રતન ટાટાની પ્રથમ પુણ્યતિથિ: Ratan Tataએ બનાવી હતી પહેલી મેડ ઇન ઇન્ડિયા કાર, લોન્ચ થતા જ બની હતી નંબર 1 કાર
ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનું બુધવાર, 9 ઓક્ટોબર, 2024ના રોજ મુંબઈની કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે અવસાન થય

ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનું બુધવાર, 9 ઓક્ટોબર, 2024ના રોજ મુંબઈની કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે અવસાન થયું હતું. આજે 9 ઓક્ટોબર 2025ના રોજ તેમની પ્રથમ પુણ્યતિથિ છે. સાદું જીવન જીવતા રતન ટાટાએ અનેક મોટી કંપનીઓ બનાવી અને લાખો લોકો માટે ઉદાહરણ બન્યા. રતન ટાટાએ ઓટો સેક્ટરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વિશ્વની સૌથી સસ્તી કાર, નેનો રજૂ કરવાની વાત હોય કે દેશની પ્રથમ સ્વદેશી કાર, આવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો શ્રેય આ દિગ્ગજ ઉદ્યોગપતિને જાય છે. ભારતની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા કાર લોન્ચ કરનાર રતન ટાટા જ હતા.
ટાટા મોટર્સે પ્રથમ વખત ભારતીય કાર લોન્ચ કરી હતી
ટાટા મોટર્સે પહેલી ડીઝલ હેચબેક કાર ટાટા ઇન્ડિકા રજૂ કરી હતી. જે સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવી હતી અને તેને સ્વદેશી કારનો ખિતાબ મળ્યો હતો. આ કાર ભારતીય કંપની દ્વારા ડિઝાઇન કરાયેલી અત્યાર સુધીની સૌથી આધુનિક કાર હતી. આ કારની કિંમતની વાત કરીએ તો લોન્ચ સમયે એટલે 1998માં આ કાર ફક્ત 2.6 લાખની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચ થયા પછી આ કારે ભારતીય બજારમાં હલચલ મચાવી દીધી હતી.
લોન્ચ થયા પછી તે નંબર વન કાર બની ગઈ હતી
લોન્ચ થયાના એક અઠવાડિયામાં જ કંપનીને 115,000 યુનિટના ઓર્ડર મળ્યા હતાં. ટાટા ઇન્ડિકા તેના સેગમેન્ટમાં નંબર વન કાર બની હતી. તેણે મારુતિ 800 અને મારુતિ ઝેન જેવી કાર સાથે જોરદાર સ્પર્ધા કરી હતી. ડીઝલ વેરિઅન્ટનું આગમન ખાસ કરીને પ્રોત્સાહક હતું, કારણ કે તે સમયે ડીઝલ ઇંધણના ભાવ ઘણાં ઓછા હતા. ટાટા ઇન્ડિકાનું માઇલેજ લગભગ 20 કિલોમીટર પ્રતિ લિટર હતું.






