VIDEO: Tech/ શું ACમાં ઓટો ક્લિન ફીચર હોય, તો સર્વિસની જરૂર ના પડે? જાણો આ બટનનો ખરો ઉપયોગ!
જો તમે આ ફીચરના કારણે AC ખરીદી રહ્યા છો અથવા તેને AC સર્વિસનો વિકલ્પ માની રહ્યા છો, તો એ જાણવું જરૂરી છે કે Auto Clean ફીચર કેવી રીતે કામ કરે છે અને તે કેટલું અસરકારક છે. જોકે, એવું નથી કે આ ફીચર સાવ નકામું છે, પરંતુ તે AC સર્વિસની જગ્યા લઈ શકતું નથી. હકીકતમાં, આ ફીચર AC માંથી આવતી દુર્ગંધ કે બેક્ટેરિયા વગેરેને દૂર કરવામાં ઘણે અંશે સક્ષમ છે, પરંતુ તેના કારણે સર્વિસને અવગણવી એ મોટી ભૂલ સાબિત થઈ શકે છે.
Auto Clean ફીચર કેવી રીતે કામ કરે છે?
Auto Clean ફીચર ખરેખર AC ને સાફ કરવાને બદલે તેને અંદરથી સૂકવે છે. તેને તમે 'ડ્રાઈંગ પ્રોસેસ' (સૂકવવાની પ્રક્રિયા) સમજી શકો છો. હકીકતમાં ACનો ઉપયોગ કર્યા પછી તેમાં ભેજ અને પાણી રહી જાય છે. આ ભેજ બેક્ટેરિયા અથવા ફૂગ (Fungus) થવાનું કારણ બની શકે છે, જેના કારણે AC માંથી દુર્ગંધ પણ આવે છે.
આ સમસ્યાને Auto Clean ફીચર દૂર કરે છે. આમાં AC નું કોમ્પ્રેસર કામ નથી કરતું અને ફક્ત બ્લોઅર ફેન (પંખો) ચાલુ રહે છે. આ પંખો અંદરની કોઈલ્સ પર જોરથી હવા ફેંકે છે, જેથી ત્યાં જમા થયેલો તમામ ભેજ સંપૂર્ણપણે સુકાઈ જાય છે. આનાથી AC માંથી કોઈ પ્રકારની દુર્ગંધ આવતી નથી.
Auto Clean ફીચરની મર્યાદાઓ શું છે?
Auto Clean ફીચર તમારા AC ને ચકાચક સાફ કરી શકતું નથી. તે તમારા AC માંથી દુર્ગંધ હટાવી શકે છે પરંતુ:
તે ભેજને દૂર કરી શકે છે, પરંતુ ધૂળ, માટી અને ગંદકીના જાડા થર સાફ કરી શકતું નથી.
આ ફીચર AC ના ફિલ્ટરને પણ સાફ કરી શકતું નથી. તેને તમારે દર 15 દિવસે જાતે સાફ કરવા જોઈએ.
આ ફીચરથી આઉટડોર યુનિટ ક્લીન થતું નથી, કારણ કે તે ફક્ત ઇન્ડોર યુનિટની અંદર જ કામ કરે છે.
આ ઉપરાંત, ડ્રેઇન પાઇપમાં ફસાયેલી ગંદકીને પણ આ ફીચર સાફ કરતું નથી.
Auto Clean ફીચર હોવા છતાં સર્વિસ કરાવવી જોઈએ?
આનો સીધો અને સ્પષ્ટ જવાબ છે 'હા', કારણ કે Auto Clean ફીચર ACમાં રહેલા ભેજને સૂકવવા સિવાય બીજું કંઈ કરી શકતું નથી. ACમાં લાગેલા ફિલ્ટરથી લઈને કન્ડેન્સર સુધી જમા થતી ગંદકી ફક્ત પ્રોપર AC સર્વિસ દ્વારા જ સાફ થઈ શકે છે.
હકીકતમાં 'Auto Clean' નામ એવું છે કે લોકો તેને ACની સફાઈ સાથે જોડીને જુએ છે. જો તમે આ ફીચરના ભરોસે AC સર્વિસને નજરઅંદાજ કરી રહ્યા છો, તો તેનાથી તમારું વીજળીનું બિલ તો વધી જ શકે છે, પણ સાથે જ ACમાં આગ લાગવા જેવી ઘટનાઓ પણ બની શકે છે. આ જ કારણ છે કે Auto Clean ફીચરને ફક્ત ACમાંથી આવતી દુર્ગંધ રોકવા પૂરતું જ મર્યાદિત માનવું જોઈએ.

