કરોડની આવક થઈ છે, જે વાર્ષિક ધોરણે જીએસટી કલેક્શનમાં લગભગ ૨૩ ટકાની વૃદ્ધિ દર્શાવે છે, જે છેલ્લા ચાર વર્ષમાં નોંધાયેલો સૌથી ઝડપી વૃદ્ધિદર છે. સરકારને સતત ચોથા મહિને જીએસટી કલેક્શન લગભગ રૂ. ૨ લાખ કરોડથી વધુ રહ્યું છે.એટલું જ નહીં ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ ૨૦૨૬ પછી ઓક્ટોબરમાં બીજું સૌથી વધુ રૂ. ૨.૩૧ લાખ કરોડનું જીએસટી કલેક્શન થયું છે. વધુમાં સાત મહિનામાં સરકારને કુલ રૂ. ૧૪.૭૮ લાખ કરોડની આવક થઈ છે.


નાણામંત્રાલયે જણાવ્યું કે, ઓક્ટોબર ૨૦૨૬માં કુલ જીએસટી કલેક્શન રૂ. ૨.૩૧ લાખ કરોડ થયું હતું. ઓક્ટોબરમાં જીએસટી સંગ્રહ વધવાનું સૌથી મોટું કારણ તહેવારોની મોસમમાં બજારની વધતી માગ રહી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જીએસટી કલેક્શન ૨૨.૯૦ ટકા વધ્યું છે જ્યારે સપ્ટેમ્બર ૨૦૨૬ની સરખામણીમાં ૧૪.૭ ટકાનો વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ રૂ. ૨.૪૩ લાખ કરોડનું જીએસટી કલેક્શન થયું હતું. ત્યાર પછી ઓક્ટોબર જીએસટી આવકનો બીજો સૌથી મોટો મહિનો છે. જીએસટી કલેક્શન છેલ્લા ચાર મહિનામાં સતત વધ્યું છે. જીએસટી કલેક્શન જૂનમાં ૧૩.૯ ટકા, જુલાઈમાં ૧૫.૪ ટકા, ઓગસ્ટમાં ૧૪.૩ ટકા, સપ્ટેમ્બરમાં ૧૪.૭ ટકા વધ્યું હતું.

જાહેરાત


નાણામંત્રાલયે કહ્યું કે, ઓક્ટોબરમાં આયાતથી મળેલી કુલ આવક રૂ. ૭૨,૨૪૬ કરોડ રહી, જે પાછલા વર્ષના સમાન સમય કરતાં ૪૨.૨ ટકા વધુ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આયાતથી રૂ. ૫૦,૭૯૬ કરોડની આવક થઈ હતી. જોકે, ઘરેલુ બજારમાંથી જીએસટી કલેક્શનમાં તેજી જોવા મળી છે, પરંતુ તે આયાતની સરખામણીમાં ઓછી છે. સરકારને ઘરેલુ બજારમાંથી કુલ રૂ. ૧.૫૯ લાખ કરોડની જીએસટી આવક થઈ છે, જે ગયા વર્ષે ઓક્ટોબરની ૧.૩૭ લાખ કરોડ હતી. આમ ઘરેલુ બજારના જીએસટી કલેક્શનમાં ૧૫.૮ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.


નાણામંત્રાલયે જણાવ્યું કે, રૂ. ૨.૩૧ લાખ કરોડના જીએસટી કલેક્શનમાં સેન્ટ્રલ જીએસીટી રૂ. ૪૨,૯૩૫ કરોડ, સ્ટેટ જીએસટી રૂ. ૫૧,૩૪૦ કરોડ અને ઈન્ટેગ્રેટેડ જીએસટી કલેક્શન રૂ. ૧.૩૭ લાખ કરોડથી વધુ હતું. સરકારે ઓક્ટોબરમાં રૂ. ૨૭,૯૩૪ કરોડનું રિફન્ડ આપ્યું છે, જે વાર્ષિક ધોરણે ૬.૫ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. રિફન્ડ એડજસ્ટ કર્યા પછી સરકારને જીએસટી સ્વરૂપે ઓક્ટોબરમાં રૂ. ૨.૦૩ લાખ કરોડની ચોખ્ખી આવક થઈ છે. નાણામંત્રાલયના આંકડા મુજબ એપ્રિલ-ઓક્ટોબરમાં કુલ જીએસટી કલેક્શન ૧૩.૨ ટકા વધીને રૂ. ૧૪.૭૭ લાખ કરોડ થયું છે જ્યારે નેટ કલેક્શન ૧૩ ટકા વધીને રૂ. ૧૨.૬૯ લાખ કરોડ થયું છે. નાણામંત્રાલયે કહ્યું કે, જીએસટીની આવકમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશનો હિસ્સો સૌથી વધુ રહ્યો હતો. મહારાષ્ટ્રમાંથી જીએસટીની કમાણી ૧૩ ટકા વધીને સૌથી વધુ રૂ. ૩૫,૧૫૦ કરોડ થઈ. કર્ણાટકમાં ૧૮ ટકાની વૃદ્ધિ સાથે કુલ રૂ. ૧૫,૯૨૨ કરોડ, ગુજરાતમાં ૧૬ ટકાના વધારા સાથે રૂ. ૧૩,૫૧૬ કરોડ જીએસટી કલેક્શન થયું હતું. જીએસટી કલેક્શન ઉત્તર પ્રદેશમાંથી રૂ. ૧૦,૨૩૫ કરોડ, હરિયાણામાંથી રૂ. ૧૧,૫૨૯ કરોડ, દિલ્હીમાંથી રૂ. ૯,૨૯૮ કરોડ, પંજાબમાંથી રૂ. ૨,૮૫૬ કરોડ રહ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત