Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : gasoline affordability index global petrol spending

અહીં પેટ્રોલ સૌથી સસ્તું અને કમાણી બમ્પર, ભારતની શું છે સ્થિતિ? પાકિસ્તાન સહિત આ દેશોની હાલત ખરાબ

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
અહીં પેટ્રોલ સૌથી સસ્તું અને કમાણી બમ્પર, ભારતની શું છે સ્થિતિ? પાકિસ્તાન સહિત આ દેશોની હાલત ખરાબ
સોર્સ : gstv

Income spent on petrol: ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે મોંઘવારી વધી રહી છે અને દુનિયાભરમાં પેટ્રોલની કિંમતો સતત આસમાને આંબી રહી છે. હાલમાં જ ભારતમાં પેટ્રોલની કિંમતમાં રૂ. 3નો વધારો થતાં જ ભારે હોબાળો મચી ગયો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના વિરોધમાં ગિગ વર્કર્સ (ડીલવરી બોયઝ, કેબ ડ્રાઇવર્સ વગેરે) હડતાલ પર ઉતરી ગયા છે, કારણ કે પેટ્રોલ પાછળ થતો આ ખર્ચ સીધો તેમની કમાણી પર ફટકો મારે છે. આ સ્થિતિ વચ્ચે એક મોટો સવાલ એ થાય છે કે કોઈ પણ દેશના સામાન્ય નાગરિકને પોતાની માસિક કમાણીનો કેટલો હિસ્સો માત્ર પેટ્રોલ પુરાવવામાં ખર્ચવો પડે છે?

App Store

ગ્લોબલ પેટ્રોલ પ્રાઇસીસનો 'ગેસોલિન એફોર્ડેબિલિટી' રિપોર્ટ

આ જ બાબતને સમજવા માટે ગ્લોબલ પેટ્રોલ પ્રાઇસીસ ડૉટ કોમ (globalpetrolprices.com) દ્વારા એક 'ગેસોલિન એફોર્ડેબિલિટી' (Gasoline Affordability) રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દુનિયાભરના દેશોની સરખામણી કરીને દર્શાવવામાં આવ્યું છે કે 40 લીટર પેટ્રોલ પુરાવવા માટે એક સામાન્ય વ્યક્તિએ પોતાની માસિક આવકના કેટલા ટકા ખર્ચ કરવા પડે છે. આ રિપોર્ટ તૈયાર કરવા માટે વર્લ્ડ બેન્કના માથાદીઠ જીડીપી (per capita GDP)ના આંકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જો કોઈ દેશમાં 40 લીટર પેટ્રોલ પુરાવવા માટે મહિનાની કમાણીના 10% ખર્ચ થતા હોય, તો તેનો અર્થ એ છે કે સામાન્ય માણસની આવકનો દસમો ભાગ માત્ર એક ટાંકી પેટ્રોલ પાછળ જતો રહે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ દર મહિને રૂ. 20,000 કમાય છે, તો તેના રૂ. 2,000 માત્ર પેટ્રોલમાં જ વપરાઈ જાય છે.

મ્યાનમાર, પાકિસ્તાન અને નેપાળની સ્થિતિ અત્યંત ગંભીર

આ વૈશ્વિક રિપોર્ટ અનુસાર, ભારતના પાડોશી દેશોની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. મ્યાનમાર, પાકિસ્તાન અને નેપાળમાં 40 લીટર પેટ્રોલ પુરાવવા માટે લોકોએ પોતાની આખા મહિનાની કમાણીનો 47% થી લઈને 52% સુધીનો મોટો હિસ્સો ખર્ચવો પડે છે. એટલે કે, લોકોની અડધી કમાણી તો માત્ર વાહનમાં ઇંધણ પુરાવવામાં જ સાફ થઈ જાય છે! આ દેશોમાં એક તો લોકોની આવક ઓછી છે અને બીજી તરફ પેટ્રોલ ખૂબ મોંઘું છે, જેના કારણે મધ્યમ વર્ગના પરિવારો માટે ખાનગી વાહન ચલાવવું એ એક મોટો આર્થિક બોજ બની ગયું છે.

ભારતની શું છે સ્થિતિ? 

આ લિસ્ટમાં ભારત પણ ઘણો નીચે જોવા મળે છે, જે ચિંતાજનક બાબત છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં 40 લીટર પેટ્રોલ પુરાવવા માટે એક સરેરાશ વ્યક્તિએ પોતાની માસિક આવકનો આશરે 8%થી 10% જેટલો હિસ્સો ખર્ચવો પડે છે. આ આંકડો દર્શાવે છે કે વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં પેટ્રોલ સામાન્ય નાગરિકોના ઘરના બજેટ પર ખૂબ જ ભારે અસર પાડી રહ્યું છે.

આ દેશોમાં પેટ્રોલ સૌથી સસ્તું અને કમાણી બમ્પર

દુનિયામાં કેટલાક એવા નસીબદાર દેશો પણ છે જ્યાં લોકોને પેટ્રોલનો ભાવ બિલકુલ નડતો નથી. કતાર અને કુવૈત જેવા દેશોમાં 40 લીટર પેટ્રોલ પુરાવવા માટે લોકોની માસિક આવકનો માત્ર 1%થી 2% જેટલો નજીવો હિસ્સો જ ખર્ચાય છે. આ જ યાદીમાં અમેરિકા, લક્ઝમબર્ગ અને સાઉદી અરેબિયા પણ મોખરે છે. આ દેશોમાં લોકોની સરેરાશ આવક ઘણી વધારે છે અને સાથે જ સ્થાનિક સ્તરે જ મોટા પ્રમાણમાં ઓઇલનું ઉત્પાદન થતું હોવાથી ત્યાં પેટ્રોલ ઘણું સસ્તું મળી રહે છે.

યુરોપમાં પેટ્રોલ મોંઘું હોવા છતાં લોકો પર ઓછી અસર

રિપોર્ટનો સૌથી રસપ્રદ પક્ષ યુરોપના દેશોનો છે. નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ અને જર્મની જેવા દેશોમાં પેટ્રોલની કિંમતો ઘણી ઊંચી છે, પરંતુ તેની સામે ત્યાંના નાગરિકોની કમાણી (ઇન્કમ) પણ ખૂબ જ વધારે છે. આ દેશોમાં 40 લીટર પેટ્રોલ પુરાવવા માટે લોકોએ પોતાની માસિક આવકના માંડ 2%થી 4% જેટલો જ ભાગ ખર્ચવો પડે છે. પરિણામે, પેટ્રોલ મોંઘું હોવા છતાં ત્યાંના સામાન્ય લોકો પર કોઈ ખાસ આર્થિક દબાણ કે તણાવ જોવા મળતો નથી.