VIDEO: Tech News / મેટાએ લોન્ચ કર્યું પહેલું AI ઇમેજ જનરેશન ટૂલ 'Muse Image', જાણો આ ટૂલના ફીચર્સ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની દુનિયામાં દરરોજ કંઈક નવું જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ WhatsApp, Instagram અને Facebookની પેરેન્ટ કંપની Metaએ પોતાનું પહેલું AI ઇમેજ જનરેશન મોડલ Muse Image લોન્ચ કરી દીધું છે. તેને Meta Superintelligence Labs દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને હાલમાં તેનો ઉપયોગ Meta AI દ્વારા કરી શકાય છે.
આ નવું ટૂલ યુઝર્સના સામાન્ય આઈડિયા કે ટેક્સ્ટને ગણતરીની સેકન્ડોમાં શાનદાર AI તસવીરોમાં બદલી શકે છે. બનાવેલી ઇમેજને ડાઉનલોડ કરવાની સાથે-સાથે સીધી Facebook, Instagram અને WhatsApp પર શેર પણ કરી શકાય છે.
કેવી રીતે કામ કરે છે Muse Image?
Metaના જણાવ્યા અનુસાર, Muse Image એડવાન્સ AI ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જેનાથી તે લાંબા અને જટિલ પ્રોમ્પટ (સૂચનાઓ)ને પણ સરળતાથી સમજી લે છે. આ મોડલ ઘણી બધી તસવીરો અને સૂચનાઓને જોડીને શ્રેષ્ઠ ક્વોલિટીની નવી ઇમેજ તૈયાર કરી શકે છે. યુઝર્સ સામાન્ય ભાષામાં પોતાની જરૂરિયાત લખીને નવી તસવીર બનાવી શકે છે. આ સિવાય પહેલાંથી બનેલી AI ઇમેજમાં ફેરફાર કે એડિટિંગ પણ કરી શકાય છે.
ઇમેજ એડિટિંગથી લઈને QR Code સુધીની સુવિધા
Muse Imageની મદદથી કોઈ ખાસ જગ્યા કે લેન્ડમાર્ક (જાણીતા સ્થળ)ની સામે વ્યક્તિની AI ફોટો બનાવી શકાય છે. જો કોઈ ફોટોમાં કોઈ અનિચ્છનીય વ્યક્તિ કે ઓબ્જેક્ટ (વસ્તુ) હોય, તો તેને હટાવી પણ શકાય છે. આ સિવાય આ AI મોડલ ટેક્સ્ટ (લખાણ)વાળા પોસ્ટર, ઇન્ફોગ્રાફિક અને QR Code જેવી વસ્તુઓ પણ એકદમ સ્પષ્ટ અને વાંચી શકાય તે રીતે તૈયાર કરી શકે છે.
સ્માર્ટ પ્રોમ્પટ અને સ્કેચ એડિટિંગ ફીચર્સ મળશે
આ ટૂલમાં પહેલાંથી તૈયાર કરેલા કેટલાક પ્રોમ્પટ સૂચનો (Presets) આપવામાં આવ્યા છે, જેથી સારી ઇમેજ બનાવવી સરળ બની જાય છે. સાથે જ @Mention ફીચરની મદદથી ફોટો કે અન્ય એલિમેન્ટ્સ ઉમેરવાની સુવિધા પણ મળે છે. જો યુઝર્સ કોઈ ઇમેજમાં ફેરફાર કરવા માંગતા હોય, તો તેઓ સીધા તેના પર સ્કેચ (દોરીને) બનાવીને AIને ફેરફાર કરવાનો સંકેત આપી શકે છે.

