દુનિયાભરની અનેક વેબસાઇટ્સ બંધ! PHPમાં મળી ગંભીર ખામી, સરકારોએ આપી તાત્કાલિક ચેતવણી, તાત્કાલિક કરો આ કામ

ઇન્ટરનેટની સુરક્ષાને લઈને દુનિયાભરમાં ચિંતા વધી છે. વેબસાઇટ્સ બનાવવામાં અને ચલાવવામાં ઉપયોગમાં લેવાતી પ્રોગ્રામિંગ ભાષા (Programming Language) PHPમાં બે ગંભીર સાયબર સુરક્ષા ખામીઓ (Cyber Security Vulnerabilities) મળી આવી છે. આ ખામીઓ સામે સુરક્ષા અપડેટ (Security Update) જાહેર કરવામાં આવ્યું છે. અનેક દેશોની સરકારો અને સાયબર સુરક્ષા એજન્સીઓએ વેબસાઇટ્સના સંચાલકોને તાત્કાલિક અપડેટ ઇન્સ્ટોલ કરવાની અપીલ કરી છે. જે સંસ્થાઓ સમયસર સુરક્ષા અપડેટ લાગુ કરી શકતી નથી, તેમને પોતાની વેબસાઇટ્સ અસ્થાયી રૂપે બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે.
AIની મદદથી મળી દાયકાઓ જૂની ખામી
સાયબર સુરક્ષા કંપનીઓ Calif અને Wizના સંશોધકોએ આ ખામીઓ શોધી હતી. OpenAIના ‘Patch the Planet’ કાર્યક્રમ હેઠળ સંશોધકોને અદ્યતન AI ટૂલ્સનો ઉપયોગ કરીને સોફ્ટવેરની ખામીઓ શોધવાની તક આપવામાં આવી હતી. સંશોધકોના જણાવ્યા અનુસાર, આ ખામીઓ એક દાયકાથી વધુ સમય સુધી શોધી શકાઈ નહોતી. Wizએ તેને AI દ્વારા શોધાયેલી સૌથી ગંભીર સુરક્ષા ખામીઓમાંની એક ગણાવી છે.
કંપનીના અંદાજ પ્રમાણે, ઇન્ટરનેટની લગભગ 70 ટકા વેબસાઇટ્સ પર તેની અસર થઈ શકે છે. જોકે, આ આંકડાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
ફિનલેન્ડથી નેધરલેન્ડ્સ સુધી વેબસાઇટ્સ બંધ
આ ખતરાને ધ્યાનમાં રાખીને અનેક દેશોમાં સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં છે. ફિનલેન્ડે સરકારી જાહેર વેબ સેવાઓ (Public Web Services) અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. નેધરલેન્ડ્સની સાયબર સુરક્ષા એજન્સીએ પણ પોતાની વેબસાઇટ ઑફલાઇન કરી છે. દેશની સંસદના નીચલા ગૃહ Tweede Kamerની વેબસાઇટ પણ અપ્રાપ્ય બની હતી.
બ્રિટનમાં એડિનબર્ગ કાઉન્સિલની વેબસાઇટ અને BBCના ‘Doctor Who’ તથા ‘The Traitors’ જેવા કાર્યક્રમોની કેટલીક વેબસાઇટ્સ પણ બંધ થઈ હતી. જોકે, આ તમામ વેબસાઇટ્સના બંધ થવા પાછળ PHPની ખામી જ જવાબદાર છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
હેકર્સ સર્વર અને ડેટાબેઝને નિશાન બનાવી શકે
અમેરિકાની નેશનલ સિક્યુરિટી એજન્સી (NSA), બ્રિટનનું નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટર (NCSC) અને યુરોપની સુરક્ષા એજન્સીઓએ પણ ચેતવણી આપી છે. આ ખામીનો દુરુપયોગ કરીને હેકર્સ સર્વરની ફાઇલો અને ડેટાબેઝ સુધી પહોંચવાનો પ્રયાસ કરી શકે છે. તેના કારણે માલવેર (Malware) ઇન્સ્ટોલ થવાનું, ડેટાની ચોરી થવાનું અને વેબસાઇટ્સ બંધ થવાનું જોખમ છે.
Cloudflareના ચીફ ટેક્નોલોજી ઓફિસર ડેન નેચ્ટે જણાવ્યું હતું કે આ ખામીઓનો ઉપયોગ કરીને હુમલાના પ્રારંભિક પ્રયાસો જોવા મળી રહ્યા છે.
WordPress સહિત અનેક પ્લેટફોર્મ પર જોખમ
PHPનો ઉપયોગ WordPress, Drupal, Joomla અને Magento જેવા લોકપ્રિય પ્લેટફોર્મમાં થાય છે. ઘણી વેબસાઇટ્સમાં PHP બેકએન્ડમાં કાર્યરત હોય છે, જેના વિશે સંચાલકોને જાણ પણ ન હોય.
PHP Foundationએ નવી સુરક્ષા ખામી માટે અપડેટ જાહેર કર્યું છે. PHP 8.1 અથવા તેનાથી જૂના વર્ઝનનો ઉપયોગ કરતા સંચાલકોને નવી આવૃત્તિ પર અપગ્રેડ કરવાની સલાહ આપવામાં આવી છે. સંસ્થાઓએ સુરક્ષા અપડેટ લાગુ કર્યા બાદ પણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવી જરૂરી છે.








