મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

બેન્કિંગ સેક્ટરમાં મોટા ફેરફારના સંકેત! લોનથી લઈને AI સુધી સમીક્ષા, કેન્દ્રએ રચી 6 સભ્યોની સમિતિ

બેન્કિંગ સેક્ટરમાં મોટા ફેરફારના સંકેત! લોનથી લઈને AI સુધી સમીક્ષા, કેન્દ્રએ રચી 6 સભ્યોની સમિતિ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દેશના બેન્કિંગ ક્ષેત્ર (Banking Sector)માં મોટા માળખાકીય અને નીતિગત ફેરફારોની દિશામાં કેન્દ્ર સરકારે મહત્વનું પગલું ભર્યું છે. નાણા મંત્રાલયે દેશની બેન્કિંગ વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે છ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિની અધ્યક્ષતા પૂર્વ કેન્દ્રીય તકેદારી કમિશનર (Central Vigilance Commissioner-CVC) સુરેશ એન. પટેલ કરશે. સમિતિને બેન્કિંગ ક્ષેત્રના નિયમો, મૂડીની જરૂરિયાત, લોન વિતરણ, ડિજિટલ ટેક્નોલોજી અને સાયબર સુરક્ષા સહિતના મુદ્દાઓની સમીક્ષા કરીને સુધારાઓ સૂચવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘વિકસિત ભારત માટે ઉચ્ચસ્તરીય બેન્કિંગ સમિતિ’ (High Level Committee on Banking for Viksit Bharat)ને પોતાનો અહેવાલ રજૂ કરવા માટે છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. એટલે કે એપ્રિલ 2027 સુધીમાં સમિતિએ ભલામણો રજૂ કરવાની રહેશે. તેનો મુખ્ય ઉદ્દેશ ભારતીય બેન્કોને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવાનો અને વિકસતી અર્થવ્યવસ્થાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ બનાવવાનો છે.

સુરેશ એન. પટેલ બન્યા સમિતિના અધ્યક્ષ

સુરેશ એન. પટેલને બેન્કિંગ ક્ષેત્રમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ છે. તેઓ અગાઉ આંધ્ર બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (MD અને CEO) રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પણ કામગીરી કરી છે. બાદમાં તેમણે કેન્દ્રીય તકેદારી કમિશનર તરીકે જવાબદારી સંભાળી હતી.

સમિતિમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ડેપ્યુટી ગવર્નર શિરીષ ચંદ્ર મુર્મુ, ઇન્ડિયન બેન્કનાં પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને CEO પદ્મજા ચૂંદરુ તથા RBIના પૂર્વ ડેપ્યુટી ગવર્નર એન. એસ. વિશ્વનાથનનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલયના નાણાકીય સેવા વિભાગના જોઈન્ટ સેક્રેટરી આ સમિતિના સભ્ય સચિવ તરીકે કામગીરી કરશે.

બેન્કિંગ નિયમો અને મૂડીની જરૂરિયાતની સમીક્ષા થશે

સમિતિનું એક મહત્ત્વનું કામ બેન્કોની મૂડીની જરૂરિયાત (Capital Requirements)નું મૂલ્યાંકન કરવાનું રહેશે. બેન્કો, વિકાસલક્ષી નાણાકીય સંસ્થાઓ (DFIs) અને નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs)ને ભવિષ્યમાં વધુ ધિરાણ આપવા માટે કેટલી મૂડીની જરૂર પડશે અને તેના માટે ભંડોળ ક્યાંથી ઊભું કરી શકાય, તે અંગે ભલામણો કરવામાં આવશે.

આ ઉપરાંત બેન્કોની મૂડી ઊભી કરવાની ક્ષમતા, જોખમનું સંચાલન (Risk Management) અને ધિરાણની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા પર પણ ધ્યાન આપવામાં આવશે. નિષ્ણાતોના મતે, દેશના વધતા રોકાણ અને ઉદ્યોગોની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે બેન્કો પાસે પૂરતી મૂડી અને યોગ્ય નિયમનકારી માળખું હોવું જરૂરી છે.

ખેડૂતો અને નાના ઉદ્યોગોને લોન આપવાની નીતિમાં ફેરફાર?

સમિતિ પ્રાથમિકતા ક્ષેત્ર ધિરાણ (Priority Sector Lending-PSL)ની વર્તમાન નીતિની પણ સમીક્ષા કરશે. આ વ્યવસ્થા હેઠળ બેન્કોએ કૃષિ, નાના ઉદ્યોગો, નબળા વર્ગો અને અન્ય પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને ચોક્કસ પ્રમાણમાં લોન આપવાની હોય છે.

સમિતિ તપાસશે કે આ નીતિ ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી ધિરાણ પહોંચાડવામાં કેટલી અસરકારક છે. ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો, માઇક્રો એન્ટરપ્રાઇઝિસ તથા નબળા વર્ગોને લોન સરળતાથી મળી રહે તે માટે નવા સૂચનો આપવામાં આવી શકે છે.

આ ઉપરાંત લીડ બેન્ક યોજના (Lead Bank Scheme)ની પણ સમીક્ષા થશે. આ યોજનાનો હેતુ વિવિધ વિસ્તારોમાં બેન્કિંગ સેવાઓ અને ધિરાણની ઉપલબ્ધતા સુધારવાનો છે. બદલાતી આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમાં સુધારા સૂચવવામાં આવશે.

