GST સ્લેબમાં થશે મોટા ફેરફાર, કેન્દ્ર સરકારે 5 ટકા અને 18 ટકા સ્લેબ કરવા કરી ભલામણ
પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી GST અંગે મોટી જાહેરાતો કરતા કહ્યું કે, દિવાળી સુધીમાં GSTમાં નવ

પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી GST અંગે મોટી જાહેરાતો કરતા કહ્યું કે, દિવાળી સુધીમાં GSTમાં નવા સુધારાઓ કરવામાં આવશે. લોકોને ટેક્સમાં રાહત મળે તેવા પ્રયાસો સાથે જીએસટી દર લાગુ કરવામાં આવશે. હાલના જીએસટી દરમાં મોટા પ્રમાણમાં ઘટાડો થશે. આ જાહેરાતના અનુસંધાને સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્રએ GST કાઉન્સિલના મંત્રી જૂથને પ્રસ્તાવ મૂક્યો છે કે GSTના 5 ટકા અને 18 ટકા એમ ફક્ત બે સ્લેબ હોવા જોઈએ.
ભારતના નાણાં મંત્રાલયે શુક્રવાર, 15 ઓગસ્ટ 2025 ના રોજ જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકારે નાગરિકો પર ટેક્સ રાહત આપવાના પ્રયાસો કરવા અંતર્ગત ત્રણ મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને માલ અને સેવા કર (GST) સુધારા પ્રસ્તાવિત કર્યા છે. X પર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં નાણા મંત્રાલયે પીએમ મોદીની સ્વતંત્રતા દિવસ 2025 ની જાહેરાતને સમજાવતા કહ્યું કે, આવનારા સુધારા માળખાકીય અને જીવનની સરળતાના સ્તંભો પર આધારિત જીએસટી હશે.
કેન્દ્ર સરકારે જીએસટીના દરોને વધુ સરળ બનાવવા તેમાં સુધારો કરવાનો પ્રસ્તાવ જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કરી દીધો છે. જીએસટીના નવા દરો અને સ્લેબમાં ફેરફારોની જાહેરાત દિવાળી સુધી થઈ શકે છે. જેનો સીધો લાભ ખેડૂતો, મહિલાઓ, મધ્યમ વર્ગ સહિતના તમામ લોકોને મળશે. જીએસટી લાગુ થયાના આઠ વર્ષમાં સરકારનું કલેક્શન દરમહિને લગભગ 2 લાખ કરોડથી વધ્યું છે.
પ્રસ્તાવના મુખ્ય મુદ્દાઓ:
હાલના 12% GST સ્લેબમાં રહેલી 99 ટકા વસ્તુઓ 5 ટકા સ્લેબમાં ખસેડવાની ભલામણ
28% સ્લેબમાં રહેલી લગભગ 90 વસ્તુઓે 18 ટકા સ્લેબમાં લઈ જવી
કેન્દ્રએ સુધારેલી GST સિસ્ટમ હેઠળ 5 ટકા અને 18 ટકા દરનો પ્રસ્તાવ મૂક્યો
સુધારેલી GST સિસ્ટમમાં સામાન્ય માણસની વસ્તુઓ અને દૈનિક ઉપયોગની વસ્તુઓ પર 5 ટકા કર લાદવામાં આવશે: સરકારી સૂત્રો
સુધારેલી સિસ્ટમમાં તમાકુ ઉત્પાદનો પર 40 ટકા GST લાદવામાં આવશે.
પેટ્રોલિયમ ઉત્પાદનો હાલ GST સિસ્ટમની બહાર રહેશે: સ્ત્રોતો
સરકારને આશા છે કે GST સુધારાથી વપરાશમાં મોટો વધારો થશે, જે મહેસૂલ નુકસાનની ભરપાઈ કરશે
GST સ્લેબમાં ફેરફાર કરવાની ભલામણ
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, એવું પણ કહેવામાં આવ્યું છે કે 28% GST સ્લેબમાં સમાવિષ્ટ 90% વસ્તુઓ 18% GST સ્લેબમાં ટ્રાન્સફર કરવી જોઈએ. આ ઉપરાંત, 12% GST સ્લેબમાં સમાવિષ્ટ 99 ટકા વસ્તુઓને 5 ટકા GST સ્લેબમાં ટ્રાન્સફર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જોકે, કેન્દ્રએ કહ્યું છે કે ગુટખા, પાન મસાલા વગેરે જેવી હાનિકારક વસ્તુઓના સ્લેબમાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ.
કેન્દ્રએ એમ પણ કહ્યું છે કે રેફ્રિજરેટર, એસી, વોશિંગ મશીન જેવા ઇલેક્ટ્રોનિક મશીનોને 40 ટકા શ્રેણીમાં ન રાખવા જોઈએ. ફક્ત 5થી 7 વસ્તુઓને જ 40 ટકા GST શ્રેણીમાં રાખવી જોઈએ.








