VIDEO/ બગોદરા હાઈવે પર સ્કોર્પિયોમાં આગ, ડીઝલ ભરાવ્યા બાદ સર્જાઈ ખામી, નવી કાર બળીને ખાખ
અમદાવાદ: અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક ચાલતી સ્કોર્પિયો કાર અચાનક
અમદાવાદ: અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક ચાલતી સ્કોર્પિયો કાર અચાનક આગનો ગોળો બની ગઈ હતી. ગણતરીની મિનિટોમાં જ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે નવી નક્કોર કાર લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ હતી. સદનસીબે, કાર ચાલકનો આબાદ બચાવ થયો છે.
ડીઝલ ભરાવ્યા બાદ સર્જાઈ ટેકનિકલ ખામી
મળતી માહિતી મુજબ, કાર ચાલક ભાવિન દેવાભાઈ સિહાર (રહે. કેશોદ) ડાકોરથી કેશોદ તરફ જઈ રહ્યા હતા. બગોદરા નજીક આવેલા એક પેટ્રોલ પંપ પરથી તેમણે કારમાં ડીઝલ ભરાવ્યું હતું. પેટ્રોલ પંપ પરથી નીકળ્યાના થોડા જ સમય બાદ તેમને કારમાં કોઈ ટેકનિકલ ખામી હોવાનો અહેસાસ થયો હતો. આ ખામી અંગે તપાસ કરાવવા માટે ચાલક જ્યારે રોંગ સાઈડમાં પરત પેટ્રોલ પંપ તરફ જઈ રહ્યો હતો, ત્યારે જ અચાનક એન્જિનના ભાગેથી ધુમાડા નીકળવા લાગ્યા અને જોતજોતામાં આગ ફાટી નીકળી હતી.
આખરી પ્રયાસો છતાં કાર બચી ન શકી
આગ લાગતાની સાથે જ ચાલકે સમયસૂચકતા વાપરીને કારમાંથી નીચે ઉતરી જતાં તેમનો જીવ બચ્યો હતો. જોકે, આગ એટલી ઝડપી અને ભીષણ હતી કે કાર ભડભડ સળગી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ બાવળા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
નવી કારનો કરૂણ અંત
ચાલકે જણાવ્યું હતું કે તેમણે આ સ્કોર્પિયો કાર માત્ર દોઢ વર્ષ પહેલા જ નવી ખરીદી હતી. હાઈવે પર બનેલી આ ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.








