Budget 2024: આ છે દેશના એવા નાણાપ્રધાન જે ક્યારેય રજૂ ન કરી શક્યા બજેટ, જાણો શું હતું કારણ
દેશના બજેટ સાથે જોડાયેલો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે

દેશના બજેટ સાથે જોડાયેલો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરશે. પરંતુ શું તમે ભારતના એવા નાણા મંત્રીઓ વિશે જાણો છો, જેઓ નાણામંત્રી તો રહ્યા પરંતુ ક્યારેય બજેટ રજૂ કરી શક્યા નથી. આમાં પહેલું નામ કેસી નિયોગીનું છે, જ્યારે બીજું નામ એચએન બહુગુણાનું છે. ચાલો જાણીએ શું થયું કે આ બે પૂર્વ નાણામંત્રી પોતાના કાર્યકાળ દરમિયાન બજેટ રજૂ કરી શક્યા ન હતા.
આજે આવશે દેશનું સામાન્ય બજેટ
દેશનું સામાન્ય બજેટ આજે રજૂ થવા જઈ રહ્યું છે. સોમવારે વડાપ્રધાનના ભાષણ બાદ સંસદનું બજેટ સત્ર શરૂ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સતત ત્રીજી વખત સરકાર બની છે અને મોદી 3.0નું આ પહેલું બજેટ છે. આ વખતે બજેટમાં ઘણી મોટી જાહેરાતો થવાની આશા છે. સંપૂર્ણ સમય નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ સતત સાતમું બજેટ હશે.
કે. સી. નિયોગીએ બજેટ રજૂ કર્યું ન હતું
હવે વાત કરીએ બજેટ ઈતિહાસમાં સમાવિષ્ટ એવા બે નાણાપ્રધાનોની, જેઓ આ પદ ધરાવતા હોવા છતાં તેમના કાર્યકાળ દરમિયાન કોઈ બજેટ રજૂ કરી શક્યા નથી. તો સૌથી પહેલું નામ આવે છે પૂર્વ નાણામંત્રી ક્ષિતિશ ચંદ્ર નિયોગીનું, જેઓ નાણામંત્રી પદ પર તો રહ્યા પરંતુ દેશનું સામાન્ય બજેટ રજૂ કરી શક્યા ન હતા. વાસ્તવમાં, તેમણે વર્ષ 1948માં માત્ર 35 દિવસ માટે નાણામંત્રીનું પદ સંભાળ્યું હતું. તેમણે આર. કે. સન્મુખમ ચેટ્ટીની જગ્યાએ આ જવાબદારી સંભાળી હતી, પરંતુ 35 દિવસ પછી તેમણે રાજીનામું આપ્યું હતું. આ દરમિયાન તેમને બજેટ રજૂ કરવાની તક મળી ન હતી.
સ્વતંત્ર ભારતના બીજા નાણાપ્રધાન હતા નિયોગી
કે.સી. નિયોગીએ ખૂબ જ ટૂંકા ગાળા માટે નાણા પ્રધાન તરીકે સેવા આપી હતી અને તેઓ સ્વતંત્ર ભારતના બીજા નાણાપ્રધાન હતા. નાણામંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ જોન મથાઈએ નાણા મંત્રાલયનું કામ સંભાળ્યું અને દેશના ત્રીજા નાણામંત્રી બન્યા. આ પછી મથાઈએ સંસદમાં તે નાણાકીય વર્ષનું બજેટ ભાષણ રજૂ કર્યું.
આ યાદીમાં એચ. એન. બહુગુણા પણ સામેલ
બજેટ રજૂ ન કરી શકનારા નાણાપ્રધાનોની યાદીમાં આગળનું નામ હેમવતી નંદન બહુગુણા (એચ. એન. બહુગુણા)નું છે, જેમણે આ પદ સંભાળ્યું હતું પરંતુ તેમને પણ સામાન્ય બજેટ રજૂ કરવાની તક મળી ન હતી. બહુગુણાની સ્થિતિ કે. સી. નિયોગી જેવી જ હતી, કારણ કે તેમનો કાર્યકાળ માત્ર સાડા પાંચ મહિનાનો જ રહ્યો હતો. હેમવતી નંદન બહુગુણા વર્ષ 1979માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સરકારમાં નાણામંત્રી બન્યા હતા, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન પણ બજેટ રજૂ થઈ શક્યું ન હતું.








