VIDEO: Tech News / સેલ્ફી લેતી વખતે દેખાડો છો આંગળીઓ? ખાલી થઈ શકે છે બેંક એકાઉન્ટ, જાણો શું છે આ નવું જોખમ
જ્યારે પણ આપણે રજાઓ માણવા જઈએ છીએ અથવા મિત્રો સાથે હોઈએ છીએ, ત્યારે અવારનવાર કેમેરા સામે આંગળીઓથી 'પીસ સાઇન' બનાવીને કે હાથ હલાવીને ફોટો પડાવીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ આદત તમારા માટે મોટી મુસીબત બની શકે છે? હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને બાયોમેટ્રિક ચોરીનું એક નવું જોખમ સામે આવ્યું છે.
જો તમે કોઈ હાઈ-રેઝોલ્યુશન કેમેરાની સામે તમારી હથેળીઓ દેખાડો છો, તો હેકર્સ તમારા અનોખા ફિંગરપ્રિન્ટ (આંગળીઓની છાપ)ની નકલ તૈયાર કરી શકે છે. સતત પાવરફુલ થઈ રહેલા કેમેરા અને AI ટેક્નોલોજી બાયોમેટ્રિક ડેટા માટે જોખમ ઊભું કરી શકે છે.
ચીનમાંથી તાજેતરમાં આવેલા અહેવાલોએ આ ડર વધુ વધારી દીધો છે કે સોશિયલ મીડિયા પરથી આપણી શારીરિક ઓળખ કેટલી સરળતાથી ચોરી શકાય છે. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે જો તમે કેમેરાથી પાંચ ફૂટના અંતરની અંદર ઊભા રહીને ફોટો પડાવો છો અને તમારી ફિંગરપ્રિન્ટ કેમેરા તરફ છે, તો કોઈ પણ ગુનેગાર સરળતાથી તમારી ફિંગરપ્રિન્ટનો ડેટા ચોરી શકે છે.
એકવાર જ્યારે ફિંગરપ્રિન્ટ ડિજિટલ રીતે તૈયાર થઈ જાય, ત્યારે તમારા સ્માર્ટફોન, લેપટોપ અને પેમેન્ટ સિસ્ટમના બાયોમેટ્રિક સ્કેનરને પણ છેતરીને તેને અનલોક કરી શકાય છે.
AI એ આ જોખમને વધુ ઘાતક બનાવ્યું
પહેલાના સમયમાં, ઝાંખી (બ્લર) તસવીરો આવી ચોરીથી આપણો બચાવ કરતી હતી. પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવવાથી બધું બદલાઈ ગયું છે. નાણાકીય નિષ્ણાત લી ચાંગએ ચેતવણી આપતા કહ્યું કે, "આજકાલના ફોટો એડિટિંગ સોફ્ટવેર અને AI ટૂલ્સ રોજિંદી સેલ્ફીમાં છુપાયેલી ફિંગરપ્રિન્ટની રેખાઓને પણ ખૂબ જ સાફ અને સ્પષ્ટ બનાવી શકે છે."
જો કે, લાઈટિંગ અને ફોકસ જેવી બાબતો હજુ પણ મહત્ત્વની છે, પરંતુ બચવાની શક્યતાઓ ઓછી થઈ રહી છે. ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સના પ્રોફેસર ઝિંગ ઝિવુના જણાવ્યા અનુસાર, હાઇ-રેઝોલ્યુશન તસવીરો અથવા એક કરતાં વધુ તસવીરોની મદદથી હેકર્સ સરળતાથી તમારા ફિંગરપ્રિન્ટનો ડેટા મેળવી શકે છે.
પહેલાં પણ આવા પ્રયોગો થઈ ચૂક્યા છે
તસવીરોમાંથી ફિંગરપ્રિન્ટ ચોરવાનો આ વિચાર કોઈ નવો નથી. પરંતુ, તેને સાચો સાબિત કરનારી ટેક્નોલોજી હવે લેબમાંથી બહાર નીકળીને સામાન્ય સ્માર્ટફોન સુધી પહોંચી ગઈ છે.
વર્ષ 2013માં, જર્મન બાયોમેટ્રિક્સ રિસર્ચર જન ક્રિશ્લરે એપલના ટચ આઈડી (Touch ID) લોન્ચ થયાના થોડા જ સમય બાદ તેને હેક કરી લીધું હતું.
આના બરાબર એક વર્ષ પછી, તેમણે જર્મનીના સંરક્ષણ મંત્રીના હાથના સામાન્ય ફોટાનો ઉપયોગ કરીને તેમની ફિંગરપ્રિન્ટ બનાવી લીધી હતી.
જે કામ પહેલાં ખૂબ જ મુશ્કેલ અને ટેકનિકલ લાગતું હતું, તે હવે સરળ થઈ ગયું છે.
વર્ષ 2021માં, ક્રેકેન સિક્યોરિટી લેબ્સના સંશોધકોએ સાબિત કરી દીધું હતું કે માત્ર એક તસવીર, ફોટોશોપ, લેઝર પ્રિન્ટર અને થોડા લાકડા ચોંટાડવાના ગુંદર (ફેવિકોલ)ની મદદથી નકલી પરંતુ કામ કરતું ફિંગરપ્રિન્ટ બનાવી શકાય છે.
આપણે હજુ પણ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કેમ કરીએ છીએ?
જો આમાં આટલું જોખમ છે, તો એપલ, ગૂગલ અને સેમસંગ જેવી મોટી ટેક કંપનીઓ હજુ પણ ફિંગરપ્રિન્ટ સ્કેનર પર કેમ ભરોસો રાખી રહી છે?
બાયોમેટ્રિક્સ આપણને કોઈ પણ ઝંઝટ વગર કામ કરવાની આઝાદી આપે છે. તેની મદદથી યુઝર્સ સેકન્ડોમાં પોતાનો ફોન અનલોક કરી શકે છે અથવા પેમેન્ટ કન્ફર્મ કરી શકે છે. જો કે તે લાંબા અને મુશ્કેલ પાસવર્ડ જેટલું સુરક્ષિત નથી, પરંતુ તેમ છતાં તે સામાન્ય ચોરોથી ફોનને સુરક્ષિત રાખવાનો એક ઉત્તમ રસ્તો છે.
આ મોટા જોખમથી પોતાને કેવી રીતે બચાવશો?
તમારે તમારી સેલ્ફી લેવાનું બંધ કરવાની કોઈ જરૂર નથી, બસ થોડી સાવચેતી રાખવાની જરૂર છે. તમારા બાયોમેટ્રિક ડેટાને સુરક્ષિત રાખવા માટે ક્લોઝ-અપ શોર્ટ્સ લેવાનું ટાળો, ખાસ કરીને ત્યારે જ્યારે તમારી આંગળીઓના ટેરવા સાફ દેખાતા હોય.
જો તમને તસવીરોમાં 'પીસ સાઇન' બનાવવો ગમતો હોય, તો હથેળીને કેમેરા તરફ રાખવાને બદલે પોતાની તરફ રાખીને ફોટો પડાવો.
મલ્ટિ-ફેક્ટર ઓથેન્ટિકેશન (MFA) નો ઉપયોગ કરો: તમારા મહત્વપૂર્ણ અને સંવેદનશીલ એકાઉન્ટ્સની સુરક્ષા માટે માત્ર ફિંગરપ્રિન્ટ પર નિર્ભર ન રહો; તેની સાથે કોઈ બીજા કોડ કે એપનો ઉપયોગ ચોક્કસ કરો.

