VIDEO/ વિજય રૂપાણીની ખોટ વર્તાઈ, અંજલિબેન રૂપાણીએ પ્રથમ વખત પતિ વગર કર્યું મતદાન
રાજકોટ: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મહાકુંભ યોજાઈ
રાજકોટ: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મહાકુંભ યોજાઈ રહ્યો છે. રાજકોટમાં વહેલી સવારથી જ દિગ્ગજ નેતાઓ અને નાગરિકો મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણીએ રાજકોટની અનિલ જ્ઞાનમંદિર શાળા ખાતે પહોંચીને પોતાનો મત આપ્યો હતો.
ભાવુક થયા અંજલિબેન રૂપાણી
આ વખતની ચૂંટણી અંજલિબેન માટે અંગત રીતે ઘણી અલગ અને ભાવુક રહી હતી. મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, "આ પ્રથમ વખત છે જ્યારે મેં વિજયભાઈ વગર મતદાન કર્યું છે. તેમની ખોટ માત્ર મને જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતને પડી રહી છે." ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી અને અંજલિબેન હંમેશા સાથે મળીને મતદાન કરવા આવતા હતા, જે પરંપરા આજે તૂટી હતી.
ભાજપની જીતનો વિશ્વાસ
અંજલિબેન રૂપાણીએ મતદાન કર્યા બાદ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે. લોકો વિકાસના કામોને જોઈને ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મૂકશે."
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.







