Auto News / ઉનાળામાં તમારી કાર બની શકે છે અગનગોળો, અંદર રાખેલી આ 5 વસ્તુઓ નોતરી શકે છે મોટી હોનારત

ઉનાળામાં કાર માત્ર મુસાફરીનું સાધન નથી રહેતી, પરંતુ ધોમધખતા તડકામાં ઊભી રાખવામાં આવે ત્યારે તે એક બંધ ભઠ્ઠી જેવી બની જાય છે. બહારનું તાપમાન ભલે 35°C હોય, પરંતુ બંધ ગાડીની અંદર માત્ર અડધા કલાકમાં તાપમાન 50 થી 60°C સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં કારની અંદર રાખેલી કેટલીક સામાન્ય વસ્તુઓ પણ મોટું જોખમ બની શકે છે. જો તમે રોડ ટ્રીપ કે રોજિંદા વપરાશ દરમિયાન બેદરકારી દાખવો છો, તો તે તમારી ગાડી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
પાણીની બોટલ પણ બની શકે છે જોખમી
આ સાંભળવામાં કદાચ વિચિત્ર લાગે, પરંતુ પ્લાસ્ટિકની પાણીની બોટલ આગનું કારણ બની શકે છે. ખરેખર, પાણીથી ભરેલી બોટલ સૂર્યના કિરણોને એક બિંદુ પર કેન્દ્રિત કરે છે, બરાબર તેમ જ જેમ બિલોરી કાચ (મેગ્નિફાઈંગ ગ્લાસ) કરે છે. જ્યારે આ કિરણો સીટ અથવા કાપડ પર ફોકસ થાય છે, ત્યારે ત્યાં ઝડપથી ગરમી વધે છે અને થોડી જ વારમાં ધુમાડો નીકળી શકે છે, જે આગનું સ્વરૂપ લઈ શકે છે.
ચશ્મા અને લેન્સનું જોખમ
ડેશબોર્ડ પર રાખેલા ચશ્મા કે સનગ્લાસ પણ આ જ પ્રકારનું જોખમ ઊભું કરે છે. તેના લેન્સ સૂર્યપ્રકાશને એક જગ્યાએ એકત્ર કરી શકે છે, જેનાથી ડેશબોર્ડ અથવા અન્ય પ્લાસ્ટિકની સપાટી ગરમ થઈને પીગળી શકે છે અથવા આગ પકડી શકે છે.
ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી સાવધાન
મોબાઈલ ફોન, પાવર બેંક અને લેપટોપ જેવા ઉપકરણોમાં લિથિયમ-આયન બેટરી હોય છે, જે વધુ ગરમી સહન કરી શકતી નથી. વધુ તાપમાનમાં આ બેટરીઓ ફૂલી શકે છે અને થર્મલ રનઅવેની સ્થિતિમાં પહોંચીને ફાટી પણ શકે છે. ખાસ કરીને ડેશબોર્ડ પર આ વસ્તુઓ રાખવી વધુ જોખમી છે, કારણ કે ત્યાં સીધો તડકો પડે છે.
સેનિટાઇઝર અને પરફ્યુમ પણ ખતરનાક
સેનિટાઇઝરમાં રહેલું આલ્કોહોલ અત્યંત જ્વલનશીલ હોય છે. ગરમીના કારણે તે ઝડપથી બાષ્પીભવન પામીને આગ પકડી શકે છે. તેવી જ રીતે પરફ્યુમ કે એર ફ્રેશનરના કેન દબાણ હેઠળ હોય છે. વધુ તાપમાન થવા પર તેમના ફાટવાનું જોખમ વધી જાય છે, જેનાથી કારમાં આગ લાગી શકે છે. જેથી ઉનાળામાં કારની અંદર એવી કોઈ પણ વસ્તુ ન છોડો જે ગરમીમાં પ્રતિક્રિયા આપી શકે. થોડી સાવધાની તમારી ગાડી અને તમારી સુરક્ષા બંને સુનિશ્ચિત કરી શકે છે.