સરકારી બેન્કોના વિલીનીકરણનો મુદ્દો પણ ચર્ચામાં

સમિતિની સત્તાવાર જવાબદારીમાં બેન્કોના વિલીનીકરણ (Bank Consolidation) અંગે સ્પષ્ટ ઉલ્લેખ નથી. જોકે, તાજેતરમાં વડાપ્રધાનના મુખ્ય સચિવ-2 શક્તિકાંત દાસે કહ્યું હતું કે ભારતે એવી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ ઊભી કરવાની જરૂર છે, જે કદ, મજબૂતી અને આંતરરાષ્ટ્રીય હાજરીની દૃષ્ટિએ વિશ્વની અગ્રણી બેન્કો સાથે સ્પર્ધા કરી શકે.

આ નિવેદનને સરકારી બેન્કોના વધુ વિલીનીકરણની સંભાવના સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. જોકે, સમિતિ આ અંગે શું ભલામણ કરે છે તે તેના અંતિમ અહેવાલ બાદ જ સ્પષ્ટ થશે.

બેન્કિંગ ક્ષેત્રમાં AI અને ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ વધશે

આજના સમયમાં બેન્કિંગ વ્યવસ્થા ઝડપથી ડિજિટલ બની રહી છે. ઓનલાઇન બેન્કિંગ, મોબાઇલ એપ્લિકેશન, ડિજિટલ પેમેન્ટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ વધી રહ્યો છે. સમિતિ બેન્કોમાં નવી ટેક્નોલોજી અપનાવવા માટે રોડમેપ તૈયાર કરશે.

સાથે જ ડિજિટલ વ્યવસ્થામાં વધતા સાયબર જોખમો (Cyber Risks) સામે સુરક્ષા મજબૂત કરવા માટે પણ સૂચનો આપવામાં આવશે. બેન્કિંગ કર્મચારીઓને નવી ટેક્નોલોજી માટે તાલીમ આપવા, કુશળ કર્મચારીઓની ભરતી કરવા અને તેમની ક્ષમતા વધારવા અંગે પણ ભલામણો થઈ શકે છે.

વિદેશી રોકાણ અને મોટી બેન્કો માટે નવા રસ્તા ખુલશે?

સમિતિ બેન્કિંગ ક્ષેત્રમાં ખાનગી અને વિદેશી રોકાણ (Foreign Investment) વધારવા સાથે જોડાયેલા મુદ્દાઓની પણ સમીક્ષા કરી શકે છે. તેમાં મોટી કંપનીઓને બેન્કિંગ ક્ષેત્રમાં પ્રવેશ આપવો જોઈએ કે નહીં, મોટા શેરધારકોના મતદાન અધિકારો પરની 26 ટકાની મર્યાદા અને બેન્કોમાં વિદેશી સીધા રોકાણ (FDI) માટેની મંજૂરી પ્રક્રિયા સરળ બનાવવી જેવા મુદ્દાઓ સામેલ છે.

આ ઉપરાંત મોટી NBFC કંપનીઓને યોગ્ય નિયમનકારી સુરક્ષા હેઠળ બેન્કમાં રૂપાંતરિત કરવાની શક્યતા અંગે પણ ઉદ્યોગજગતમાં ચર્ચા છે. જોકે, આ તમામ મુદ્દાઓ સમિતિની અંતિમ ભલામણો અને સરકારના નિર્ણય પર નિર્ભર રહેશે.

ભારતના બેન્કિંગ ક્ષેત્રની હાલની સ્થિતિ

હાલમાં ભારતમાં 12 જાહેર ક્ષેત્રની બેન્કો (Public Sector Banks), 21 ખાનગી બેન્કો (Private Sector Banks), 11 સ્મોલ ફાઇનાન્સ બેન્કો અને પાંચ પેમેન્ટ બેન્કો કાર્યરત છે.

વર્ષ 2000 પછી RBIએ કોટક મહિન્દ્રા બેન્ક, યસ બેન્ક, બંધન બેન્ક અને IDFC બેન્કને યુનિવર્સલ બેન્કિંગ લાઇસન્સ આપ્યાં હતાં. IDFC બેન્ક બાદમાં IDFC ફર્સ્ટ બેન્ક બની હતી. ગયા વર્ષે AU સ્મોલ ફાઇનાન્સ બેન્કની યુનિવર્સલ બેન્કમાં રૂપાંતરિત થવાની અરજીને પણ RBIએ મંજૂરી આપી હતી.

આ સમગ્ર સમીક્ષાનો હેતુ ભારતની બેન્કિંગ વ્યવસ્થાને વધુ મજબૂત, આધુનિક અને વૈશ્વિક સ્પર્ધા માટે સક્ષમ બનાવવાનો છે. સમિતિના અહેવાલ બાદ બેન્કિંગ નિયમો, લોન વિતરણ, મૂડી રોકાણ અને ડિજિટલ સેવાઓમાં કેવા ફેરફારો થાય છે તેના પર સમગ્ર નાણાકીય ક્ષેત્રની નજર રહેશે.

 

આ સમાચાર શેર કરો