દિવાળી ટાણે ખાંડ પણ મોંઘી, મહિનામાં પ્રતિ કિલોએ 4 રૂપિયા વધ્યા

દિવાળી પર્વને આડે હવે 2-3 દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે બજારમાં મોંઘવારીનો જાણે વિસ્ફોટ થયો છે. અમૂલ ઘી-બટરની સાથે સાથે CNGના ભાવ વધ્યા ત્યાં સામાન્ય વર્ગના ખિસ્સા પર વધુ એક સીધો આર્થિક બોજ પડ્યો છે. છેલ્લા એક મહિનાના ટૂંકા ગાળામાં જ ખાંડના ભાવમાં પ્રતિ કિલો રૂ. 4નો વધારો ઝીંકાયો છે. મોં મીઠા કરવાના દિવસોમાં સામાન્ય જનતાને ખાંડના કડવા ઘૂંટડા ગળવાનો વારો આવ્યો છે.
મોંઘવારીના કારણે દિવાળીની ઉજવણી ફીકી બની
છેલ્લા કેટલાક દિવસોમાં રોજિંદી વપરાશની ચીજવસ્તુઓ જેવી કે ઘી, દાળ, ચોખા સહિત રાંધણગેસના ભાવમાં કમરતોડ વધારો નોંધાયો છે. આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલના પણ ભાવ વધ્યા છે જેથી આ વખતે દિવાળીની ઉજવણી ફીકી બની છે.સ્થાનિક કક્ષાએ છૂટક બજારોમાં સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં કેટલીક જગ્યાએ ગુણવત્તાના આધારે ખાંડનો ભાવ રૂ. 65 પ્રતિ કિલોના આંકડા સુધી પહોંચી ચૂક્યો છે. બીજી તરફ, મુખ્ય જથ્થાબંધ બજારોમાં પણ સરેરાશ ભાવ રૂ. 55.40 પ્રતિ કિલોની સપાટીએ જોવા મળી રહ્યો છે.
12 મહિનામાં જ ખાંડ રૂ.15 મોંઘી થઈ
તહેવારોમાં મીઠાઈઓ, ચોકલેટ અને પારંપરિક પકવાનોની અતિશય માગ વચ્ચે બજારમાં ખાંડનો પુરવઠો ઓછો થવાના લીધે આ કિંમતો સતત ઊંચકાઈ રહી છે. છેલ્લા એક વર્ષના બજારના વલણ પર નજર કરીએ તો ખાંડના ભાવમાં નોંધપાત્ર અને ચિંતાજનક વધારો સ્પષ્ટપણે જોઈ શકાય છે. બરાબર એક વર્ષ પહેલાં છૂટક બજારમાં ખાંડનો સરેરાશ ભાવ રૂ. 49 પ્રતિ કિલો આસપાસ હતો. આમ, માત્ર બાર મહિનાના ગાળામાં જ ખાંડ રૂ. 15 જેટલી મોંઘી થઈ ગઈ છે.
તહેવાર ટાણે ભાવ વધારાથી બજેટ ખેરવાયું
તહેવારોના ટાણે જ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સ્થાનિક હોલસેલ વેપારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે મિલ સ્તરેથી સપ્લાય મર્યાદિત રહ્યો છે અને તેની સામે તહેવારોના કારણે અચાનક માંગ બમણી થઈ ગઈ છે.










