ટોપ ગિયરમાં રહ્યું કારથી લઈને ટ્રેક્ટરનું વેચાણ, નાણાકીય વર્ષ 2023-24માં થયો આટલા ટકાનો વધારો
દેશમાં કાર, SUV, થ્રી-વ્હીલર, ટુ-વ્હીલર અને ટ્રેક્ટરનું બમ્પર વેચાણ થયું છે.

દેશમાં કાર, SUV, થ્રી-વ્હીલર, ટુ-વ્હીલર અને ટ્રેક્ટરનું બમ્પર વેચાણ થયું છે. તેના કારણે કુલ વેચાણમાં મોટો ઉછાળો આવ્યો છે. FADAએ સોમવારે જણાવ્યું હતું કે, પેસેન્જર વાહનો, થ્રી-વ્હીલર્સ અને ટ્રેક્ટરના રેકોર્ડ વેચાણને કારણે ભારતમાં મોટર વાહનના રિટેલ વેચાણમાં 10 ટકાનો વધારો થયો છે. મોટર વાહનનું છૂટક વેચાણ 2022-23માં 2,22,41,361 યુનિટ્સની સરખામણીએ ગયા નાણાકીય વર્ષમાં 10 ટકા વધીને 2,45,30,334 યુનિટ થયું હતું.
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન અનુસાર, ગત નાણાકીય વર્ષમાં પેસેન્જર વાહનોનું રજિસ્ટ્રેશન 8 ટકા વધીને 39.48 લાખ યુનિટ થયું હતું. જ્યારે થ્રી વ્હીલર્સનું વેચાણ 49 ટકા વૃદ્ધિ સાથે 11.65 લાખ યુનિટ નોંધાયું હતું. માર્કેટમાં સુધારાલક્ષી ટ્રેન્ડ અને ગ્રામીણ બજારોમાં વધતી માગના પગલે ટુ વ્હીલર્સનું વેચાણ 9 ટકા વધી 1.75 કરોડ યુનિટ વધ્યું હતું. પેસેન્જર વાહનોનું વેચાણ માર્ચ, 2023માં 3.43 લાખ યુનિટની તુલનાએ 6 ટકા ઘટીને 3.22 લાખ યુનિટ નોંધાયું હતું.
માર્ચમાં વેચાણ 3 ટકા વધ્યું
એપ્રિલમાં ભાવ વધારાની શક્યતાઓ વચ્ચે માર્ચમાં વાહનોનું કુલ રિટેલ વેચાણ 3 ટકા વૃદ્ધિ સાથે 21.27 લાખ યુનિટ નોંધાયું હતું. જે અગાઉના વર્ષોની તુલનાએ ઓછો ગ્રોથ દર્શાવે છે. ગત મહિને ટુ વ્હીલર્સનું વેચાણ 5 ટકા વધીને 15.29 લાખ યુનિટ થઈ ગયું હતું. જ્યારે થ્રી વ્હીલર્સનું વેચાણ 17 ટકા વધીને 1 લાખ યુનિટ થઈ ગયું હતું.
ચૂંટણીના કારણે રોકડ પર પ્રતિબંધના પગલે માર્ચમાં વેચાણ ઘટ્યું
ફાડાના અધ્યક્ષ મનીષ સિંઘાનિયાએ વાહનોના વેચાણ અંગે જણાવ્યું હતું કે, ઓટો સેક્ટર માટે વર્ષ 2023-24 આકર્ષક રહ્યું છે. ટ્રેક્ટર, થ્રી વ્હિલર અને પેસેન્જર વાહનોનું રેકોર્ડ વેચાણ થયું છે. જોકે, ટુ વ્હીલર્સ સેગમેન્ટમાં અપેક્ષિત વૃદ્ધિ જોવા મળી નથી. ચૂંટણી દરમિયાન ગ્રાહકો રોકડ લઈ જવા પર અસુવિધાનો સામનો કરી રહ્યા છે. જેના લીધે માર્ચમાં અપેક્ષિત વેચાણ ગ્રોથ નથી. ફાડાએ દેશભરના 1447 આરટીઓમાંથી 1360 આરટીઓ પાસેથી વાહનોના રજિસ્ટ્રેશનનના આંકડાઓ એકત્ર કરી આ રિપોર્ટ જારી કર્યો છે. જેમાં તેણે નવું નાણાકીય વર્ષ ઓટો ઈન્ડસ્ટ્રી માટે નવી તકોની સાથે અમુક પડકારોનો સામનો કરનારુ રહેવાનો અંદાજ આપ્યો છે.






