મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Kheda આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ; બદલીના નામે લાંચ માંગતા અધિકારીઓની પોલ ખોલતો મહિલા કર્મચારીનો વીડિયો વાયરલ

ગુજરાતનું આરોગ્ય વિભાગ જ્યારે લોકોની સેવાના દાવા કરી રહ્યું છ

ગુજરાતનું આરોગ્ય વિભાગ જ્યારે લોકોની સેવાના દાવા કરી રહ્યું છે, ત્યારે ખેડા જિલ્લાના આરોગ્ય તંત્રમાંથી ભ્રષ્ટાચારનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. બદલીની નોટિસ આપીને કર્મચારીઓ પાસેથી રૂ. 30 હજારથી 50 હજાર સુધીના ઉઘરાણા કરવામાં આવતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

આરોગ્ય વિભાગની જ એક મહિલા કર્મચારીએ 4 મિનિટના વીડિયોમાં પોતાનો આક્રોશ ઠાલવતા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની પોલ ખોલી છે. વીડિયોમાં મહિલાએ ઘટસ્ફોટ કર્યો છે કે, જિલ્લાના CDHO (મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી) અને THO (તાલુકા આરોગ્ય અધિકારી) દ્વારા ભ્રષ્ટાચારનું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે.

વીડિયોમાં કરાયેલા દાવા મુજબ, અધિકારીઓ નીચેના કર્મચારીઓને બદલીની નોટિસ બજાવી દે છે અને ત્યારબાદ આ નોટિસ રદ કરવા અથવા અનુકૂળ જગ્યાએ બદલી કરવા માટે નાણાંની માંગણી કરવામાં આવે છે. કર્મચારીઓના પરસેવાની કમાણી ઓળવી લેવા માટે અધિકારીઓ જ 'ગોરખધંધા' ચલાવી રહ્યા હોવાના બોલતા પુરાવા આ વીડિયોમાં રજૂ કરવામાં આવ્યા છે.

એક તરફ સરકાર 'ઝીરો ટોલરન્સ'ની વાત કરે છે, ત્યારે ખેડામાં સરકારી કર્મચારી જ અધિકારીઓના ત્રાસ અને ભ્રષ્ટાચારનો શિકાર બની રહી છે. વાયરલ વીડિયોમાં મહિલા કર્મચારીએ ત્યાં સુધી કહ્યું કે, ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ માનસિક રીતે બીમાર છે અને તેમને ઇલાજની જરૂર છે. હાલમાં આ વીડિયો વાયરલ થયા બાદ ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને ગાંધીનગર આરોગ્ય વિભાગ આ મામલે શું પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે. 

આ વાયરલ વીડિયોની પુષ્ટિ જીએસટીવી નથી કરતું. 

આ સમાચાર શેર કરો