શું ભારતમાં વિકિપીડિયા પર લાગશે પ્રતિબંધ? દિલ્હી હાઈકોર્ટની ચેતવણી બાદ કંપનીએ આપ્યું નિવેદન
દિલ્હી હાઈકોર્ટે વિકિપીડિયા પર પ્રતિબંધ લગાવવાની ચેતવણી આપી હતી

દિલ્હી હાઈકોર્ટે વિકિપીડિયા પર પ્રતિબંધ લગાવવાની ચેતવણી આપી હતી, ત્યારબાદ વિકિપીડિયાએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. વાસ્તવમાં, વિકિપીડિયા સંબંધિત એક કેસની કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. વિકિપીડિયા પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે, તેના પર આપવામાં આવેલી માહિતી સાચી નથી અને બદનક્ષીભરી છે. આ પછી કોર્ટે વિકિપીડિયા પર પ્રતિબંધ લગાવવાની ચેતવણી આપી હતી. કોર્ટની ચેતવણી બાદ હવે વિકિમીડિયા ફાઉન્ડેશને તેની સ્થિતિ સ્પષ્ટ કરી છે.
વિકિપીડિયાની જવાબદારી વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંભાળવામાં આવે છે. તેના નિવેદનમાં ફાઉન્ડેશને કહ્યું કે, તેઓ ભારતને સમર્પિત છે અને પ્રતિબંધ જેવી પરિસ્થિતિનો સામનો ન થાય તે માટે તાત્કાલિક જરૂરી પગલાં લેશે. તેના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં વિકિમીડિયાએ કહ્યું, 'અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે ભારતના લોકોને ખુલ્લા અને સુરક્ષિત વાતાવરણમાં મફત અને વિશ્વસનીય માહિતી શેર કરવાનો અને એક્સેસ કરવાનો અધિકાર મળતો રહે.'
જાણો શું છે સમગ્ર મામલો
વાસ્તવમાં, કંપનીનું આ નિવેદન હાઈકોર્ટની બેંચની ચેતવણી બાદ આવ્યું છે. આ બેંચ એક સમાચાર એજન્સી દ્વારા દાખલ કરાયેલા કેસની સુનાવણી કરી રહી હતી, જેમાં એજન્સીએ વિકિપીડિયા પર ખોટી અને અપમાનજનક માહિતી આપવાનો આરોપ લગાવ્યો હતો. આ કિસ્સામાં, વિકિપીડિયાએ કહ્યું કે, તેમના પેજ પરનું કોન્ટેન્ટ વોલિન્ટિયર દ્વારા પ્રદાન કરવામાં આવે છે. પબ્લિક સ્ત્રોતોમાંથી મળેલી માહિતીના આધારે વોલિન્ટિયર દ્વારા કોન્ટેન્ટ એડિટ કરવામાં આવે છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે વિકિપીડિયાને કહ્યું કે, જો તેઓ કોર્ટને સહકાર નહીં આપે તો કોર્ટ ભારત સરકારને કાર્યવાહી કરવા માટે કહી શકે છે અને પછી વિકિપીડિયાને ભારતમાંથી પણ પ્રતિબંધિત કરી શકાય છે.
વિકિપીડિયા શું છે?
ઉલ્લેખનીય છે કે, વિકિપીડિયા પર કોઈપણ વિષય પરની માહિતી મફતમાં ઉપલબ્ધ છે. આ તમામ માહિતી વોલિન્ટિયર દ્વારા આપવામાં આવી છે. જોકે, કોઈપણ વ્યક્તિ વિકિપીડિયા પર માહિતીને એડિટ કરી શકે છે. આ પ્લેટફોર્મ સંપૂર્ણપણે મફત છે.






