મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ચેક જમા કરાવ્યાના બે જ કલાકમાં નાણા આપી દેવાની જાહેરાત પોકળ, 4-4 દિવસથી રઝળી રહ્યા છે બેંક ખાતેદારો

ચોથી ઓક્ટોબરથી ચેક જમા કરાવ્યાના બે જ કલાકમાં નાણા જમા આપી દેવાની મોટે ઉપાડે જાહેરાત તો કરી દેવામાં આવી, પરંતુ ખાત

ચેક જમા કરાવ્યાના બે જ કલાકમાં નાણા આપી દેવાની જાહેરાત પોકળ, 4-4 દિવસથી રઝળી રહ્યા છે બેંક ખાતેદારો

ચોથી ઓક્ટોબરથી ચેક જમા કરાવ્યાના બે જ કલાકમાં નાણા જમા આપી દેવાની મોટે ઉપાડે જાહેરાત તો કરી દેવામાં આવી, પરંતુ ખાતેદારોને તેમના ડેબિટ થઈ ગયેલા નાણા ચાર કે પાંચ દિવસ સુધી જમા મળતા જ નથી. પરિણામે ખાતેદારોની નારાજગી વધી રહી છે. 

તેમના કર્મચારીઓને પગાર ચૂકવવાના ગણિતો પણ ખોરવાઈ ગયા છે. કર્મચારીઓને પગાર ચૂકવવાની તારીખ વીતી ગયા છતાં પૈસા જમા નથી મળ્યા. આમ બેંકની ક્લિયરિંગ સિસ્ટમની ખામીને પરિણામે કર્મચારીઓના પગાર ચૂકવવામાં પણ વિલંબ થયો છે.

પંજાબ નેશનલ બેંકમાં સોમવારે ચેક જમા કરાવ્યો હતો. મંગળવારે સામી પાર્ટીના એકાઉન્ટમાંથી ચેક ડેબિટ થઈ ગયો હતો. ગુરુવાર સુધી ચેક જમા મળ્યો જ નથી. બીજી તરફ ઈન્ડિયન ઓવરસીઝ બેંકના ખાતાઓમાં પણ રકમ જમા નથી મળતી. દરેક બેંકનો સ્ટાફ હેડ ઓફિસનો સંપર્ક કરી લેવા ખાતેદારને જણાવી રહ્યો છે. 

ખાતેદાર પણ આરંભિક સમસ્યા સમજીને વધુ પડતા પ્રમાણમાં ફરિયાાદ નથી કરતા. બે કલાકને બદલે બે દિવસ કે ચાર દિવસે પણ ચેકના નાણા જમા નથી મળતા. અમદાવાદના જ સાયન્સ સિટી વિસ્તારમાં એક ખાતેદારે 26થી 27 લાખના મૂલ્યના અંદાજે 3થી 4 ચેક ચાર દિવસ પહેલા જમા કરાવ્યા હતા. 

આ ચેક જે બેંકના હતા તે બેંકના ખાતામાંથી ડેબિટ થઈ ગયા છે. પરંતુ આજે આટલા દિવસે પણ તે બેંક ઓફ બરોડાની સાયન્સ સિટી બ્રાન્ચના ખાતેદારના ખાતામાં જમા નથી મળ્યા. આ અંગે બેંક ઓફ બરોડાની સાયન્સ સિટી બ્રાન્ચના મેનેજરનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, 'આ અંગે તમે અમારી હેડ ઓફિસનો સંપર્ક કરીને વિગતો માંગી લો.'

બીજી તરફ કોન્સન્ટ ક્લિયરિંગના આજના પાંચમા દિવસે પણ બેંક કર્મચારીઓને રાતના બાર બાર વાગ્યા સુધી બેંકમાં બેસી રહેવું પડે છે. ચેકના ક્લિયરિંગ માટે કેટલી રકમ અલગથી રાખવી તે અંગે પણ નિશ્ચિતતા હોતી નથી. ભૂતકાળમાં સાંજે સાત વાગ્યા પહેલા જ બધા ચેક ક્લિયરિંગમાં આવી જતા હોવાથી તેઓ ખૂટતી રકમ તેમની ખાનગી બેંકમાંની રકમમાંથી મંગાવી લેતા હતા. 

હવે સાત વાગ્યે તમામ બેંક બંધ થઈ જતી હોવાથી ક્લિયરિંગના ચેક વધુ રકમના આવે તો તકલીફ ન પડે તે હેતુથી જરૂર કરતાં વધુ રકમ અલગ રાખવાની ફરજ પડી રહી છે. સામાન્ય સંજોગમાં ક્લિયરિંગ માટે તેઓ બે કરોડ રાખી મૂકતા હોય તો અત્યારના સંજોગોમાં ત્રણથી ચાર કરોડ અલગથી રાખવા પડી રહ્યા છે. પરિણામે કેશ રિઝર્વ રેશિયોનો ભંગ થવાની સમસ્યા પણ તેમને નડી શકે છે. તેમણે કેશ રિઝર્વ રેશિયો પેટે બેંકની કુલ થાપણના ત્રણ ટકા રકમ CRRમાં ફરજિયાત રાખવી પડે છે.

તેથી બેંક જ કોન્સન્ટ ક્લિયરિંગ કરવા નથી ઈચ્છતી. તેઓ ક્લિયરિંગમાં નાણા આવી ગયા પછી બે દિવસ સુધી જમા ન આપીને તે નાણાનો પોતાના અંગત હેતુ માટે ઉપયોગ કરતા આવ્યા છે. આ સંજોગોમાં બે કલાકના ક્લિયરિંગની સિસ્ટમ તેમના હિતમાં ન હોવાથી તેઓ નેશનલ પેમેન્ટ કોર્પોરેશનને તેને માટે જવાબદાર ઠેરવી રહ્યા છે. 

તેઓ RTGS અને NEFTની સિસ્ટમ પર અને ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ પર જ મદાર બાંધવા જણાવી રહ્યા છે. તેથી જ બેંક તરફથી કેટલાક મેસેજ ખાતેદારોને મોકલવામાં આવી રહ્યા છે કે મેસેજમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે NPCIમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી ચેક ટ્રન્કેશન સિસ્ટમ હેઠળ ક્લિયરિંગમાં વિલંબ થઈ રહ્યો છે. આ સ્થિતિમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી દેવાની સૂચના છે.

આ સમાચાર શેર કરો