મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટીદારોના સરદાર કોણ?, જયેશ રાદડિયા સાથે ટકરાવને લઇને ખોડલધામના 'નરેશે' આપ્યો જવાબ

જયેશ રાદડિયા સાથે કોલ્ડવોરની વાત વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાનું નિવેદન આપ્યું છે. સૌરાષ

જયેશ રાદડિયા સાથે કોલ્ડવોરની વાત વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાનું નિવેદન આપ્યું છે. સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર આગેવાન નરેશ પટેલના જન્મદિવસે સરદાર ધામ રાજકોટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નરેશ પટેલે કહ્યું કે, ઘરની વાત ઘરમાં જ રહેવી જોઇએ.

નરેશ પટેલે જયેશ રાદડિયા સાથેના ટકરાવ પર કહ્યું કે, "મુખ્ય મુદ્દો સવા મહિનો જૂનો છે, સવા મહિના પછી એક પત્રિકામાં પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે. ક્યાકને ક્યાક રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય તેવું મને લાગે છે." વધુમાં નરેશ પટેલે કહ્યું કે, "ખોડલધામ સાથે જોડાયેલા મિત્રો આખા ગુજરાતભરમાં લગભગ અમારા રજિસ્ટર્ડ કન્વિનરો અને સહ કન્વિનરો 500ની ઉપર છે, એમાં કોઇ પણ માણસ સ્વતંત્ર ભારતમાં કોઇની મદદ કરે તેમાં ખોડલધામનું નામ લગાવી દેવું તે યોગ્ય નથી."

પાટીદારોનો સરદાર કોણ?

પાટીદારોના સરદાર કોણ? જવાબમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું કે, તે જનતા નક્કી કરે, પાટીદારો નક્કી કરે કે સરદાર કોણ?

નરેશ પટેલે વધુમાં કહ્યું કે, "જ્યારે પાટીદાર સમાજની વાત આવે ત્યારે તેમાં પણ ઘણા આગેવાનો છે રાજકીય અને સામાજિક બન્ને રીતે. પાટીદાર એક એવો સમાજ છે જે દરેક સમાજને સાથે લઇને ચાલનારો સમાજ છે. સારા નેતા બીજા સમાજના પણ બધાનું હિત જોઇને કામ કરતો હોય તેમાં પાટીદાર સમાજ ખુશ જ હોય છે."

ખોડલધામ તરફથી કોઇ દ્વેષ નથી

જયેશ રાદડિયા સાથે કોલ્ડવોરની વાતો વચ્ચે નરેશ પટેલે પોતાનું નિવેદન આપ્યું હતું. ખોડલધામના ચેરમેને કહ્યું, "જે રીતે વાત ચાલી છે જેટલું મને ખબર છે, ખોડલધામ તરફથી કોઇ દ્વેષ, રાગ કે વાંધો નથી. પાટીદાર સમાજ દરેક સમાજની સાથે રહે છે અને ઘરમાં તો કોઇ હોય જ નહીં. ઘરમાં તો સમાધાન હોય. બન્ને વચ્ચે તિરાડ ઉભી કરવા માંગતા હોય તેવું લાગે છે."

જયેશ રાદડિયા સાથે મને કોઇ વાંધો નથી

નરેશ પટેલે જયેશ રાદડિયાના ટકરાવ પર વધુમાં કહ્યું કે, "જયેશ રાદડિયા સાથે મને કોઇ વાંધો નથી. જયેશ યુવા નેતા છે, પાટીદાર સમાજનો છે. જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઉભા રહ્યાં છે, તે ઇતિહાસ કોઇને ભૂલવાની જરૂર નથી. જ્યારે જયેશભાઇને જરૂર પડશે તો અમે તેમની સાથે ઉભા રહેવા તૈયાર છીએ."

સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઇએ- નરેશ પટેલ

ખોડલધામના ચેરમેને પોતાના જન્મદિવસ અને બ્લડડોનેશન કેમ્પ પ્રસંગે કહ્યું કે, સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઇએ. આજની પરિસ્થિતિ રાજકીય રીતે એક્ટિવ ના રહીએ તો સમાજનું કામ જ ના થાય. રાજકીય રીતે હું એક્ટિવ નથી રહેવાનો પણ જે પણ એક્ટિવ રહેશે તેને હું સપોર્ટ કરીશ."

ઘરની વાત ઘરમાં જ રહેવી જોઇએ

વધુમાં નરેશ પટેલે કહ્યું કે, "આ દેશના લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ આખા રાષ્ટ્રને એમ કહીને ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો પણ આજે અફસોસથી કહેવું પડે છે કે હંમેશા ઘરની વાત ઘરમાં નથી રહેતી."

આ સમાચાર શેર કરો