જલદી કરો! સોનું ખરીદવાનો ઉત્તમ સમય, ભાવમાં ફરી ઉછાળાના સંકેત, જાણો શું છે કારણો
અમેરિકી ડોલર નબળો પડતાં તેમજ અમેરિકાના જોબ ડેટા અપેક્ષા મુજબ જારી થવાના અંદાજ સાથે સોના-ચાંદીમાં ખરીદી વધી છે.

અમેરિકી ડોલર નબળો પડતાં તેમજ અમેરિકાના જોબ ડેટા અપેક્ષા મુજબ જારી થવાના અંદાજ સાથે સોના-ચાંદીમાં ખરીદી વધી છે. સ્થાનીય સ્તરે સોનાના ભાવમાં ધીમા ધોરણે ફરી પાછા ઉંચકાઈ રહ્યા છે. આજે સોનાની કિંમત રૂ. 700 વધી હતી. અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવ રૂ. 600 વધ્યા છે. ગઈકાલે અમદાવાદમાં સોનું રૂ. 200 વધી રૂ. 74,800 પ્રતિ 10 ગ્રામ થયા છે. જે અગાઉના શુક્રવારે 74200 પ્રતિ 10 ગ્રામ હતું. ચાંદી પણ 90,000નું લેવલ પાર કરીને પાછી બે દિવસથી રૂ. 91,000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહી છે. આજે સોનાનો ભાવ 75,000 ક્રોસ થાય તેવી શક્યતા જોવા મળી છે.
એમસીએક્સ ગોલ્ડ (5 ઓગસ્ટ વાયદો) રૂ. 170 વધી રૂ. 72537 પ્રતિ 10 ગ્રામ અને એમસીએક્સ ચાંદી રૂ. 527 વધી રૂ. 92419 થઈ હતી. વૈશ્વિક બજારોના સથવારે સ્થાનિક સ્તરે પણ સોનાના ભાવ વધવાની વકી છે. હવે ફરી પાછી લગ્ન અને તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. જેથી સોના-ચાંદીમાં ખરીદી વધશે, જેથી ભાવમાં ઉછાળો નોંધાવાના સંકેતો કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે.
વૈશ્વિક સ્તરે સતત બીજા સપ્તાહે સોનામાં તેજી
અમેરિકાના મજબૂત ડેટા અને સપ્ટેમ્બરથી ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની શરૂઆત થવાના અહેવાલ સાથે વૈશ્વિક સ્તરે સોનું કોન્સોલિડેશન મોડમાંથી બહાર આવ્યું છે. સતત બીજા સપ્તાહે સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યું છે. અમેરિકી જોબ ડેટા પોઝિટિવ આવતાં કિંમતી ધાતુમાં ખરીદી વધવાનો અંદાજ કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે.
ડોલર સામે રૂપિયો 5 પૈસા સુધર્યો
આજે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સવારના સેશનમાં 5 પૈસા મજબૂત બની 83.45 પર ટ્રેડ થઈ રહ્યો છે. વિદેશી રોકાણમાં વૃદ્ધિ અને ડોલર નબળો પડતાં રૂપિયામાં સુધારો જોવા મળ્યો છે. રૂપિયો આજે ડોલર સામે 83.48 પર ખૂલ્યા બાદ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલે 83.50 પર બંધ રહ્યો હતો. Dollar Index ઘટી 104.98 થયો હતો. જે બાદમાં 105 થયો હતો.






