tech news/ સ્માર્ટફોન પર મોટો ખતરો! સ્કેમર્સ હવે ફોન હેક કરવા માટે કરી રહ્યા છે AIનો ઉપયોગ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી જેમ સ્કેમર્સ પણ Google Geminiનો ઉપયોગ કરીને તમને નિશાન બનાવી શકે છે? પ્રખ્યાત એન્ટીવાયરસ કંપની ESETના સંશોધકોએ 'PromptSpy' નામનો એક નવો એન્ડ્રોઇડ મેલવેર શોધી કાઢ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આ મેલવેર યુઝર્સને છેતરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે મેલવેર પહેલેથી નક્કી કરેલી સૂચનાઓ પર કામ કરતા હોય છે, પરંતુ PromptSpy એ પહેલો એવો એન્ડ્રોઇડ મેલવેર છે જે Generative AI નો ઉપયોગ કરે છે.
શું છે આ PromptSpy?
ESETના રિપોર્ટ અનુસાર, આ મેલવેર તમારી સ્ક્રીન પરની વિગતો મેળવવા માટે Gemini AIનો ઉપયોગ કરે છે. તે તમારી સ્ક્રીનની માહિતી જેમિનીને મોકલે છે અને AI ચેટબોટ પાસેથી સૂચનાઓ માંગે છે કે આગળ શું પગલું ભરવું. આ રીતે તે એડ ફ્રોડ (જાહેરાતની છેતરપિંડી) માટે સ્ક્રીનશોટનું વિશ્લેષણ કરે છે.
આ મેલવેર કેવી રીતે કામ કરે છે?
સંશોધકો જણાવે છે કે આ મેલવેર અલગ-અલગ એન્ડ્રોઇડ ડિવાઇસ અને ઇન્ટરફેસ મુજબ પોતાની મેળે બદલાય છે. તે હવે જૂની સ્ક્રિપ્ટો પર નિર્ભર નથી. પહેલાના મેલવેર મર્યાદિત ડિવાઇસ પર જ કામ કરતા હતા, પરંતુ હવે જેમિની દ્વારા સ્કેમર્સ અલગ-અલગ ફોનના પેટર્નને સમજી લે છે અને AI પાસેથી આગળની પ્રક્રિયા જાણી લે છે.
AI નો ખતરનાક ઉપયોગ
એન્ડ્રોઇડ ફોનમાં એપ્સને 'લોક' કે 'પિન' કરવાની સુવિધા હોય છે જેથી તે બેકગ્રાઉન્ડમાંથી હટે નહીં. અલગ-અલગ કંપનીના ફોનમાં આ સિસ્ટમ અલગ હોય છે. અહીં જ PromptSpy પોતાની રમત રમે છે. તે તમારી સ્ક્રીન પરના UI એલિમેન્ટ્સ, ટેક્સ્ટ અને કોઓર્ડિનેટ્સની માહિતી XML ફોર્મેટમાં Gemini ને મોકલે છે.
ત્યારબાદ ગૂગલનું AI ચેટબોટ તેને JSON ફોર્મેટમાં કોઈ એપને લોક કે પિન કરવાની સૂચના આપે છે. આ રીતે PromptSpy એન્ડ્રોઇડની Accessibility Service નો ઉપયોગ કરીને તમારા ફોન પર કબજો જમાવે છે.
કઈ વિગતો ચોરી થઈ શકે છે?
PromptSpy વાસ્તવમાં એક 'સ્પાયવેર' છે. તેમાં ખાસ મોડ્યુલ હોવાને કારણે તે તમારા ફોનને રિમોટલી કંટ્રોલ કરી શકે છે. તે આ વિગતો ચોરી શકે છે:
-
રિયલ-ટાઇમ સ્ક્રીન એક્ટિવિટી.
-
ઇન્સ્ટોલ કરેલી એપ્સની યાદી.
-
લોકસ્ક્રીન PIN અને પાસવર્ડ.
-
સ્ક્રીનશોટ અને જેસ્ચર રેકોર્ડિંગ.
બચવાના ઉપાયો
ગૂગલ અને સુરક્ષા નિષ્ણાતો સૂચવે છે કે:
-
તમારા ડિવાઇસમાં Google Play Protect હંમેશા ચાલુ રાખો.
-
અજાણી લિંક પરથી એપ્સ ડાઉનલોડ કરવાનું ટાળો.
-
કોઈપણ એપને 'Accessibility' પરમિશન આપતા પહેલા બે વાર વિચારો.

