પેટ્રોલ-ડીઝલ અને LPG બાદ હવે આ રાજ્યમાં દૂધના ભાવમાં પણ વધારો, લિટર દીઠ ₹3 વધ્યા

પેટ્રોલ, ડીઝલ અને LPG બાદ હવે દૂધના ભાવમાં પણ વધારો થયો છે. ઉનાળાની ઋતુમાં પશુ આહારના વધતા ભાવને કારણે મધ્યપ્રદેશના અનેક સ્થળોએ વિક્રેતાઓએ બુધવારથી દૂધના છૂટક ભાવમાં બે થી ચાર રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. વિક્રેતાઓના એક સંગઠનના અધિકારીએ આ માહિતી આપી હતી. મધ્યપ્રદેશ દૂધ વિક્રેતા મહાસંઘના અધ્યક્ષ ભારત મથુરાવાલાએ જણાવ્યું હતું કે ઈન્દોર, ઉજ્જૈન, ધાર, દેવાસ, ભોપાલ, જબલપુર અને અન્ય સ્થળોએ ખુલ્લા દૂધના છૂટક ભાવમાં બે થી ચાર રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે.
ઈન્દોરમાં કેટલો થયો ભાવ?
મથુરાવાલાએ જણાવ્યું હતું કે, "ઈન્દોરમાં જે છૂટક દૂધ 60 રૂપિયે લિટર વેચાતું હતું, તે હવે 63 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે." તેમણે વધુમાં ઉમેર્યું કે અન્ય શહેરોમાં સ્થાનિક પરિસ્થિતિ મુજબ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું, "ઉનાળાની ઋતુ દરમિયાન લીલા ઘાસચારાની અછત અને પશુ આહારના ભાવમાં વધારાને કારણે અમારે દૂધના ભાવ વધારવા પડ્યા છે. ઉનાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પણ કુદરતી રીતે ઘટી જાય છે."
શું અમૂલ અને મધર ડેરી ભાવ વધારશે?
અમૂલ અને મધર ડેરી જેવી કંપનીઓ દૂધના ભાવ વધારશે કે કેમ તે અંગે અત્યાર સુધી કોઈ અપડેટ નથી. આ કંપનીઓએ છેલ્લે ગત વર્ષે 1 મેના રોજ દૂધના ભાવમાં વધારો કર્યો હતો.
LPG મોંઘો થયો
આજથી એટલે કે 1 એપ્રિલથી કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 195.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 2,078.50 રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ, ગત મહિને ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો હતો, જેના કારણે તેનો રેટ 913 રૂપિયા થયો છે.
પેટ્રોલ-ડીઝલ થયા મોંઘા
આજથી જ ખાનગી ફ્યુઅલ રિટેલર કંપની 'શેલ ઈન્ડિયા' (Shell India Fuel Price Hike) એ પોતાના આઉટલેટ્સ પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો કર્યો છે. આ પહેલા 'નાયરા એનર્જી' (Nayara Energy Petrol Price) પણ તેલના ભાવ વધારી ચૂકી છે.
બેંગલુરુમાં શેલ આઉટલેટ્સ પર પેટ્રોલના ભાવમાં લિટર દીઠ ₹7.41નો વધારો થયો છે. હવે સામાન્ય પેટ્રોલની કિંમત ₹119.85 અને પ્રીમિયમ પાવર વેરિઅન્ટની કિંમત ₹129.85 પ્રતિ લિટર થઈ ગઈ છે. ડીઝલના ભાવમાં તેનાથી પણ વધુ ₹25.01 પ્રતિ લિટરનો તોતિંગ વધારો થયો છે. સામાન્ય ડીઝલ વધીને ₹123.52 અને પ્રીમિયમ ડીઝલ ₹133.52 પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.
આ અગાઉ શેલે કેટલાક સ્ટેશનો પર પેટ્રોલમાં ₹2 થી ₹2.50 પ્રતિ લિટરનો વધારો કર્યો હતો અને ત્યારબાદ આ રેટ ₹108.50 થયા હતા. જ્યારે ડીઝલની કિંમત ₹93.50 સુધી વધારી હતી.

